World

VIDEO: ખામેનેઈની અંતિમ વિદાયમાં ભારતમાંથી કોણ-કોણ પહોંચ્યું? 4 મહિનાથી ક્યાં રખાયો હતો મૃતદેહ?

By GS Team
3 Jul 20266 mins read
TukuTouch Logo
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇના પાર્થિવ દેહને શુક્રવારે તેહરાનના 'ગ્રાન્ડ મોસાલા'માં અંતિમ દર્શન માટે રખાયો હતો. ભારત-પાકિસ્તાન સહિત વિશ્વભરના ધર્મગુરુઓ, અધિકારીઓ અને મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 37 વર્ષના શાસન બાદ, શનિવારે યોજાનારા અંતિમ સંસ્કારમાં કરોડો લોકો સામેલ થશે તેવી અપેક્ષા છે. આ અંતિમ સંસ્કાર 4 જુલાઈએ શરૂ થઈ 9 જુલાઈએ સમાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ખામેનેઈની અંતિમ વિદાયમાં ભારતમાંથી કોણ-કોણ પહોંચ્યું? 4 મહિનાથી ક્યાં રખાયો હતો મૃતદેહ?

Ayatollah Ali Khamenei Funeral Tehran : દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, જ્યારે તેનું અવસાન થાય ત્યારે તેની અંતિમયાત્રા ભવ્ય રીતે નીકળે. તેના ચાહકો તેને એવી રીતે વિદાય આપે કે, દુનિયા જોતી રહી જાય. ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇના પાર્થિવ દેહને શુક્રવારે તેહરાનના એક વિશાળ હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અહીં વિશ્વભરના ધર્મગુરુઓ, અધિકારીઓ, વિદેશી મહાનુભાવો અને અન્ય શોકગ્રસ્ત લોકોએ તેમના 37 વર્ષના શાસન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

'ગ્રાન્ડ મોસાલા' માં શબપેટી

ઈરાનના મીડિયા અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની તસવીરોમાં શોક મનાવતા લોકો ખામેનેઈની શબપેટી (તાબૂત) ને 'ગ્રાન્ડ મોસાલા' લઈ જતા જોવા મળ્યા હતા. આ શબપેટી પર ઈરાનનો ત્રિરંગો ધ્વજ લપેટેલો હતો અને 'ગ્રાન્ડ મોસાલા' ઈસ્લામિક પ્રજાસત્તાકની સૌથી મહત્વપૂર્ણ ઔપચારિક જગ્યાઓમાંથી એક છે. અન્ય તસવીરોમાં અંતિમ સંસ્કાર પહેલાની વિધિ દરમિયાન કાળા કપડાં પહેરેલા લોકોની ભીડ જોવા મળી હતી, જ્યારે શબપેટીને લાલ ફૂલો અને હવામાં લટકતી સફેદ પતંગિયાની પ્રતિકૃતિઓ વચ્ચે રાખવામાં આવી હતી. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, શનિવારે યોજાનારા અંતિમ સંસ્કારમાં કરોડો લોકો સામેલ થાય તેવી અપેક્ષા છે. પૂર્વ સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર 4 જુલાઈએ તેહરાનમાં શરૂ થશે અને 9 જુલાઈએ તેમના વતન, ઉત્તર-પૂર્વી પવિત્ર શહેર મશહદમાં તેમને દફનાવવાની સાથે સંપન્ન થશે.

ભારત-પાકિસ્તાનમાંથી કોણ પહોંચ્યું?

અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં મહત્વના મધ્યસ્થી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ઈરાન પહોંચવાના છે, જ્યારે ફીલ્ડ માર્શલ અસીમ મુનીર તેહરાન પહોંચી ચૂક્યા છે. ભારત તરફથી બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા પણ ઈરાન પહોંચી ગયા છે. ભારતમાં ઈરાનના દૂતાવાસે X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી કે 'ભારતના મહાનુભાવોએ ઈરાનના શહીદ નેતા, મહામહિમ આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી.' દૂતાવાસ દ્વારા X પર શેર કરવામાં આવેલી તસવીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને કોંગ્રેસ પાર્ટીના વિદેશી બાબતોના વિભાગના વડા સલમાન ખુર્શીદની સાથે અન્ય પ્રતિનિધિઓ પણ જોવા મળ્યા હતા. ચીન, અફઘાનિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોએ આયતુલ્લાહ અલીની અંતિમયાત્રામાં સામેલ થવા માટે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા છે.

