USA and Iran War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે યુદ્ધની અણી પર પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો જીનીવામાં ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે, તો અમેરિકા આગામી 3 દિવસમાં ઈરાન પર મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.
નિર્ણાયક સ્થિતિ અને અમેરિકાની તૈયારી
વોલ સ્ટ્રીટ જનરલ અને સીબીએસ ન્યૂઝના અહેવાલો અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ મંત્રણાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે સેનાને એલર્ટ મોડ પર રાખી છે. ટોચના સુરક્ષા અધિકારીઓએ ટ્રમ્પને જાણ કરી છે કે સેના શનિવાર સુધીમાં કોઈપણ હુમલા માટે સજ્જ છે. આ દરમિયાન, પેન્ટાગોને સાવચેતીના ભાગરૂપે મધ્ય પૂર્વમાંથી પોતાના બિનજરૂરી કર્મચારીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી ઈરાનના સંભવિત જવાબી હુમલાથી બચી શકાય.
ઈરાનનો 'મોઝેક ડિફેન્સ' પ્લાન
અમેરિકાના સંભવિત હુમલાને જોતા ઈરાને પોતાની સંરક્ષણ કવચ મજબૂત કરી દીધું છે. ઈરાને 'મોઝેક ડિફેન્સ' વ્યૂહરચના હેઠળ પોતાની કમાન સિસ્ટમ ગોઠવી છે. પરમાણુ સ્થાનોની આસપાસ સુરક્ષા અભેદ્ય બનાવવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની નેવલ યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે. રશિયાનું એક યુદ્ધજહાજ પણ ઈરાની સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં સામેલ થયું છે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.
મંત્રણામાં શું છે અવરોધ?
મંગળવારે જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે ત્રણ કલાકની મુલાકાત થઈ હતી. જોકે વાતચીત સકારાત્મક રહી હોવાનો દાવો છે, પરંતુ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી 'રેડ લાઈન્સ' (કડક શરતો) સ્વીકારવા તૈયાર નથી. ઈઝરાયેલના પૂર્વ ગુપ્તચર વડા અમોસ યાદલિને પણ સંકેત આપ્યો છે કે બંને દેશો સીધા સંઘર્ષની ખૂબ નજીક છે. હવે આખું વિશ્વ શનિવાર સુધીની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. જો રાજદ્વારી રસ્તો નહીં નીકળે, તો મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.


