Get The App

અમેરિકા-ઈરાનની જિનિવા બેઠક અનિર્ણિત, ટ્રમ્પ નારાજ થતા મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો વધ્યો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઈરાનની જિનિવા બેઠક અનિર્ણિત, ટ્રમ્પ નારાજ થતા મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો વધ્યો 1 - image


US Iran Geneva Talks Fail : અમેરિકા અને ઈરાન વચ્ચે જિનિવા ખાતે યોજાયેલી હાઈ-વોલ્ટેજ બેઠક કોઈ ચોક્કસ નિષ્કર્ષ વગર પૂર્ણ થઈ છે. પરમાણુ કાર્યક્રમ અને વધતા તણાવને ડામવા માટે મળેલી આ મંત્રણાના પરિણામથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાખુશ જણાઈ રહ્યા છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે.

જિનિવા મંત્રણામાં ગતિરોધ યથાવત

ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે જિનિવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે મળેલી મહત્વની બેઠક કોઈ પણ સમજૂતી વગર પૂરી થઈ છે. જોકે મધ્યસ્થતા કરી રહેલા ઓમાને આ મંત્રણાને સકારાત્મક ગણાવી છે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગતિરોધ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનના વલણથી ખુશ નથી, પરંતુ ભવિષ્યમાં થનારી વાતચીતના સકારાત્મક પરિણામોની રાહ જોશે.

દૂતાવાસ ખાલી કરવા અને નાગરિકોને એડવાઈઝરી

વધતા જતા સૈન્ય તણાવને જોતા અમેરિકાએ જેરુસલેમમાં તેના દૂતાવાસના બિન-જરૂરી કર્મચારીઓ અને અન્ય નાગરિકોને તાત્કાલિક ઈઝરાયેલ છોડવા માટે કહી દીધું છે. બીજી તરફ, બ્રિટને તેહરાન સ્થિત પોતાનું દૂતાવાસ કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે અને તમામ સ્ટાફને પરત બોલાવી લીધો છે. ચીને પણ ઈઝરાયેલમાં વસતા તેના નાગરિકોને અત્યંત સાવધ રહેવા માટે ચેતવણી આપી છે.

આગામી સપ્તાહે વિયેનામાં ફરી બેઠક

મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ્બુસઈદીએ જણાવ્યું છે કે બંને દેશો વાતચીત ચાલુ રાખવા માટે સહમત થયા છે. હવે આગામી સપ્તાહે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં બંને પક્ષો ફરી એકવાર ટેબલ પર બેસી શકે છે. આ સંદર્ભે ઓમાનના વિદેશ મંત્રીએ વોશિંગ્ટનમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પણ મુલાકાત કરી છે.

ઈરાનનું વલણ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સ્વીકાર્યું છે કે તેઓ કેટલાક મુદ્દાઓ પર સહમતી બનાવવામાં સફળ રહ્યા છે, પરંતુ ઘણા મુખ્ય મુદ્દાઓ પર હજુ પણ મતભેદો યથાવત છે. હાલ પૂરતો અમેરિકાના હુમલાનો ખતરો થોડા દિવસો માટે ટળી ગયો હોય તેવું લાગે છે, પરંતુ સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક અને વિસ્ફોટક છે.