US VP JD Vance Lebanon Plan : અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન અને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)ની પ્રવર્તમાન સ્થિતિ પર કેટલાક અત્યંત મહત્વના નિવેદનો આપ્યા છે. તેમણે મિસાઈલ ડિફેન્સ, પરમાણુ કાર્યક્રમ, લેબનાન કરાર અને આર્થિક પ્રતિબંધો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જોકે, જેડી વેન્સના આ નવા 'લેબનાન પ્લાન' ના કારણે ઇઝરાયલની ચિંતા વધતી જોવા મળી રહી છે. તેમણે ઇઝરાયલને શાંતિ પ્રક્રિયાનું સન્માન કરવા અને લેબનાન કરારનું બંને પક્ષો દ્વારા પાલન કરવાની સ્પષ્ટ વાત કહી છે.
ઈરાન સાથેની ડીલ પર અમેરિકાનું વલણ
ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે, 'અમેરિકાને આશા છે કે, જ્યારે આખરી કરાર (ફાઈનલ ડીલ) થશે ત્યારે ઈરાન પાસે એવી મિસાઈલો નહીં હોય જે સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે.' આ ઉપરાંત, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, 'જો ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરવો હશે, તો તેના માટે તેને ખૂબ જ મોટી રકમની જરૂર પડશે.' ઈરાન સાથેની છેલ્લી વાતચીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે, '60 દિવસ પછી કયા નિયમો અને શરતો લાગુ થશે, તે આગામી અંતિમ મંત્રણામાં નક્કી કરવામાં આવશે. અમેરિકા ખૂબ જ ટૂંક સમયમાં પોતાની સંસદ (કોંગ્રેસ) ને આ સમગ્ર કરારની વિગતો સોંપશે.'
લેબનાન સરહદે શાંતિ અને ઇઝરાયલને કડક સંદેશ
જેડી વેન્સે ઇઝરાયલ અને લેબનાન સરહદ વિવાદ પર પણ ખુલીને વાત કરી હતી.
વાતચીતથી ઉકેલ: મિડલ ઈસ્ટના આ વિસ્તારમાં જો કોઈપણ પ્રકારનો તણાવ કે વિવાદ વધે છે, તો તેનો ઉકેલ લડાઈના બદલે માત્ર શાંતિપૂર્ણ વાતચીત દ્વારા જ લાવવો પડશે.
લેબનાન સરકારની જવાબદારી: દક્ષિણ લેબનાનની સુરક્ષા અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી ભવિષ્યમાં લેબનાન સરકારના હાથમાં હોવી જોઈએ, અમેરિકા પણ આ જ ઈચ્છે છે.
નાગરિકો પર હુમલા અસ્વીકાર્ય: ઇઝરાયલ અંગે વાત કરતા વેન્સે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઇઝરાયલે શાંતિ પ્રક્રિયાનું સન્માન કરવું પડશે. બેરૂતમાં સામાન્ય નાગરિકો પર કરવામાં આવતા હુમલા કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
પ્રતિબંધોમાં રાહત અંગે સ્પષ્ટતા
જ્યારે ઈરાન પર લદાયેલા આર્થિક પ્રતિબંધોનો મુદ્દો આવ્યો ત્યારે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, 'આ કરાર અંતર્ગત પ્રતિબંધોમાં જે રાહત આપવામાં આવી રહી છે, તેને અમેરિકા કોઈ બહુ મોટી છૂટછાટ માનતું નથી. આ રાહત પછી પણ અમેરિકા એ બાબત પર નજર રાખી શકશે કે ઈરાન ક્યાંથી નાણાં મેળવે છે, અને ક્યાં મોકલે છે.' તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકી કોંગ્રેસની મંજૂરી વિના પણ અમુક સમય માટે આ પ્રતિબંધોમાં રાહત આપી શકાય તેમ છે.
અમેરિકના ઉપપ્રમુખના આ નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે, હાલના તબક્કે અમેરિકા ઈરાનના મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ પર લગામ કસવાની સાથે સમગ્ર મિડલ ઈસ્ટમાં શાંતિ જાળવી રાખવા માટે કડક વલણ અપનાવી રહ્યું છે.


