આર્થિક સંકટમાં ફસાયો ભારતનો વિરોધી દેશ! ઈરાન યુદ્ધ વચ્ચે 15 દિવસમાં વેચ્યું 58 ટન સોનું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold ETFs: ભારત, તુર્કીયે, ચીન અને પોલેન્ડ સહિત વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેંકોએ હાલના વર્ષોમાં સોનાની ભારે ખરીદી કરી હતી, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હવે તુર્કીયેની સેન્ટ્રલ બેંકે છેલ્લા બે અઠવાડિયામાં જ 58 ટન સોનું વેચી દીધું છે. આ વેચાણ દ્વારા તુર્કીયેને 8 અબજ ડોલરથી વધુની રકમ મળી છે. આ સાથે જ તુર્કીયેનો ગોલ્ડ રિઝર્વ ઘટીને 513 ટન પર પહોંચી ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચી સપાટી છે.
સોનું કેમ વેચવું પડ્યું?
તુર્કીયેએ તેના અડધાથી વધુ સોનાનો ઉપયોગ અમેરિકન ડોલર ઉધાર લેવા માટે 'સ્વેપ' તરીકે કર્યો છે, જ્યારે બાકીનું સોનું ઓપન માર્કેટમાં વેચ્યું છે. આંકડાકીય રીતે જોઈએ તો 13 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તુર્કીયેએ 6 ટન સોનું વેચ્યું હતું, જ્યારે 20 માર્ચના સપ્તાહમાં 52 ટન સોનાનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં ગોલ્ડ ETF માંથી કુલ 43 ટનનો આઉટફ્લો રહ્યો હતો, જે દર્શાવે છે કે તુર્કીયે આ દરમિયાન સોનાના વેચાણનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે.
તુર્કીયેનું આયાત બિલ ખૂબ વધી ગયું
તુર્કીયેના ચલણ 'લીરા' ને ગગડતું અટકાવવા માટે ત્યાંની સેન્ટ્રલ બેંકને મોટા પ્રમાણમાં ડોલર ખર્ચવા પડી રહ્યા છે. ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે તેજી આવી છે, જેના પરિણામે તુર્કીયેનું આયાત બિલ ખૂબ વધી ગયું છે. આ કારણોસર લીરા પર દબાણ વધ્યું છે અને કરન્સીની વેલ્યુ જાળવી રાખવા માટે સેન્ટ્રલ બેંક પોતાના વિદેશી મુદ્રા ભંડારમાંથી ડોલર ઉપયોગ કરી રહ્યું છે.
-તુર્કીયેની સેન્ટ્રલ બેંકે કેટલાક વર્ષોમાં મોટા પાયે સોનાની ખરીદી કરી હતી
-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ માત્ર બે અઠવાડિયામાં 58 ટન સોનું વેચી દીધું
-ક્રૂડના ભાવ વધવાથી તુર્કીયેના આયાત બિલમાં મોટો વધારો થયો છે
-દેશના ચલણ 'લીરા' પર ભારે દબાણ હોવાથી તેને બચાવવા સેન્ટ્રલ બેંક ડોલરનો ઉપયોગ કરી રહી છે
આ પણ વાંચો: વન ચાઈના પોલિસીને ચેલેન્જ! ટ્રમ્પના ચીન પ્રવાસ પહેલા અમેરિકાના સાંસદોની તાઈવાન મુલાકાત
આ વેચાણ અને ખર્ચના કારણે તુર્કીયેનું વિદેશી મુદ્રા ભંડાર 40 અબજ ડોલર ઘટીને 175 અબજ ડોલર પર આવી ગયું છે, જે 2025ના ત્રીજા ક્વાર્ટર પછીનું સૌથી ઓછું સ્તર છે. તેલ અને ગેસની વધતી કિંમતો તુર્કીયેને સોનું વેચવા માટે મજબૂર કરી રહી છે. બીજી તરફ અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં હાલ ઘટાડો ન કરવાના નિર્ણયથી સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે MCX પર સોનું 1,47,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.









