World

ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ : તે બહાને સામ્યવાદી દેશ પર કબજો જમાવવાની તૈયારીમાં ટ્રમ્પ ?

By GS Team
18 May 20262 mins read
ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ : તે બહાને સામ્યવાદી દેશ પર કબજો જમાવવાની તૈયારીમાં ટ્રમ્પ ?

- અમેરિકા ફીડેલા કેસ્ટ્રોનાલાઈ રાઉલ કેસ્ટ્રો ઉપર કેસ કરવા માગે છે

- ક્યુબા 2023 થી રશિયા અને ઇરાન પાસેથી આક્રમક ડ્રોન ખરીદી રહ્યું છે : તે ગ્વાંતનામો બેઝ, અમેરિકી જહાજો અને સંભવત: ફલોરિડા ઉપર પણ હુમલા કરવા તૈયારી કરે છે

નવી દિલ્હી : અમેરિકા કોમ્યુનિસ્ટ દેશોની પાછળ હાથ ધોઈને પડી ગયું છે તેવામાં ક્યુબાએ ૩૦૦થી વધુ યુધ્ધ ડ્રોન પ્રાપ્ત કર્યા છે. તે અમેરિકાનાં ગ્વાંતનામો બેઝ, અમેરિકી યુધ્ધ જહાજો અને સંભવત: ફલોરિડા ઉપર પણ હુમલા કરી શકે તેમ છે.

એકસીઓએ રવિવારે સાંજે ગુપ્તચર માહિતીના આધારે આ માહિતી આપી હતી. આથી આશંકા ફેલાઈ રહી છે કે, અમેરિકા આ સામ્યવાદી દેશ ઉપર કદાચ હૂમલો પણ કરે.

અમેરિકી અધિકારીઓએ એકસીઓસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમેરિકી પ્રશાસન ડ્રોન યુધ્ધની ટેકનિકમાં પણ થઇ રહેલી પ્રગતિ અને ક્યુબાના પાટનગર કુડવાનામાં ઇરાની સૈન્ય સલાહકારોની હાજરી ચિંતા જનક છે.

ક્યુબાની સરકારે આ રીપોર્ટની કડક ટીકા કરી છે. તેના વિદેશ મંત્રી, બુ્રનો રોડ્રીઝે અમેરિકા ઉપર કોઇ આધાર વિના યુધ્ધ છેડવાની પેરવી તરીકે આ રિપોર્ટ દર્શાવ્યો છે. તેમણે એક્સ પર લખ્યું કોઇ પણ કારણ વિના અમેરિકી સરકાર રોજેરોજ એક ખોટો મામલો તૈયાર કરે છે, જેથી ક્યુબા વિરૂધ્ધ કઠોર આર્થિક પ્રતિબંધો મુકી શકાય અને ભવિષ્યમાં સેનાકીય હૂમલો પણ કરી શકાય અને તે હુમલા માટે આવું ઉપજાવી કાઢેલું કારણ પણ દર્શાવી શકાય. તેમણે વધુમાં લખ્યું છે, ક્યુબા કોઈ ધમકીથી ડરતું નથી. તે યુધ્ધ ઇચ્છતું નથી, શાંતિનું સમર્થન કરે છે અને સંયુકત રાષ્ટ્ર ચાર્ટરમાં દર્શાવેલ આત્મરક્ષાના સાચા અધિકારી નીચે બાહ્ય હુમલાનો સામનો કરવા તૈયારી કરી રહ્યું છે. ૧૯૬૦ના દશકથી ક્યુબા અને અમેરિકા વચ્ચે ટકરાવ ચાલે છે. ૧૯૬૨માં તે સમયનાં સોવિયેત સંઘે ક્યુબામાં ગોઠવેલા મિસાઇલ્સના પ્રશ્ને વ્યાપક તંગદિલી પ્રવર્તતી હતી અને અમેરિકાના તે સમયના પ્રમુખ જ્હોન કેનેડીએ ક્યુબાના ફીડેલ કેસ્ટ્રોને તથા સોવિયેત સંઘના નિકીતા ખુશ્ચેવેને આપેલા આખરીનામા પછી ખુશ્ચેલે મિસાઇલ્સ ઉઠાવી લીધા હતા. પરંતુ ત્યારથી બંને દેશો વચ્ચે તંગદિલી પ્રવર્તે છે. અત્યારે ક્યુબા ઉપર દિવંગત ફીડેલ રેસ્ટ્રોના નાના ભાઈ ૯૪ વર્ષીય રાઉલ કાસ્ટ્રો શાસન કરે છે. તેની ઉપર કાનૂની કેસ કરવાની અમેરિકા તૈયારીઓ કરે છે.