Middle East Tensions : ઈરાન વિરુદ્ધના યુદ્ધને વધુ ભયાનક કરવાની ધમકી આપી રહેલા અમેરિકાને ચાર મોટા દેશોએ મોટો ઝટકો આપ્યો છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભા થયેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફ ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ સાથી દેશોએ સાથ ન આપતા તેઓ નારાજ થયા છે. હાલ ખાડી દેશો ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે અનેક યુરોપીયન દેશો સંઘર્ષમાં સીધુ સામેલ થવાના બદલે અંતર જાળવી રાખ્યું છે.
આ ચાર દેશોએ અમેરિકાને આપ્યો ઝટકો
વાસ્તવમાં જે ચાર દેશોએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે, તેમાં ફ્રાન્સ, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ અને બ્રિટનનો સમાવેશ થાય છે. આ ચારેય દેશોએ પોતાના એરબેઝનો ઉપયોગ કરવાનો અમેરિકાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેઓએ અમેરિકન સૈન્ય વિમાનો પોતાના એરસ્પેસ કે ઠેકાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. આ કારણે અમેરિકાની વ્યૂહાત્મક યોજનાઓ પર અસર પડી છે અને ટ્રમ્પ પણ વધુ નારાજ થયા છે.
બ્રિટન સેના-ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરશે
બ્રિટને યુદ્ધમાં સીધુ જ સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે, જોકે તેણે પોતાના ક્ષેત્રમાં પોતાની હિતોની સુરક્ષા કરવા માટે વધારાનું સૈન્ય દળ અને એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટને કહ્યું કે, ‘અમારો ઉદ્દેશ્ય યુદ્ધમાં કુદવાનો નથી, પરંતુ અમે અમારા દેશમાં સ્થિરતા જાળવી રાખવા માટે અને સંભવિત હુમલાથી અમારા નાગરિકો અને સાથી દેશોને રક્ષણ કરવા માટે આ નિર્ણય લીધો છે.’
સાથી દેશોથી ટ્રમ્પ નારાજ
સાથી દેશોએ સાથ ન આપતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઘણા નારાજ થયા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે, યુદ્ધમાં જે દેશોએ સાથ આપ્યો નથી, તેઓને જ્યારે મદદની જરૂર પડશે તો અમેરિકા પણ સાથ નહીં આપે. તેમણે ઓઈલ-ગેસ સંકટ વચ્ચે એવું પણ કહી દીધું છે કે, સાથી દેશો અમેરિકા પાસેથી એટીએફ ખરીદી અથવા તેઓ હોર્મુઝમાંથી લઈને જાય.
આ પણ વાંચો : ઈઝરાયલમાં નવો કાયદો: પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, 90 દિવસમાં ફાંસીની સજા


