મોટી હોનારત ટળી, ટ્રમ્પનો જીવ તાંતણે બંધાયો! પેસેન્જર પ્લેનની તદ્દન નજીક પહોંચ્યું 'મરીન વન' હેલિકોપ્ટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Helicopter Safety Scare: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જઈ રહેલું મરીન વન(Marine One) હેલિકોપ્ટર મંગળવારે વોશિંગ્ટનમાં એક પેસેન્જર પ્લેનની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું. આ ઘટના રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ ઍરપૉર્ટ નજીક બની હતી. આ ઘટના બાદ એર ટ્રાફિક કંટ્રોલની વ્યવસ્થા સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
આ ઘટના બપોરે લગભગ 2:33 વાગ્યે બની હતી. ટ્રમ્પનું હેલિકોપ્ટર વ્હાઇટ હાઉસ નજીક એલિપ્સથી જોઇન્ટ બેઝ એન્ડ્ર્યુઝ માટે રવાના થયું હતું. તેના લગભગ એક મિનિટ પછી એનવોય એર(Envoy Air)નું એક પેસેન્જર પ્લેન રીગન નેશનલ ઍરપૉર્ટ પરથી ટેકઑફ કરીને રવાના થયું હતું.
ટ્રમ્પનું હેલિકોપ્ટર વિમાનની એકદમ નજીક પહોંચી ગયું
પેસેન્જર પ્લેન પસાર થયાના થોડા જ સમય બાદ ટ્રમ્પનું હેલિકોપ્ટર પણ ઍરપૉર્ટ તરફ આગળ વધ્યું હતું. આ બંને એરક્રાફ્ટ એકબીજાથી નક્કી કરેલી સુરક્ષિત મર્યાદા કરતાં ઓછા અંતર પર આવી ગયા હતા. અધિકારીઓએ આ ઘટનાને 'લોસ ઑફ સેપરેશન' એટલે કે વિમાનો વચ્ચેની નિર્ધારિત સુરક્ષિત અંતર ઘટી જવાની ઘટના ગણાવી છે.
બંને વિમાનો વચ્ચે કેટલું અંતર જરૂરી હતું?
FAAના નિયમો પ્રમાણે આ વિસ્તારમાં ઉડી રહેલા વિમાનો વચ્ચે ઓછામાં ઓછું 1.5 માઇલનું સીધું અંતર અને 500 ફૂટની ઊંચાઈનું અંતર હોવું જોઈએ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને એરક્રાફ્ટ સીધા એકબીજા તરફ નહોતા વધી રહ્યા, પરંતુ તેમની વચ્ચે નક્કી કરેલું નિર્ધારિત અંતર ચોક્કસ ઘટી ગયું હતું. જોકે, આ ઘટનામાં પ્રમુખ ટ્રમ્પ કે પેસેન્જર પ્લેનમાં સવાર મુસાફરો પર કોઈ તાત્કાલિક જોખમ ઊભું થયું નહોતું. બંને એરક્રાફ્ટ સુરક્ષિત રીતે પોત-પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ગયા હતા.
રેડિયો મેસેજ યોગ્ય રીતે ન પહોંચ્યો
રિપોર્ટ પ્રમાણે Marine Oneની પાયલટ ટીમે ટેકઑફ કરવાના લગભગ ત્રણ મિનિટ પહેલાં એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રેડિયો કમ્યુનિકેશનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે આ મેસેજ યોગ્ય રીતે સંભળાયો નહોતો. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલે પેસેન્જર પ્લેનને ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી હતી. આ જ કારણે બંને વિમાન વચ્ચે સુરક્ષા અંતર ઘટી જવાની સ્થિતિ સર્જાઈ હતી.
2025માં સૈન્ય હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે થઈ હતી ટક્કર
ઘટના બાદ FAAએ તપાસ શરૂ કરી દીધી છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એટલે કે NTSB પણ આ સમગ્ર મામલાની સમીક્ષા કરી રહ્યું છે. આ ઘટના એટલા માટે પણ અત્યંત મહત્વની બની રહે છે કારણ કે જાન્યુઆરી 2025માં આ જ રીગન નેશનલ ઍરપૉર્ટ નજીક એક સૈન્ય હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે ટક્કર થઈ હતી. એ દુર્ઘટનામાં 67 લોકોના મૃત્યુ થયા હતા. એવામાં પ્રમુખ ટ્રમ્પના હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે સર્જાયેલી આ ઘટનાથી પાટનગરના વ્યસ્ત એરસ્પેસમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે.




