World

ઈરાન શાંત થયું ત્યાં અમેરિકા-સાઉદી વચ્ચે વિવાદ, ટ્રમ્પની આ શરતે બગાડ્યો આખો ખેલ

By GS Team
27 May 20264 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે પડદા પાછળ એક નવું યુદ્ધ શરૂ થતું દેખાઈ રહ્યું છે. આ વખતે મામલો સીધો વોશિંગ્ટન અને તેના સૌથી જૂના આરબ સાથી દેશ સાઉદી અરેબિયા વચ્ચેનો છે. આ વિવાદ પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી રણનીતિ જવાબદાર છે, જેમાં તેમણે ઈરાન સાથેના સંભવિત શાંતિ કરારને 'અબ્રાહમ એકોર્ડ્સ' (Abraham Accords) સાથે જોડી દીધો છે. 25 મેના રોજ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક મોટો સંદેશ આપતા કહ્યું કે, ઈરાન સાથેના કોઈપણ શાંતિ કરારનો હિસ્સો બનવા માટે મુસ્લિમ દેશોએ એકસાથે અબ્રાહમ એકોર્ડ્સ પર હસ્તાક્ષર કરવા પડશે. ટ્રમ્પે ખાસ કરીને સાઉદી અરબ, કતાર અને પાકિસ્તાનનું નામ લઈને ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા પર ભાર મૂક્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન શાંત થયું ત્યાં અમેરિકા-સાઉદી વચ્ચે વિવાદ, ટ્રમ્પની આ શરતે બગાડ્યો આખો ખેલ

US Saudi Arabia Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે પડદા પાછળ એક નવું યુદ્ધ શરૂ થતું દેખાઈ રહ્યું છે. આ વખતે મામલો સીધો વોશિંગ્ટન અને તેના સૌથી જૂના આરબ સાથી દેશ સાઉદી અરેબિયા વચ્ચેનો છે. આ વિવાદ પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી રણનીતિ જવાબદાર છે, જેમાં તેમણે ઈરાન સાથેના સંભવિત શાંતિ કરારને 'અબ્રાહમ એકોર્ડ્સ' (Abraham Accords) સાથે જોડી દીધો છે. 25 મેના રોજ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક મોટો સંદેશ આપતા કહ્યું કે, ઈરાન સાથેના કોઈપણ શાંતિ કરારનો હિસ્સો બનવા માટે મુસ્લિમ દેશોએ એકસાથે અબ્રાહમ એકોર્ડ્સ પર હસ્તાક્ષર કરવા પડશે. ટ્રમ્પે ખાસ કરીને સાઉદી અરબ, કતાર અને પાકિસ્તાનનું નામ લઈને ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા પર ભાર મૂક્યો હતો.

સાઉદી અરબનો સણસણતો જવાબ

ટ્રમ્પની આ અપીલ ખાડી દેશો અને ખાસ કરીને સાઉદી અરેબિયાને બિલકુલ પસંદ આવી નથી. આ નિવેદનના થોડા જ કલાકોમાં રિયાધ (સાઉદી સરકાર) તરફથી સંકેત આપવામાં આવ્યો કે સાઉદીનું જૂનું વલણ બદલાયું નથી. સાઉદી અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 'જ્યાં સુધી ફિલિસ્તીન રાષ્ટ્રના ગઠન માટે કોઈ 'સ્પષ્ટ રસ્તો' નક્કી નહીં થાય, ત્યાં સુધી ઈઝરાયેલ સાથે સામાન્ય સંબંધો શક્ય નથી.'

ગાઝા યુદ્ધ પછી બદલાયું પશ્ચિમ એશિયાનું રાજકારણ

આ પ્રતિક્રિયા દર્શાવે છે કે ગાઝા યુદ્ધ પછી પશ્ચિમ એશિયાનું રાજકારણ પહેલા જેવું રહ્યું નથી. 

જૂનો ઈતિહાસ : વર્ષ 2020માં જ્યારે અબ્રાહમ એકોર્ડ્સ થયા હતા, ત્યારે ઘણા આરબ દેશોએ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કર્યા હતા. તે પછીના સમયમાં સાઉદી અરેબિયાએ પણ ઈઝરાયેલ સાથે સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા.

વર્તમાન સ્થિતિ : આ દરમિયાન ગાઝામાંથી હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો અને એક મોટું યુદ્ધ શરૂ થઈ ગયું. આ જ કારણે સાઉદી-ઈઝરાયેલ વચ્ચે સંબંધો બંધાતા અટકી ગયા. વર્તમાન પરિસ્થિતિ જોતા સાઉદી અરેબિયા હવે કોઈપણ ઉતાવળિયો નિર્ણય લેવાના મૂડમાં નથી.

આ પણ વાંચો : ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી અમેરિકા સૈન્ય પાછું ખેંચે, તો ઈરાન હોર્મુઝનો જળમાર્ગ ખોલવા તૈયાર

'હોર્મુઝ સ્ટ્રેટ' અને સાઉદીની નારાજગી

આ વિવાદ માત્ર કૂટનીતિ પૂરતો મર્યાદિત નથી, તેની પાછળ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને લઈને વધતો તણાવ પણ એક મોટું કારણ છે. મે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટી તંત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે "પ્રોજેક્ટ ફ્રીડમ" નામનું લશ્કરી મિશન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે ત્યાં ઈરાને પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

અમેરિકાની મોટી ભૂલ અને સાઉદીનો ઝટકો

અમેરિકી વહીવટીતંત્રની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે ખાડી દેશોની સંપૂર્ણ સંમતિ લીધા વિના જ આ ઓપરેશનની જાહેરાત કરી દીધી હતી. આનાથી સાઉદી નેતૃત્વ નારાજ થયું. રિપોર્ટ્સ અનુસાર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી સેનાને પોતાના એરસ્પેસ અને લશ્કરી મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. સાથેજ પ્રિન્સ સુલતાન એરબેઝ પરથી અમેરિકી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પરિણામે અમેરિકી ઓપરેશનને મોટો ઝટકો લાગ્યો અને "પ્રોજેક્ટ ફ્રીડમ" શરૂ થયાના માત્ર 36 કલાકની અંદર જ ઠપ થઈ ગયું.

આ પણ વાંચો : Explainer: ઈસ્લામ ધર્મના પવિત્ર કાબાની અંદર શું છે? જાણો 63 કરોડના 'કિસ્વા' અને સોનાના દરવાજાનું ઐતિહાસિક મહત્ત્વ

હવે કેમ વિચારીને પગલાં ભરી રહ્યું છે સાઉદી અરેબિયા?

સાઉદી અરેબિયા હવે અમેરિકાની દરેક રણનીતિને આંખ બંધ કરીને સમર્થન આપવા માંગતું નથી, તેની પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે. 

ઈરાનનો સીધો ખતરો : તેહરાન (ઈરાન) પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યું છે કે, જો કોઈ ખાડી દેશે અમેરિકા કે ઈઝરાયેલને લશ્કરી કાર્યવાહી માટે પોતાનો એરસ્પેસ વાપરવા દીધો, તો તેણે પણ જવાબી હુમલાનો સામનો કરવો પડશે.

2019ના હુમલાનો પાઠ : વર્ષ 2019માં સાઉદી અરેબિયાના અબકૈક અને ખુરૈસ ઓઈલ પ્લાન્ટ્સ પર થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલા રિયાધ માટે આજે પણ મોટી ચેતવણી છે. તેથી તે સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માંગે છે.

ઇસ્લામિક દેશોની આગેવાની : સાઉદી અરેબિયા પોતાને ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદીનાના રક્ષક (custodian) માને છે. આવી સ્થિતિમાં ફિલિસ્તીનના મુદ્દાને નજર અંદાજ કરીને ઈઝરાયેલ સાથે હાથ મિલાવવા તેના માટે આસાન નથી. ગાઝા યુદ્ધ પછી આરબ દેશોની જનતામાં પણ ઈઝરાયેલ પ્રત્યે ભારે રોષ છે.

ઈરાન માટે રણનીતિક તક

બીજી તરફ, ઈરાન આ સમગ્ર ઘટનાક્રમને પોતાના માટે એક મોટી રણનીતિક તક તરીકે જોઈ રહ્યું છે. અમેરિકા જ્યાં ઈરાન વિરોધી એક મોટું ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં ઈરાન ખાડી દેશો અને વોશિંગ્ટન વચ્ચે વધતા અંતરનો ફાયદો ઉઠાવવામાં લાગી ગયું છે. વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની "અબ્રાહમ એકોર્ડ્સ ફર્સ્ટ" વાળી રણનીતિની ઊંધી અસર થઈ છે, જેના કારણે અમેરિકાના સાથી દેશો જ અસહજ થઈ ગયા છે અને હવે તેઓ પોતાના સુરક્ષા હિતોને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.