કડક મિજાજ માટે જાણીતા પુતિનનું ભરી મહેફિલમાં હાથ પકડનાર આ મહિલા કોણ છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| IMAGE X |
Vladimir Putin Viral Video: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન દુનિયાભરમાં તેમના કડક વલણ અને પાવરફુલ અંદાજ માટે જાણીતા છે. ઇન્ટરનેશનલ સ્ટેજ પર મોટા-મોટા નેતાઓ પણ તેમની સામે સમજી-વિચારીને વાત કરે છે. પરંતુ, એક સરકારી ઇવેન્ટ દરમિયાન તેમનો સામનો એક એવી બેબાક મહિલા સાથે થયો, જેણે સ્ટેજ પર કંઈક એવું કર્યું કે ખુદ રાષ્ટ્રપ્રમુખ પુતિન પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને શરમથી લાલ થઈ ગયા હતા.
જ્યારે લાઈવ સ્ટેજ પર મહિલાએ ખેંચ્યો પુતિનનો હાથ
ક્રેમલિનના એક વીઆઈપી સમારોહમાં રાષ્ટ્રપ્રમુખ પુતિન પત્રકારો અને મીડિયા જગતની હસ્તીઓને સન્માનિત કરી રહ્યા હતા. આ લિસ્ટમાં એક પ્રભાવશાળી મહિલાનું નામ આવ્યું અને તે સ્ટેજ પર પહોંચી. પુતિને તેની સાથે હેન્ડશેક કર્યો, મેડલ પહેરાવ્યો, ગુલદસ્તો આપ્યો અને પછી ફોટો પડાવવા માટે કેમેરા તરફ ફરવા લાગ્યા. પરંતુ, એ જ સેકન્ડે આ મહિલાએ પુતિનનો હાથ ખેંચી લીધો અને તેમનો હાથ મજબૂતીથી પકડી રાખીને કેમેરા સામે પોઝ આપવા લાગી. પુતિન આ અણધાર્યા પગલાથી થોડા અસહજ અને હેરાન દેખાયા, જ્યારે મહિલા ભારે આત્મવિશ્વાસ સાથે પુતિન તરફ જોઈને સ્માઈલ આપી રહી હતી.
કોણ છે આ હિમ્મતવાન મહિલા?
રાષ્ટ્રપ્રમુખ પુતિનનો હાથ પકડનારી આ મહિલા કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ રશિયાની સુપરફેમસ સેલિબ્રિટી ટીના કંડેલાકી (Tina Kandelaki) છે. ટીના રશિયાની સૌથી પ્રભાવશાળી ટીવી એન્કર, જર્નાલિસ્ટ અને દેશની ટોચની બિઝનેસવુમન છે. ટીનાનો જન્મ જ્યોર્જિયામાં થયો હતો અને તેમનો પરિવાર જ્યોર્જિયન-આર્મેનિયન મૂળનો છે. ટીના હંમેશા ગર્વથી કહે છે કે, મારું ઓરિજિન ભલે ગમે ત્યાંનું હોય, પણ હું દિલથી સંપૂર્ણપણે રશિયન છું.
રશિયન મીડિયા ઇન્ડસ્ટ્રી પર દબદબો અને કરોડોની સંપત્તિ
ટીના કંડેલાકી માત્ર ટીવી એન્કરિંગ પૂરતી સીમિત નથી, પરંતુ રશિયાના બિઝનેસ અને મીડિયા સેક્ટરમાં તેમનો ભારે દબદબો છે. તે રશિયાની સૌથી મોટી નેશનલ સ્પોર્ટ્સ ચેનલ મેચ ટીવી (Match TV) ની જનરલ પ્રોડ્યુસર રહી ચૂકી છે. હાલમાં તે રશિયાના સૌથી મોટા મીડિયા હોલ્ડિંગ ગાઝપ્રોમ-મીડિયાની ડેપ્યુટી જનરલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. રશિયાના સૌથી અમીર અને વગદાર લોકોમાં ટીનાની ગણતરી થાય છે.
વિવાદો અને પુતિન સાથે કનેક્શન
મીડિયા સિવાય ટીના રશિયાના રાજકારણમાં પણ ખૂબ સક્રિય છે. તે રશિયાના પબ્લિક ચેમ્બરની સભ્ય રહી ચૂકી છે અને તેને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની નીતિઓની ખૂબ મોટી સમર્થક માનવામાં આવે છે. યુક્રેન યુદ્ધ દરમિયાન પણ ટીનાએ ખુલ્લેઆમ રશિયન સરકાર અને પુતિનનો પક્ષ લીધો હતો. આ જ કારણે અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધો પણ લગાવેલા છે. હાલમાં આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ટીનાની આ હિમ્મત જોઈને દંગ રહી ગયા છે.









