Get The App

અમેરિકા-ઇઝરાયેલનો અણબનાવ: ઇરાન પાયમાલીના આરે

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઇઝરાયેલનો અણબનાવ: ઇરાન પાયમાલીના આરે 1 - image

- ઇરાનમાં મોંઘવારી બીજા વિશ્વયુદ્ધના સ્તરે: ફુગાવો  77.2 ટકા પર પહોંચતા પ્રજાની હાડમારી વધી

- ઇરાને શાંતિમંત્રણા અટકાવતા ટ્રમ્પની નેતન્યાહૂને લેબનોન પર હુમલા બંધ કરવા તાકીદ: ટ્રમ્પે ગુસ્સે થઈને 'બીબી'ને સ્પષ્ટ જણાવ્યું કે હું ન હોત તો તમે જેલમાં હોત

- ટ્રમ્પના કોલ પછી ઇઝરાયેલે લેબનોનમાં હુમલા વધુ ભીષણ કરતાં આઠ લોકોના મોત અને અનેક ઘાયલ

તહેરાન : અમેરિકા સાથેનું યુદ્ધ ઇરાનને મોંઘુ પડી રહ્યુ છે અને ઇરાનમાં ફુગાવો બીજા વિશ્વયુદ્ધના સ્તરે પહોંચી ગયો છે .આમ ઇરાનનો લશ્કરી તો કચ્ચરઘાણ નીકળ્યો જ છે, પરંતુ આર્થિક મોરચે પણ તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઇરાનનું ચલણ ડોલર સામે તળિયે પહોંચી ગયું છે. ભ્રષ્ટાચાર, આર્થિક અવ્યવસ્થા, અમેરિકન પ્રતિબંધોના કારણે ઇરાનની સામાન્ય પ્રજાનું જીવન દોહ્યલુ થઈ ગયું છે. 

ઇરાનની આ આર્થિક નિષ્ફળતાના લીધે જ વર્તમાન શાસકો સામે વિરોધ પ્રદર્શન થયા હતા. પણ ઇરાનના કટ્ટરવાદીઓએ હિંસાનો આશરો લઈ સાત હજારથી વધુ લોકોને મારી નાખીને આ દેખાવ અંકુશમાં લીધા હતા. ઇરાનની ન્યૂઝ વેબસાઇટ પર વિશ્લેષકે જણાવ્યું હતું કે મને તે વાતને લઈને કોઈ શંકા નથી કે  ટ્રમ્પ ઇરાનને પીસ ડીલ વગર પણ છોડી દે તો પણ કથળેલી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના કારણે લોકો સરકાર સામે રસ્તા પર ચોક્કસ ઉતરશે. અમારે ચોક્કસપણે આ બધાની ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડશે. 

ઇરાનની મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) એટલે મોંઘવારી ૭૭.૨ ટકાએ પહોંચી ગઈ  છે. આમ તે એપ્રિલ કરતાં ૮.૫ ટકા વધારે છે. દૈનિક જરૂરિયાતની બધી ચીજવસ્તુઓ જેવી કે દવાઓ, ટેક્સી ભાડાં, તમાકુ અને કમ્યુનિકેશન ફી વર્ષ અગાઉની તુલનાએ ૧૧૩ ટકા વધી છે. ઇરાને આ પ્રકારની સ્થિતિ છેલ્લે ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ વખતે જોઈ હતી. ઇરાનની પ્રાઇવેટ ઇકોનોમિક થિન્ક ટેન્ક બામદાદ ઇન્સ્ટિટયુટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ વર્તમાન આંકડાને અકલ્પનીય ગણાવે છે અને વર્તમાન સ્થિતિની તુલના બીજા વિશ્વયુદ્ધના સમયગાળા સાથે કરે છે.તેનું કહેવું છે કે રિઝર્વ બેન્ક તો ઘણા આંકડા બતાવતી પણ નથી.

