Get The App

જો ડીલ નિષ્ફળ જશે તો...: શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી ઈરાનને ટ્રમ્પની ધમકી

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
Donald Trump Iran threat
(IMAGE - IANS)

Donald Trump Iran threat: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રમુખ મસુદ પેઝેશ્કિયાન વચ્ચે થોડા દિવસો પહેલા જ એક વચગાળાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારના ગણતરીના દિવસોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર મોટી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'જો ઈરાન અમેરિકા સાથે થયેલા કરારનું પાલન નહીં કરે અથવા તેનું વર્તન યોગ્ય નહીં હોય, તો વોશિંગ્ટન તેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરશે અને હું દેશહિતમાં જે જરૂરી હશે તે પગલાં લઈશ.'

નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદ થઈ: ટ્રમ્પ

જ્યારે મીડિયા દ્વારા ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ કરાર બાદ ઈરાન અમેરિકા પર કોઈ દબાણ બનાવી શકશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઈરાન હવે દબાણ લાવવાની સ્થિતિમાં જ નથી. ટ્રમ્પના દાવા અનુસાર, છેલ્લા 4 મહિનામાં થયેલા સંઘર્ષમાં ઈરાનને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને તે ખૂબ જ નબળું પડી ગયું છે. 4 મહિના પહેલા જે ઈરાન પાસે 159 જહાજોની મજબૂત નૌસેના હતી, તે હવે આખી ખતમ થઈ ગઈ છે. આ સિવાય ઈરાનના 250 વિમાનો, એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને રડાર પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. હાલમાં ઈરાનની અર્થવ્યવસ્થા અને આખો દેશ ખૂબ જ બદહાલ સ્થિતિમાં છે.

87 ટકા મિસાઇલ અને ડ્રોન ક્ષમતા નષ્ટ થઈ હોવાનો દાવો

અમેરિકન પ્રમુખે વધુમાં દાવો કર્યો છે કે ઈરાનનો મોટાભાગનો મિસાઇલ ભંડાર, લોન્ચ ફેસિલિટીઝ અને ડ્રોન બનાવવાની ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઈરાનની ડ્રોન અને મિસાઇલ ઉત્પાદનની લગભગ 87 ટકા ક્ષમતા હવે નષ્ટ થઈ ચૂકી છે. આટલું જ નહીં, ઈરાનની ટોપ લીડરશિપને પણ આ સંઘર્ષમાં મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, ઈરાનના પહેલા, બીજા અને ત્રીજા સ્તરના ટોચના નેતાઓ પણ હવે રહ્યા નથી અથવા તો ગંભીર રીતે નુકસાન પામ્યા છે.

આ પણ વાંચો: કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિમી દૂર સુધી બારી-બારણાં ધ્રૂજ્યા

ફેક ન્યૂઝ ફેલાવવા બદલ મીડિયાની આકરી આલોચના

આ વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સંગઠનો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મીડિયા ઈરાન સંઘર્ષની વાસ્તવિકતા અને ઈરાનના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા મોટા નુકસાનને ઓછું કરીને બતાવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'મારી ભવ્ય જીતનું કારણ એ છે કે મને 92 ટકા નકારાત્મક સમાચારો મળ્યા, જે તદ્દન ફેક હતા. હવે પ્રેસ પર કોઈ ભરોસો કરતું નથી.' જે અહેવાલો એવું દર્શાવે છે કે ઈરાન હજુ પણ થોડા મહિના પહેલા જેવી જ મજબૂત સ્થિતિમાં છે, તે અહેવાલો ઈરાનની સૈન્ય શક્તિને થયેલા વાસ્તવિક નુકસાનને નજરઅંદાજ કરી રહ્યા છે.