ઈરાનના ઇતિહાસના સૌથી મોટા અંતિમ સંસ્કાર

ઘણા શિયા મુસ્લિમો માટે આધ્યાત્મિક ગુરુ રહેલા ખામેનેઈનું અવસાન ઈરાનની રાજધાનીની મધ્યમાં આવેલા તેમના પરિસર પર અમેરિકા-ઇઝરાયલ તરફથી કરવામાં આવેલા હુમલામાં 86 વર્ષની વયે થયું હતું. તેમને ત્રણ દિવસ માટે વિશાળ 'ગ્રાન્ડ મોસાલ્લા' માં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ જગ્યાને ખામેનેઈની તસવીરો અને તેમના વિચારોવાળા બેનરોથી શણગારવામાં આવી છે. આ સમારોહમાં તેમની સાથે માર્યા ગયેલા સંબંધીઓના મૃતદેહો પણ રાખવામાં આવશે, જેનાથી આ દેશના ઇતિહાસમાં સૌથી મોટો રાજકીય અંતિમ સંસ્કાર બની ગયો છે.

જનમત સંગ્રહ જાહેર કરવાનો પ્રયાસ

ખામેનેઈના અવસાનના 4 મહિના કરતા વધુ સમય પછી થઈ રહેલા આ અંતિમ સંસ્કારની જટિલતા અને મોટા પાયા કરતાં પણ વધુ ધ્યાન ખેંચનારી બાબત આ સમયે તેનું પ્રતીકાત્મક મહત્વ છે. ઈરાનના સત્તાધારી ધર્મગુરુઓ આને ઇસ્લામિક રિપબ્લિક પ્રત્યે જનતાની નિષ્ઠાના પ્રદર્શન અને એ વાતના પુરાવા તરીકે જોઈ રહ્યા છે, કે ક્રાંતિનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે. સરકારી મીડિયા સાથે વાત કરતા કોમમાં શુક્રવારની નમાજના નેતા આયતુલ્લાહ મોહમ્મદ સૈદીએ કહ્યું, 'શહીદ નેતા અને અન્ય શહીદોની અંતિમયાત્રાના સરઘસમાં લોકોની ભારે ભીડ વાસ્તવમાં ઇસ્લામિક રિપબ્લિક માટે વધુ એક જનમત સંગ્રહ (રેફરેન્ડમ) હશે.'

જો તેઓ આને જનમત સંગ્રહ તરીકે જુએ છે, તો અધિકારીઓ પરિણામને નસીબ પર છોડવા માંગતા નથી. ઈરાનની સત્તાધારી સરકાર 1.5 થી 2 કરોડ સમર્થકોને ઈરાનના શહેરોમાં એકત્રિત કરવાની આશા રાખી રહી છે. આ માટે તેઓ ટ્રાન્સપોર્ટ, રહેવાની જગ્યા અને ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના ધાર્મિક શાસનની તાકાત બતાવી શકે, જે એક એવી લડાઈમાંથી બચી નીકળ્યું છે, જેને તેઓ પોતાના અસ્તિત્વ માટે ખતરો માનતા હતા.

ખામેનેઈનું અવસાન અને તેમના પુત્ર મોજતબાનું ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા તરીકે ઉત્તરાધિકારી બનવું,ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા જેવા સૌથી મોટા દુશ્મનો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે,ઇસ્લામિક રિપબ્લિકના 47 વર્ષના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક છે. જે હુમલામાં તેમના પિતાનું મોત થયું હતું, તેમાં મોજતબા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને યુદ્ધ શરૂ થયા પછી તેઓ કોઈ નવી તસવીરમાં જોવા મળ્યા નથી. એવા અહેવાલ છે કે, પોતાના જીવ પર રહેલા સતત જોખમોને કારણે તેઓ પિતાની અંતિમયાત્રામાં સામેલ થશે નહીં.

નબળો પડતો ભરોસો


એકતા અને નિષ્ઠાના પ્રદર્શનની પાછળ, નિષ્ણાતોએ નોંધ્યું છે કે, ઇસ્લામિક રિપબ્લિક માટે જનતાનું સમર્થન ઘણું ઓછું થઈ ગયું છે. સમગ્ર દેશમાં, ઘણા ઈરાનીઓ દાયકાઓથી લાદવામાં આવેલા તે પ્રતિબંધોથી કંટાળી ગયા છે, જેમણે તેમના અર્થતંત્રનું ગળું દબાવી દીધું છે. સાથે જ, તેઓ 1979ની ક્રાંતિના નામે થઈ રહેલા દમનથી પણ નારાજ છે.