આ વર્ષે થયેલા હવાઈ હુમલાના લીધે ઇરાનના કારોબારોને અને ઓઈલ ઉદ્યોગને નુકસાન થયું છે. અમેરિકાની ઘેરાબંધીના લીધે ઇરાનનો ઓઇલ પુરવઠો બજારમાં પહોંચવામાં સંઘર્ષ કરી રહ્યો છે. કારોબારો સંઘર્ષ કરી રહ્યા હોવાથી કર આવક પણ ઘટી છે.૨૦૧૫માં એક ડોલર સામે રિયાલની કિંમત ૩૨ હજાર હતી, જે આજે ૧૭ લાખ રિયાલ થઈ ગઈ છે. ઇરાનમાં આ પહેલા ૨૦૧૭-૧૮માં સ્થિતિ વકરી હતી તે સમયે રોટી રમખાણો થયા હતા. તેમા ૩૦૦થી વધુના મોત થયા હતા. તેહરાનના અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ઇરાનનો ફુગાવો વાર્ષિક ધોરણે ૮૦ ટકાએ આંબી શકે છે અને તેનો સમાજ ૨૫ ટકાધી વધુ ફુગાવો સહન કરી શકવાની સ્થિતિમાં નથી. 

લેબનોનમાં ઇઝરાયેલ હીઝબુલ્લાહ સામે આક્રમક કાર્યવાહી કરી રહ્યુ છે તેના પગલે ઇરાને અમેરિકા સાથે મધ્યસ્થીઓ દ્વારા થતી વાતચીત બંધ કરી દીધી છે. ઇરાન અમેરિકા પર દબાણ કરી રહ્યુ છે કે લેબનોન પણ યુદ્ધવિરામનો હિસ્સો બને. ઇરાનનું કહેવું છે કે તેની સાથે-સાથે લેબનોનમાં પણ યુદ્ધવિરામ થાય. મંગળવારે ઇરાને અમેરિકા સાથે કોઈ સંવાદ કર્યો ન હતો. ઇરાનની આ શરતના પગલે ટ્રમ્પ સાબદા થઈ ગયા હતા અને તેમણે ઇઝરાયેલના પ્રમુખ નેતન્યાહુને કોલ કર્યો હતો અને યુદ્ધવિરામ માટે સમજાવ્યા હતા. 

 બંને નેતાઓ (ફોન ઉપર) બહુ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે નેતન્યાહૂને કહ્યું હતું કે જો મેં દરમિયાનગીરી કરી ન હોત તો તમે અત્યારે સળીયા પાછળ હોત.

ઇઝરાયલના લેબેનોને ઉત્તરના હવાઈ હુમલાનો નિર્દેશ કરી તે અટકશે નહીં ત્યાં સુધી શાંતિ-મંત્રણા નહીં થાય તેવી ઈરાનની સ્પષ્ટ ધમકી પછી પ્રમુખ ટ્રમ્પે બેન્જામીન નેતાન્યાહૂને ફોન ઉપર કડક શબ્દોમાં લેબેનોનમાં લશ્કરી કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું. તેમણે (ટ્રમ્પે) આગળ કહ્યું કે મારે હીઝબુલ્લાહના નેતાઓ સાથે ફોન ઉપર વાતચીત થઈ છે. તેમણે ઇઝરાયલની ભૂમિ ઉપર તેમજ ઇઝરાયેલી સૈનિકો ઉપર હુમલા નહીં કરવાનું વચન આપ્યું હતું.ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને કરેલા ફોનની શરૂઆત જ અપશબ્દોથી કરી હતી. પરંતુ પછીથી નેતન્યાહૂ લેબેનોન પર હુમલો નહીં કરવા સંમત થયા હતા. ટ્રમ્પે ફોનમાં દાવો કર્યો હતો કે હીઝબુલ્લાહ પણ હુમલો નહી કરવા સંમત થયું છે. જો કે ટ્રમ્પના ફોન કોલ પછી ઇઝરાયેલે તરત જ લેબનોન પર ભીષણ હુમલા કર્યા હતા અને તેમા આઠના મોત થયા છે એને અનેક ઇજા પામ્યા છે. હીઝબુલ્લાહે પણ વળતી પ્રહાર કરતાં કરેલા હુમલામાં એક ઇઝરાયેલી સૈનિકનું મૃત્યુ થયું છે અને બીજા સાત ઘવાયા છે અને તેમાથી ત્રણ ગંભીર રીતે ઘવાયા છે. ઇઝરાયેલ-હીઝબુલ્લાહ વચ્ચે ચાલતા આ સંઘર્ષની વચ્ચે બંને વચ્ચે બેઠક યોજાવવાની હતી.