World

ચીને આપેલી ગીફ્ટસ બેજ લેપલ-પીન્સ, બર્નર ફોન્સ વ. વિમાનમાં ચઢતાં પહેલાં યુ.એસ. પત્રકારોએ કચરાપેટીમાં નાખી દીધા

By GS Team
16 May 20262 mins read
ચીને આપેલી ગીફ્ટસ બેજ લેપલ-પીન્સ, બર્નર ફોન્સ વ. વિમાનમાં ચઢતાં પહેલાં યુ.એસ. પત્રકારોએ કચરાપેટીમાં નાખી દીધા

- બે મહાશક્તિઓ વચ્ચે હજી પણ અવિશ્વાસનું વાતાવરણ

- ન્યૂયોર્ક પોસ્ટનાં વ્હાઈટ હાઉસ સંવાદદાતા એમિલી ગુડીને લખ્યું : ચીનમાં બનેલી કોઈપણ ચીજ એર-ફોર્સ-વનમાં લઈ જવાઈ નહીં

બૈજિંગ : અમેરિકી પ્રતિનિધિ મંડળના સભ્યો તેમજ અમેરિકી પત્રકારોએ બૈજિંગનાં એરપોર્ટ ઉપર અમેરિકા પાછા ફરતાં એર-ફોર્સ-વનમાં બેસતાં પહેલાં ચીન તરફથી મળેલી તમામ ગીફટ્સ જેવી કે ઈલેક્ટ્રોનિક ડીવાઈઝ, બેજ, લેપલ પીન્સ અને બર્નર ફોન્સને વિમાનમાં ચઢવાની સીડી પાસેની કચરાપેટીમાં નાખી દીધા. આ ઘટના સોશ્યલ મીડીયા ઉપર પણ વાયરલ થઈ રહી છે. તેમાં મોટી કચરાપેટીમાં આ બધી ચીજો પડેલી દેખાડવામાં આવી છે.

ન્યૂયોર્ક પોસ્ટનાં વ્હાઈટ હાઉસ સંવાદદાતા એમિલી ગુડીને આ ઘટનાનો પ્રત્યક્ષદર્શી રીપોર્ટ 'એક્સ' ઉપર પ્રસારિત કરતાં લખ્યું કે અમેરિકી સ્ટાફે ચીની યજમાનો દ્વારા આપેલી તમામ ગીફ્ટસ બર્નર ફોન્સ, લેપલ પીન્સ (કોટના લેપલ પર લગાડાતી પીન્સ) બેજ વગેરે વિમાનમાં ચઢવાની સીડી પાસે રખાયેલી મોટી કચરાપેટીમાં નાંખી દીધાં હતાં. એમિલી ગૂડીને એક્સ ઉપર આગળ લખ્યું કે ચીનમાં બનેલી કોઈપણ ચીજ વિમાનમાં લઈ જવી ન જોઈએ તેમ તે અમેરિકનો માનતા હતા.

ઉલ્લેખનીય તે છે કે આ ઘટના ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે યોજાયેલા ઉચ્ચ સ્તરીય સંમેલન પછી લગભગ તુર્ત જ બની હતી.

તે સર્વવિદિત છે કે ટ્રમ્પ વ્યાપાર, ટેકનોલોજી, તાઇવાન અને ઈરાન જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં શી-જિનપિંગે ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તાઇવાનના મુદ્દાથી અમેરિકા દૂર રહે. અમેરિકા માટે તે ગળામાં અટકેલી હાંસડી સમાન શર્ત છે. તેમજ સાયબર સુરક્ષા અંગે પણ બંને દેશો વચ્ચે તંગદિલી રહેલી છે. ટૂંકમાં વિશ્વાસનો અભાવ છે.