Get The App

વાટાઘાટો તો ફેલ થઈ, હવે શું કરશે ટ્રમ્પ? શેરબજાર-ક્રૂડ અને હોર્મુઝ અંગે ફરી ટેન્શન હાઈ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
US-Iran Pakistan Talks Fail


US-Iran Pakistan Talks Fail: અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલેલી શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ ગઈ છે. સતત 21 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ બંને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે આ અંગે અપડેટ આપતા જણાવ્યું કે, બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી અને આ સ્થિતિ અમેરિકા કરતા ઈરાન માટે વધુ ખરાબ સમાચાર છે. તેમણે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, ગમે તે થાય જીત તો અમારી જ થશે.

શેરબજારમાં ફરી 'રેડ સિગ્નલ'ની આશંકા

આ મંત્રણા નિષ્ફળ જવાથી હવે વૈશ્વિક બજારમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે. એક મહિનાથી વધુ ચાલેલા યુદ્ધ બાદ આ મંત્રણાથી બજારમાં આશા જન્મી હતી, જેના કારણે પાછલા સપ્તાહે શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત વધારા સાથે બંધ થયા હતા, પરંતુ હવે સોમવારે બજાર ફરી રેડ સિગ્નલ બતાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, મંત્રણા નિષ્ફળ જવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ફરી મોટો ઉછાળો આવી શકે છે, જે સામાન્ય જનતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: ઈરાનનો નક્શો બતાવી નેતન્યાહૂએ કરી મોટી જાહેરાત, કહ્યું - યુદ્ધ હજુ ખતમ થયું નથી...

હોર્મુઝ સ્ટ્રેટ પર વધતું જોખમ અને તણાવ

સૌથી મોટી સમસ્યા 'હોર્મુઝ સ્ટ્રેટ'ને લઈને સર્જાઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીઝફાયર બાદ પણ આ સમુદ્રી માર્ગને લઈને ઈરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે જે દેશો ઈરાનને હથિયારો સપ્લાય કરે છે તેમના પર ભારે ટેરિફ લાદવામાં આવશે. ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે તેમણે પોતાની મર્યાદાઓ જણાવી દીધી હતી, પરંતુ અમેરિકાએ તેમની શરતો માનવાનો ઇનકાર કર્યો છે. આ પરિસ્થિતિમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં શું વ્યૂહનીતિ અપનાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. 

વાટાઘાટો તો ફેલ થઈ, હવે શું કરશે ટ્રમ્પ? શેરબજાર-ક્રૂડ અને હોર્મુઝ અંગે ફરી ટેન્શન હાઈ 2 - image