Get The App

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ 1 - image

Hormuz Strait To Open : અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં એક મોટી પ્રગતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર (Peace Deal)નો એક ડ્રાફ્ટ સામે આવ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમથી લઈને તેલ વેપાર, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને ઈરાનના ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડ જેવા મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ ડ્રાફ્ટ કરાર હેઠળ ઈરાને વચન આપ્યું છે કે,તે પરમાણુ હથિયાર નહીં બનાવે અને તેને મેળવવાનો પ્રયાસ પણ નહીં કરે.

પીસ ડીલની મુખ્ય શરતો અને વિગતો

પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ: ઈરાન પોતાના દેશમાં રહેલા ઉચ્ચ સ્તરે સંવર્ધિત (Highly Enriched) યુરેનિયમનું સ્તર ઘટાડશે. આ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે તેની ટેકનિકલ રૂપરેખા બંને પક્ષો આગામી 60 દિવસમાં નક્કી કરશે.

25 અબજ ડોલરનું ફંડ થશે મુક્ત: આ કરારનો સૌથી મોટો ફાયદો ઈરાનને મળશે. અમેરિકા તેના ફ્રીઝ કરેલા અંદાજે 25 અબજ ડોલરના ફંડને મુક્ત કરવા સંમત થયું છે. આ રકમ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર, પ્રાદેશિક દેશોના સહયોગ અથવા ફાઇનાન્સિયલ ક્રેડિટ લાઇન દ્વારા ઈરાન મેળવી શકશે.

તેલ પ્રતિબંધોમાં છૂટ: અમેરિકા થોડા સમય માટે ઈરાન પર લદાયેલા તેલ પ્રતિબંધોમાં છૂટછાટ આપશે. આનાથી ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી તેલ વેચી શકશે અને તેનાથી થનારી કમાણી પોતાની પાસે રાખી શકશે, જે તેના અર્થતંત્ર માટે મોટી રાહત સાબિત થશે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે: આ ડીલ સાઇન થતાં જ ઈરાન તમામ વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલી દેશે. તેના બદલામાં અમેરિકા ઈરાની જહાજો અને બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળની નાકેબંધી (Naval Blockade) ને સમાપ્ત કરશે.

કરારના સમયને લઈને હજુ પણ અસમંજસ

આ કરાર ક્યારે ફાઇનલ થશે તેને લઈને હજુ સંપૂર્ણ સ્પષ્ટતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ કરાર પર રવિવારે જ હસ્તાક્ષર થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી હસ્તાક્ષર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

જો કે, ઈરાનની અંદર જ આ ડીલનો વિરોધ પણ શરૂ થયો છે. ત્યાંના કટ્ટરપંથી જૂથો અને કેટલાક રાજકીય પક્ષોએ અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન મૂકી શકાય તેમ કહીને ડીલની શરતો અને સમય પર સવાલો ઉઠાવ્યા છે.