Get The App

લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ, પોતાના જ સાંસદ નારાજ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
US Senators Slam JD Vance's 'Pakistan Love'
(IMAGE - IANS)

US Senators Slam JD Vance's 'Pakistan Love': સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, જેના કારણે મોટો વિવાદ ઊભો થયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતાની ભૂમિકા વચ્ચે વેન્સે મજાકમાં કહ્યું કે, 'મારી જિંદગીમાં બે જ વ્યક્તિઓ સૌથી મહત્ત્વની છે—એક મારી ઇન્ડિયન પત્ની અને બીજા પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર.'

જેડી વેન્સના આ 'પાકિસ્તાન પ્રેમ'વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ થયા છે અને તેમણે વેન્સને જોરદાર ખરી-ખોટી સંભળાવીને પાકિસ્તાનના આતંકવાદી ઇતિહાસની યાદ અપાવી છે.

પાકિસ્તાન અને કતારના આતંકવાદી કનેક્શન પર ઉઠ્યા સવાલો

અમેરિકન સાંસદ રિક સ્કોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા જેડી વેન્સના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'હવે આપણે સમજી લેવું જોઈએ કે આપણા સાચા મિત્રો કોણ છે. પાકિસ્તાન અને કતારનો ઇતિહાસ આતંકવાદીઓને આશરો આપવાનો રહ્યો છે અને હાલમાં તેઓ શાંતિ સ્થાપવાને બદલે ઈરાનના વર્ષો જૂના આતંકી અભિયાનોને મદદ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે.'

પાકિસ્તાન પર ઓસામા બિન લાદેનને છુપાવવાનો આરોપ

બીજી તરફ, મોન્ટાનાના સાંસદ ટિમ શીહીએ એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે, 'પાકિસ્તાને અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને 10 વર્ષ સુધી છુપાવી રાખ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાને પોતાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની સત્તાને ફંડિંગ પૂરું પાડ્યું અને અમેરિકા વિરૂદ્ધ બળવાખોરોને મદદ કરી. આથી, પાકિસ્તાન અહીં માત્ર એક પક્ષપાત વગરનું મધ્યસ્થી છે તેવું માનવું બિલકુલ ખોટું છે. તેમજ કતાર પણ દાયકાઓથી આતંકવાદી સંગઠનો માટે મની લોન્ડરિંગ કરી રહ્યું છે.'

આ પણ વાંચો: જો ડીલ નિષ્ફળ જશે તો...: શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી ઈરાનને ટ્રમ્પની ધમકી

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને સાઉદી અરેબિયા જ સાચા સાથી

સાંસદ ટિમ શીહીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 'જો પાકિસ્તાન અને કતાર મધ્યસ્થતાની ચર્ચામાં સામેલ હોય, તો અમેરિકાએ આ વિસ્તારમાં તેના અસલી સાથીઓ એવા અબુ ધાબી (UAE), ઈઝરાયલ અને સાઉદી અરેબિયાને પણ આ મંત્રણામાં સાથે રાખવા જોઈએ. ગમે તે પરિસ્થિતિ આવે, આપણે કોઈપણ શંકા વિના ઈઝરાયલ અને UAE સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે, કારણ કે આ દેશો જ મધ્ય પૂર્વમાં અમેરિકાના સાચા અને ભરોસાપાત્ર ભાગીદાર છે.'