Israel Rejects Trump US Iran Peace Deal : વૈશ્વિક રાજકારણ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે એક ઐતિહાસિક શાંતિ કરારને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ડીલથી આખી દુનિયાને એવી આશા જગી છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સામુદ્રધુની ફરીથી ખૂલી જશે અને વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન સામાન્ય થઈ જશે.
પાકિસ્તાન પર કેમ ભડક્યું ઈઝરાયલ?
પરંતુ, આ મહાસત્તાઓની શાંતિ ડીલ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે લેબેનોનને લઈને એક એવું નિવેદન આપ્યું કે ઇઝરાયલ ભડકી ગયું છે. પાકિસ્તાન ભલે આ ડીલને પોતાની મોટી કૂટનીતિક સફળતા ગણાવી રહ્યું હોય, પણ ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે લેબેનોનના મુદ્દે તે કોઈની પણ વાત સાંભળવા તૈયાર નથી.
પાકિસ્તાનનો દાવો: કરારમાં લેબેનોનનો મુદ્દો સામેલ
સોમવારે (15 જૂન 2026) પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ 'નેશનલ એસેમ્બલી'માં પીએમ શહબાઝ શરીફે અમેરિકા-ઇરાન યુદ્ધ રોકવા માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે આ ઘટનાક્રમને આવકારતા સંસદમાં જણાવ્યું કે, આ બે દેશો વચ્ચેનો કોઈ સામાન્ય કરાર નથી, પરંતુ આ શાંતિ અને સંવાદની સફળતા છે, આ એક મોટી કૂટનીતિક જીત છે. 3 મહિના અને 16 દિવસના સતત પ્રયાસો પછી, અમેરિકા અને ઇરાને લેબેનોન સહિત તમામ સ્થળો પર સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને હંમેશા માટે ખતમ કરવાની જાહેરાત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક શાંતિ કરાર પર આગામી 19 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે અને પાકિસ્તાન 19 જૂને જિનેવામાં આ હસ્તાક્ષર સમારોહની યજમાની કરશે.
લેબેનોન મુદ્દે માનવા તૈયાર નથી ઈઝરાયલ
એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે શાંતિ કરાર લાગુ થવાની સાથે જ લેબેનોન સહિતના તમામ મોરચા પર ફાયરિંગ બંધ થઈ જશે. પરંતુ આ વાતને હજુ 24 કલાક પણ નહોતા થયા ત્યાં ઇઝરાયેલે લેબેનો પર બોમ્બમારો કરીને પોતાના આકરા ઇરાદા સાફ કરી દીધા છે.
ઇરાનની ન્યૂઝ એજન્સી IRIB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબેનોનના જવતાર, મરકબા અને ખિયામ શહેરમાં ઇઝરાયલે હવાઈ અને તોપમારો કરીને હુમલા કર્યા છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે ચેતવણી આપી છે કે જો ઇરાન લેબેનોન ચાલી રહેલા પોતાના સૈન્ય અભિયાનને લઈને તેલ અવીવ પર હુમલો કરશે, તો અમે પૂરી તાકાતથી જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
ઈઝરાયલના નેશનલ સિક્યુરિટી મંત્રી ઇતામાર બેન-ગ્વીરે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, ટ્રમ્પની સમજૂતી અમને બાંધતી નથી. ઈઝરાયલ અમેરિકાને આધીન નથી, અને અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ! ઈઝરાયલ રાજ્ય કોઈ બનાના રિપબ્લિક નથી. અમે આ સમજૂતીના ભાગીદાર નથી જે અમારી સુરક્ષાની ખાતરી આપતી નથી, અને તે અમને કોઈપણ રીતે બંધનકર્તા નથી. આપણે હિઝબુલ્લાહના સંપૂર્ણ ખાતમાથી ઓછું કશું જ મંજૂર ન કરવું જોઈએ. આપણા સૈનિકોએ જે પ્રદેશો કબજે કર્યા છે અને જ્યાંથી આતંકવાદી માળખું સાફ કર્યું છે, ત્યાંથી આપણે સેના પાછી ન ખેંચવી જોઈએ.