આયાતુલ્લાનું કદ


આયતુલ્લાહ ખામેનેઈ માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતા જ નહોતા, પરંતુ તેઓ શિયા મુસ્લિમ ધર્મગુરુ પણ હતા, જેમનું ઇરાક, પાકિસ્તાન, લેબનાન અને અન્ય એશિયાઈ દેશોમાં ખૂબ સન્માન હતું. ત્યાં શિયા રેલીઓમાં અવારનવાર તેમની તસવીરો જોવા મળતી હતી. શિયા ધર્મગુરુઓના ક્રમમાં ખામેનેઈને 'મરજા' માનવામાં આવતા હતા. એનો અર્થ એ હતો કે, વિશ્વભરના ઘણા શિયાઓ તેમના ધાર્મિક નિર્ણયો અને માર્ગદર્શનને માનતા હતા. જો કે, ઘણા શિયા વિદ્વાનો ઇરાકના ગ્રાન્ડ આયતુલ્લાહ અલી સિસ્તાનીને આ પંથના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક નેતા માને છે, પરંતુ ખામેનેઈની રાજકીય અસર અજોડ હતી. આનું કારણ તેમનું ધાર્મિક શાસન અને આરબ વિશ્વમાં શિયા સંગઠનો સાથે બનેલું ગઠબંધન હતું. તેઓ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ' ના પણ વડા હતા; આ એક એવી વૈચારિક સૈન્ય શક્તિ હતી, જેણે લેબનાનમાં હિઝબુલ્લાહ જેવી શિયા શક્તિઓનું સમર્થન કર્યું હતું.

અંતિમ સંસ્કારમાં વિલંબ કેમ થયો?

ખામેનેઈના અંતિમ સંસ્કાર તેમના અવસાનના 4 મહિના કરતાં વધુ સમય પછી કરવામાં આવી રહ્યા છે, જે ઇસ્લામી પરંપરા મુજબ ખૂબ જ અસામાન્ય વિલંબ છે. આ વિલંબનું કારણ એ હતું કે, અમેરિકા અને ઇઝરાયલ તરફથી સતત હુમલા અથવા તેનો ખતરો બનેલો હતો. આયતુલ્લાહના પાર્થિવ દેહને ધાર્મિક નિયમો અનુસાર રાખવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઇસ્લામમાં કેમિકલથી શરીરને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા (એમ્બામિંગ) ને યોગ્ય માનવામાં આવતી નથી. આતંકવાદ વિરોધી બાબતોના નિષ્ણાત ડૉ. મોહમ્મદ ઉમરે જણાવ્યું કે, 'આયતુલ્લાહના પાર્થિવ દેહને લગભગ ચોક્કસપણે રેફ્રિજરેટેડ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો, નહીં કે એમ્બામિંગ કરીને, કારણ કે ઇસ્લામમાં કેમિકલથી શરીરને સુરક્ષિત રાખવાની મનાઈ છે. શિયા કાયદો અમુક ખાસ કિસ્સાઓમાં મૃતદેહને દફનાવવામાં વિલંબ કરવાની અને તેને ઠંડકમાં સુરક્ષિત રાખવાની મંજૂરી આપે છે, અને સર્વોચ્ચ નેતા માટે ધાર્મિક સત્તાધારીઓ પાસેથી આવી છૂટ મળવી સરળ છે. ઈરાનના ફોરેન્સિક શવગૃહોમાં મૃતદેહોને પહેલાથી જ મહિનાઓ સુધી રાખવામાં આવે છે, તેથી 4 મહિના સુધી ઠંડકમાં પાર્થિવ દેહ રાખવો કોઈ અનોખી વાત નથી. ધાર્મિક અને કાનૂની નિયમો' આ પ્રકારના કિસ્સાઓને આવરી લે છે.'

રુહોલ્લાહની અંતિમયાત્રા કેમ યાદ આવી?


હવે, ઈરાન સરકાર આ અંત્યેષ્ટિને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક શોકના પ્રતિક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. સત્તાવાર આયોજન સમિતિ દ્વારા શેર કરાયેલા પ્રતિક તરીકે આયતુલ્લાહ ખામેનેઈની બંધ મુઠ્ઠી સાથે 'આપણે ઉઠવું પડશે' એવો નારો અંકિત છે. પરંતુ તેહરાનમાં તણાવ અને સન્નાટો છવાયેલો છે, જે ક્રાંતિના જનક, સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમેનીના ભાવુક અંતિમ સંસ્કારથી બિલકુલ વિપરીત છે. ત્યારે, લાખો રડતા-કકળતા લોકો ખુમેનીની અંતિમયાત્રાના સરઘસમાં ઉમટી પડ્યા હતા, અને કેટલાક લોકો એમ્બ્યુલન્સ પર ચઢી ગયા હતા. આ દરમિયાન મૃત નેતાનો નગ્ન પગ કફનમાંથી બહાર આવી ગયો હતો, જ્યારે રિવોલ્યુશનરી ગાર્ડ્સ ભીડને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા.