World

VIDEO: ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કરને અમેરિકન નેવીએ ઘેર્યું, ઓમાનની ખાડીમાં ટેન્શન વધ્યું

By GS Team
21 May 20263 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. તાજેતરમાં ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ ઈરાનના ધ્વજ સાથેના 'M/T સેલેશિયલ સી' નામના ઓઇલ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, આ ટેન્કર અમેરિકન નૌકાદળની નાકેબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાની બંદર તરફ આગળ વધી રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કરને અમેરિકન નેવીએ ઘેર્યું, ઓમાનની ખાડીમાં ટેન્શન વધ્યું
(IMAGE - ALL INDIA RADIO)

US Navy Boards Iranian Oil Tanker in Gulf of Oman: મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. તાજેતરમાં ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ ઈરાનના ધ્વજ સાથેના 'M/T સેલેશિયલ સી' નામના ઓઇલ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, આ ટેન્કર અમેરિકન નૌકાદળની નાકેબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાની બંદર તરફ આગળ વધી રહ્યું હતું. 

31મી મરીન એક્સપિડિશનરી યુનિટના કમાન્ડોએ લગભગ 120 મીટર લાંબા આ જહાજ પર ચઢીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તપાસ બાદ જહાજને છોડી દેવામાં આવ્યું હતું, પરંતુ તેના ક્રૂને રૂટ બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે તે હોર્મુઝની ખાડી અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ઈરાન સાથે જોડાયેલા જહાજો પર નજીકથી નજર રાખી રહ્યું છે. CENTCOMના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 91 કોમર્શિયલ જહાજોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિ

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈરાન પર નવા લશ્કરી હુમલાની યોજના હાલ પૂરતી રોકી દીધી છે. ટ્રમ્પના મતે, ખાડી દેશોની વિનંતી બાદ તેમણે લશ્કરી કાર્યવાહી ટાળી છે અને વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બીજી તરફ ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં જણાતું નથી. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી હુમલો કરશે, તો યુદ્ધ આખા મિડલ ઇસ્ટ અને તેની બહાર સુધી ફેલાઈ શકે છે.

હોર્મુઝની ખાડી પર ઈરાનની પકડ મજબૂત

આ દરમિયાન ઈરાન હોર્મુઝની ખાડી પર પોતાની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, તેહરાન હવે ત્યાંથી પસાર થતા જહાજો માટે એક 'મલ્ટિ-લેયર ક્લિયરન્સ સિસ્ટમ' લાગુ કરી રહ્યું છે, જેમાં કેટલાક જહાજો પાસેથી વિશેષ પરવાનગી મેળવવાની શરત રાખવામાં આવી છે અને કથિત રીતે મોટી ફી પણ વસૂલવામાં આવી રહી છે. ઈરાન હવે ઓમાન સાથે મળીને હોર્મુઝમાં એક 'સસ્ટેનેબલ સિક્યોરિટી મિકેનિઝમ' તૈયાર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકા અને ઇરાનના 'શાંતિ કરાર' હાથવેંતમાં હોવાના ટ્રમ્પનો સંકેત

બીજી તરફ, અમેરિકાએ દુનિયાના તમામ દેશો અને શિપિંગ કંપનીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ ઈરાનની આવી કોઈ પણ નિયંત્રણ વ્યવસ્થા કે શરતોને બિલકુલ સ્વીકારે નહીં. જોકે, વૈશ્વિક ઊર્જા સંકટનો સામનો કરી રહેલા ઘણા દેશો અને કંપનીઓ ભારે જોખમ ઉઠાવીને પણ આ દરિયાઈ માર્ગેથી પોતાનો રસ્તો શોધવામાં મથામણ કરી રહ્યા છે.

વૈશ્વિક ઊર્જા પૂરવઠા પર અસર

હોર્મુઝની ખાડી વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ પૂરવઠા લાઈનોમાંની એક છે. વિશ્વના લગભગ 20 ટકા ઓઇલ અને ગેસનો પૂરવઠો આ માર્ગ દ્વારા પસાર થાય છે. ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધ્યા બાદ અહીં જહાજોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. અમેરિકાનો દાવો છે કે લગભગ 90 દેશોના 1500થી વધુ જહાજો ફારસની ખાડીમાં ફસાયેલા છે. જેના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવો પર દબાણ વધી ગયું છે. હવે આખી દુનિયાની નજર આ વાત પર ટકેલી છે કે શું અમેરિકા અને ઈરાન વાતચીત ટેબલ પર પરત ફરશે કે પછી હોર્મુઝનો આ મુકાબલો મોટા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ જશે.