World

VIDEO : ટેક ઓફ કરવા જતાં જ વિમાનનું ટાયર ફાટ્યું, પ્લેનમાં સર્જાઈ ભૂકંપ જેવી સ્થિતિ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
ઈરાનમાં સેપહરાન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન મશહદથી કરમાનશાહ જતી વખતે મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચ્યું. ટેકઓફ સમયે ટાયર ફાટતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. લેન્ડિંગ દરમિયાન કેબિનની છતનો ભાગ મુસાફરો પર પડ્યો, જેને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. સદનસીબે, યાત્રાળુઓને કોઈ ઈજા થઈ નથી અને 100% સુરક્ષિત રીતે બહાર કઢાયા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ટેક ઓફ કરવા જતાં જ વિમાનનું ટાયર ફાટ્યું, પ્લેનમાં સર્જાઈ ભૂકંપ જેવી સ્થિતિ

Iran Plane Accident Video: ઈરાનમાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. પરંતુ જે મંજર સામે આવ્યો તેણે તેના વીડિયો જોનારા દરેક વ્યક્તિના રૂવાડાં ઊભા કરી દીધા છે. વાસ્તવમાં ઈરાનમાં ટેક ઓફ કર્યાની થોડી જ વારમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનના લેન્ડિંગ ગિયરનું એક ટાયર ફાટીને બહાર નીકળી ગયું હતું. વિમાન જ્યારે પરત એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે કેબિનની છતનો એક ભાગ નીચે આવી પડ્યો હતો. સામે આવેલા વીડિયોમાં છતનો હિસ્સો મુસાફરો પર પડતો જોવા મળી રહ્યો છે. જોકે, રાહતની વાત એ રહી કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવાયા છે.

ટેક ઓફ કરવા જતાં જ વિમાનનું ટાયર ફાટ્યું

આ ઘટના મંગળવારે બની હતી. સેપહરાન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન ઈરાનના મશહદથી કરમાનશાહ જઇ રહ્યું હતું. ટેક ઓફ કરવા જતાં જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ પાઈલટોએ ઈમરજન્સી જાહેર કરી હતી અને વિમાનને પરત મશહદ લઈ આવ્યા હતા.

એક વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાનના લેન્ડિંગ વખતે કેબિનની છતનો અંદરનો ભાગ મુસાફરો પર પડી રહ્યો છે. આ સાથે જ મુસાફરો પર તેમનો સામાન પણ નીચે પડી રહ્યો હતો. છત પડ્યા બાદ વિમાનની અંદરનો કેટલોક ભાગ ખુલ્લો પણ દેખાઈ રહ્યો હતો. આખું પ્લેન ધ્રૂજી રહ્યું હતું અને તેની સાથે મુસાફરો ચીસો પાડી રહ્યા હતા. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા નથી થઈ. વિમાનના લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આમ વિમાનમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

શું થયું હતું?

બ્રાઝિલના એક ન્યૂઝ આઉટલેટે જણાવ્યું કે, પ્રારંભિક માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટેકઓફ દરમિયાન વિમાનનું એક ટાયર ફાટી ગયું હોઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે સમયે વિમાનમાં ટેકનિકલ ખામી આખરે કયા કારણે સર્જાઈ હતી તે સ્પષ્ટ નથી થઈ શક્યું. સેપેહરાન એરલાઈન્સના પ્રવક્તા હસન જાફરીએ ઈરાનની એક સરકારી ન્યૂઝ એજન્સીના હવાલાથી જણાવ્યું કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ મુસાફરોને કરમાનશાહ જતી બીજી ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા.