|
Inside the Holy Kaaba: હજ યાત્રા ઇસ્લામ ધર્મના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભોમાંની એક છે. દર વર્ષે વિશ્વભરમાંથી 20 લાખથી વધુ મુસ્લિમો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં એકઠા થાય છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે આ જીવનમાં એક વાર કરાતી પવિત્ર યાત્રા છે. હજની ધાર્મિક વિધિઓના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓ મસ્જિદ અલ-હરમના કેન્દ્રમાં આવેલા 'કાબા'ની આસપાસ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (Anti-clockwise) ચક્કર લગાવે છે, જેને 'તવાફ' કહેવામાં આવે છે. આ ભવ્ય દૃશ્ય વચ્ચે સૌનું ધ્યાન ખેંચે છે કાબા પર લપેટાયેલું સોના-ચાંદીના તારથી મઢેલું કાળું કાપડ, જે 'કિસ્વા' તરીકે ઓળખાય છે.
આ કિસ્વા પાછળનો ઇતિહાસ શું છે? પવિત્ર કાબાની અંદર શું છે? ચાલો આ સનાતન પવિત્ર સ્થાન વિશેની મહત્ત્વની બાબતો વિગતવાર સમજીએ.
કાબા શું છે?
અરબી ભાષામાં 'કાબા'નો અર્થ 'ઘન' (Cube) થાય છે. દુનિયાભરના મુસ્લિમો દિવસમાં 5 વખત નમાઝ પઢતી વખતે કાબા તરફ મુખ રાખે છે, જેને 'કિબલા' કહેવામાં આવે છે. કદની વાત કરીએ તો કાબા 13.1 મીટર (43 ફૂટ) ઊંચું, 12.8 મીટર (42 ફૂટ) લાંબું અને 11.03 મીટર (36 ફૂટ) પહોળું ઘન આકારનું બાંધકામ છે. તે ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે.
કાબાના નિર્માણનો હેતુ
ઇસ્લામિક માન્યતા અનુસાર કાબાનું નિર્માણ મૂળરૂપે પયગંબર ઇબ્રાહિમ અને તેમના પુત્ર પયગંબર ઇસ્માઇલ દ્વારા અલ્લાહના આદેશથી કરાયું હતું. ઇસ્લામ પૂર્વે, આ સ્થળ વિવિધ અરબી જાતિઓનું પૂજા સ્થળ હતું અને ત્યાં મૂર્તિઓ રખાઈ હતી, પરંતુ ઈ.સ. 630ની આસપાસ, જ્યારે પયગંબર મુહમ્મદ મક્કા પાછા ફર્યા ત્યારે તેમણે કાબાને મૂર્તિઓથી મુક્ત કરીને તેને અલ્લાહના પૂજા સ્થળ તરીકે પુનઃસ્થાપિત કર્યું. હજ માટે 20 લાખથી વધુ મુસ્લિમોને આકર્ષતા આ સ્થળે આખા વર્ષ દરમિયાન ઉમરાહ માટે 2 કરોડથી વધુ યાત્રાળુ આવે છે.
કાબાની અંદર શું છે?
કાબાની ઉત્તર પૂર્વીય દીવાલ પર જમીનથી લગભગ 2 મીટરની ઊંચાઈએ એક ભવ્ય દરવાજો છે. આ દરવાજો 3 મીટર ઊંચો અને 1.9 મીટર પહોળો છે, જેને બનાવવા માટે 280 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે! આ દરવાજો વર્ષમાં માત્ર 2 વાર જ અંદરની ઔપચારિક સફાઈ માટે ખોલાય છે.
કાબાની અંદર છતને ટેકો આપવા માટે લાકડાના 3 મજબૂત થાંભલા છે અને છત તરફ જતી એક સીડી છે. અંદરની ફર્શ અને દીવાલો સુંદર માર્બલથી બનેલી છે. છત પર સુંદર ફાનસ શોભે છે. અગાઉના સમયમાં દીવાલો પર લાલ, લીલા અને ઘેરા વાદળી રંગના ઝિગ-ઝેગ પેટર્નવાળા કાપડ પણ લગાવાતા હતા.
'કિસ્વા' શું છે?
કાબાને કાળા રંગના જે કપડાં વડે ઢાંકવામાં આવે છે, એને કિસ્વા કહે છે. કાપડના 47 પટ્ટા જોડીને બનાવાયેલા 14 મીટર (45 ફૂટ) ઊંચા આ પવિત્ર કવર ‘કિસ્વા’ના ઉપરના બે-તૃતિયાંશ ભાગમાં 95 સેમી (37 ઇંચ) પહોળો અને 47 મીટર (154 ફૂટ) લાંબો સુશોભન પટ્ટો હોય છે, જેને 'હિઝામ' કહે છે. કાબાના સોનાના દરવાજા પર લટકતા પડદાને 'સિતારા' કે 'બુર્કુ' કહેવામાં આવે છે, જે કિસ્વાનો સૌથી વધુ કલાત્મક અને શણગારેલો ભાગ છે.
કાબાને કિસ્વાથી ઢાંકવાનું કારણ શું?
કાબાને રક્ષણ આપવા, તેનું સન્માન જાળવવા અને તેને સુંદર બનાવવા માટે તેને કાળા કાપડથી ઢાંકવામાં આવે છે, જેને 'કિસ્વા' કહે છે. અરબીમાં કિસ્વાનો અર્થ જ ‘ઢાંકવું’ થાય છે. હજ વખતે લાખો લોકો કાબાને સ્પર્શ કરવા આતુર હોય છે ત્યારે કિસ્વાના નીચેના ભાગને સુરક્ષિત રાખવા માટે થોડો ઊંચો કરી દેવામાં આવે છે.
ઇતિહાસકારો માને છે કે કાબાને ઢાંકવાની પ્રથા ઇસ્લામ પહેલાના સમયથી છે. મોટા ભાગના વિદ્વાનોના મતે, ઈ.સ. 400માં યમનના રાજા તુબ્બા અસદ કામિલે સૌપ્રથમ વાર યમનથી બનેલા ખાસ કપડાં વડે કાબાને ઢાંક્યો હતો.
કિસ્વાનું નિર્માણ: કાપડ, વજન અને કિંમત
સમય સાથે કિસ્વા બનાવવાની સામગ્રી અને સ્થળ બદલાતા રહ્યા છે. પ્રારંભિક યુગમાં કિસ્વા શણ, કપાસ, ઊન અને પ્રાણીઓના ચામડામાંથી પણ બનાવાતું હતું. ખિલાફતના સમયગાળામાં કિસ્વા ઈજિપ્તની શાહી ફેક્ટરીઓમાં વણાતો અને હજની શરૂઆતમાં ભારે ધામધૂમથી મક્કા લવાતો. ત્યાર પછી તે સીરિયા, બગદાદ અને ઓટ્ટોમન સામ્રાજ્ય હેઠળ પણ બન્યો. આજે કિસ્વા મક્કામાં જ બને છે. તેની રસપ્રદ વિગતો નીચે મુજબ છે.
કુલ વજન અને સામગ્રી: કિસ્વાને બનાવવા આશરે 670 કિલોગ્રામ કુદરતી રેશમનો ઉપયોગ થાય છે.
સોના-ચાંદીનું ભરતકામ: કાળા રેશમ પર અલ્લાહની પ્રશંસા અને કુરાનની આયતો લખવા માટે 120 કિલોગ્રામ 24-કેરેટ સોનાના તાર અને 100થી 120 કિલોગ્રામ ચાંદીના તારનો ઉપયોગ થાય છે.
બનાવટની પ્રક્રિયા: ઈટાલીથી આયાત કરાયેલા રેશમને પહેલા ઓલિવ ઓઇલના સાબુથી 90 ડિગ્રી તાપમાને ધોઈને સાફ કરાય છે અને પછી તેને કાળો રંગ કરાય છે. મક્કાની ફેક્ટરીમાં 240થી વધુ કારીગરો આધુનિક ટ્ક્નોલૉજી અને પરંપરાગત હાથવણાટની મદદથી આ પવિત્ર કાપડ તૈયાર કરે છે.
કિંમત: કિસ્વાના ઉત્પાદન પાછળ દર વર્ષે અંદાજે 2.5 કરોડ સાઉદી રિયાલ(આશરે 66.5 લાખ યુએસ ડૉલર, 63 કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે!
શું કિસ્વાનો રંગ હંમેશથી કાળો જ હતો?
ના, ઇતિહાસમાં કિસ્વાના રંગો બદલાતા રહ્યા છે. સીરિયા અને યમનથી આવતા કિસ્વા લાલ, લીલા, પીળા કે સફેદ પટ્ટાવાળા હતા. જો કે, અબ્બાસીદ શાસનકાળમાં 'કાળો' રંગ કિસ્વાની કાયમી ઓળખ બની ગયો.
જૂના કિસ્વાનું શું થાય છે?
હજના કેન્દ્રબિંદુ એવો કાબા અને તેની ઉપર લપેટાયેલો કિસ્વા વિશ્વભરના કરોડો મુસ્લિમોની આસ્થા, સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતીક છે. દર વર્ષે હજ દરમિયાન જૂના કિસ્વાને હટાવીને નવો કિસ્વા લગાવાય છે. આ માટે ખાસ તાલીમ પામેલા કામદારોની ટીમ કામ કરે છે. જૂનો કિસ્વા ઉતાર્યા પછી તેને ફેક્ટરીમાં પાછો મોકલવામાં આવે છે. ત્યાં તેના સૌથી કિંમતી ભાગો (જેમ કે, સોના-ચાંદીના ભરતકામવાળી પેનલ્સ અને કુરાનની આયતો) ને કાળજીપૂર્વક કાપીને મ્યુઝિયમોને દાનમાં અપાય છે અથવા વિદેશી દૂતાવાસો અને ઇસ્લામિક સંગઠનોને ભેટ અપાય છે. બાકીના કાપડના નાના ટુકડા મુલાકાતીઓ કે સરકારી અધિકારીઓમાં વહેંચવામાં આવે છે. ઘણીવાર આ પવિત્ર ટુકડા આંતરરાષ્ટ્રીય બજારમાં કે ઓનલાઇન વેચાણ માટે પણ જોવા મળે છે, કારણ કે મુસ્લિમ સમુદાયમાં તેને અત્યંત પવિત્ર અને આશીર્વાદરૂપ માનવામાં આવે છે.


