Get The App

વાટાઘાટો વચ્ચે હોર્મુઝ ખાડીમાં ઇરાનના જહાજ પર અમેરિકાનો મિસાઇલ હુમલો

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
વાટાઘાટો વચ્ચે હોર્મુઝ ખાડીમાં ઇરાનના જહાજ પર અમેરિકાનો મિસાઇલ હુમલો 1 - image

- અમે ઇરાન સામે ફરી યુદ્ધ કરવા સક્ષમ : અમેરિકાની ધમકી

- ઇરાન સાથે બહુ સરસ ડીલ થવા જઇ રહી હોવાના પણ ટ્રમ્પના દાવાથી અસમંજસની સ્થિતિ

વોશિંગ્ટન: હોર્મુઝ ખાડી પરના અવરોધો હાલ દૂર થાય તેવા કોઇ સંકેતો નથી મળી રહ્યા. હવે હોર્મુઝ ખાડીએથી ઇરાન તરફ જઇ રહેલા જહાજ પર અમેરિકાએ મિસાઇલ હુમલો કર્યો છે. સાથે જ એવી ધમકી આપી છે કે અમે ઇરાન સામે ફરીથી યુદ્ધ કરવા માટે સક્ષમ છીએ. અમેરિકાના આ હુમલાને પગલે હાલ ઇરાને હોર્મુઝ ખાડી પરથી જહાજોની અવર જવરને અટકાવી દીધી છે. જેથી હાલ હોર્મુઝ ખાડીએ વેપાર વ્યવહાર ઠપ રહેવાની શક્યતાઓ છે.

સેનાપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ હુમલા માટે તૈયાર યુદ્ધ જહાજો ઃ એઆઇ તસવીર શેર કરી અમેરિકી પ્રમુખના હુમલાના સંકેતો

અમેરિકન સૈન્યએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો હતો કે હોર્મુઝ ખાડીએ અમારી નાકાબંધી દરમિયાન ગામ્બિયા ધ્વજવાળા માલવાહક જહાજ પર હુમલો કર્યો હતો, આ જહાજ ઇરાની પોર્ટ તરફ જઇ રહ્યું હતું ત્યારે તેના એન્જિન પર મિસાઇલમારો કર્યો જેથી તે અટકી ગયું હતું. આ સ્થિતિ વચ્ચે સિંગાપોરમાં સંરક્ષણ મુદ્દે યોજાયેલા સંમેલનમાં સામેલ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું હતું કે અમેરિકા જરૂર પડે તો ફરીથી યુદ્ધ શરૂ કરવા માટે પુરી રીતે સક્ષમ છે. અમારી પાસે પુરતા હથિયારો અને દારુગોળા છે.

આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇરાન પર હુમલાના સંકેતો આપ્યા હતા સાથે જ શાંતિ માટે વાટાઘાટોની ચર્ચાનો દાવો પણ કર્યો હતો. ટ્રમ્પે એક તસવીર સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી જેમાં તેઓ કોઇ રણમેદાનમાં યુદ્ધના કમાન્ડર હોય અને તેમની પાછળ અનેક યુદ્ધ વિમાનો હુમલો કરવા માટે આકાશમાં ઉડી રહ્યા હોય તેવું એક દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે. આ તસવીરને ઇરાન માટે એક નવી ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહી છે. આ તસવીરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન અને અમેરિકા બન્ને ડીલ કરવાની નજીક પહોંચી ગયા છે, આ ડીલ બહુ જ સારી હશે, ઇરાનીયન ડીલ કરવામાં ઘણા સારા હોય છે, જો તમે ઉતાવળ કરી નાખો તો સારી ડીલ પણ ના કરી શકો. ધીમી ગતીએ આગળ વધીએ તો જરૂર જે જોઇએ તે પ્રાપ્ત કરી લઇએ.