World

અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર વેનેઝુએલા જેવો હુમલો કરશે, 5 સંકેતથી ટેન્શન વધ્યું

By GS Team
21 May 20263 mins read
TukuTouch Logo
કોલ્ડ વોર (શીત યુદ્ધ)ના સમયથી જ અમેરિકા અને ક્યુબા વચ્ચેનો છત્રીસનો આંકડો જાણીતો છે. પરંતુ હાલમાં કેરેબિયન સમુદ્રના શાંત પાણીમાં જે હલચલ થઈ રહી છે, તે કોઈ તોફાન આવવાના સંકેત આપી રહી છે. ક્યુબાની સરહદો નજીક વધી રહેલી અમેરિકન સૈન્ય ગતિવિધિઓએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર સામાન્ય સૈન્ય અભ્યાસ નથી પરંતુ ક્યુબાને ચારેય તરફથી ઘેરવાની એક ચોક્કસ વ્યૂહરચના છે. તો શું અમેરિકા વેનેઝુએલા પર કરેલી એવી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી ક્યુબા પર કરવા જઈ રહ્યું છે? અહીં એવા 5 મુખ્ય સંકેતો આપેલા છે જે દર્શાવે છે કે ક્યુબા પર ગમે ત્યારે મોટું સંકટ આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર વેનેઝુએલા જેવો હુમલો કરશે, 5 સંકેતથી ટેન્શન વધ્યું
(IMAGE - IANS)

US Encircles Cuba: કોલ્ડ વોર(શીત યુદ્ધ)ના સમયથી જ અમેરિકા અને ક્યુબા વચ્ચેનો છત્રીસનો આંકડો જાણીતો છે. પરંતુ હાલમાં કેરેબિયન સમુદ્રના શાંત પાણીમાં જે હલચલ થઈ રહી છે, તે કોઈ તોફાન આવવાના સંકેત આપી રહી છે. ક્યુબાની સરહદો નજીક વધી રહેલી અમેરિકન સૈન્ય ગતિવિધિઓએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર સામાન્ય સૈન્ય અભ્યાસ નથી પરંતુ ક્યુબાને ચારેય તરફથી ઘેરવાની એક ચોક્કસ વ્યૂહરચના છે. તો શું અમેરિકા વેનેઝુએલા પર કરેલી એવી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી ક્યુબા પર કરવા જઈ રહ્યું છે? અહીં એવા 5 મુખ્ય સંકેતો આપેલા છે જે દર્શાવે છે કે ક્યુબા પર ગમે ત્યારે મોટું સંકટ આવી શકે છે.

1. રાઉલ કાસ્ટ્રો સામે હત્યાનો ગંભીર આરોપ

20 મે, 2026(બુધવાર)ના રોજ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ક્યુબાના 94 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો (જેઓ સામ્યવાદી ક્રાંતિના જનક ફિડેલ કાસ્ટ્રોના નાના ભાઈ છે) સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. તેમના પર વર્ષ 1996માં કાસ્ટ્રો વિરોધી પાયલોટ્સના બે નાગરિક વિમાનોને તોડી પાડવાનો આરોપ છે. રાઉલ કાસ્ટ્રો આજે પણ ક્યુબાના રાજકારણમાં મોટો પ્રભાવ ધરાવે છે, તેથી તેમની સામેની આ કાનૂની કાર્યવાહીને ક્યુબાની સરકારને અસ્થિર કરવાના અમેરિકાના પહેલા પગલા તરીકે જોવામાં આવી રહી છે.

2. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે ક્યુબાને મુક્ત કરી રહ્યા છીએ’

આ કાનૂની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે કહ્યું હતું કે અમેરિકા ‘ક્યુબાને મુક્ત’ કરવા જઈ રહ્યું છે. તેમણે પત્રકારો સામે સ્વીકાર્યું કે અમેરિકા પાસે CIA(સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના માધ્યમથી ક્યુબાની પળેપળની માહિતી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ સોશિયલ મીડિયા પર આ નિવેદનને શેર કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

3. સમુદ્રમાં યુએસએસ નિમિત્ઝ (USS Nimitz)ની એન્ટ્રી

અમેરિકાએ માત્ર વાતો નથી કરી, સૈન્ય તૈનાતી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું સૌથી મોટું અને ઘાતક પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ તેના આખા સ્ટ્રાઇક ગ્રૂપ સાથે કેરેબિયન સમુદ્રમાં પહોંચી ગયું છે. આ કાફલામાં નીચે મુજબના અત્યાધુનિક હથિયારો સામેલ છે જે યુએસ સધર્ન કમાન્ડ (SOUTHCOM) દ્વારા તહેનાત કરાયા છે.

- F/A-18E Super Hornet - આધુનિક ફાઇટર જેટ્સ (હવાઈ હુમલા માટે)

- EA-18G Growler - ઈલેક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ (સિગ્નલ જામ કરવા માટે)

- C-2A Greyhound - સપ્લાય એરક્રાફ્ટ (લોજિસ્ટિક્સ અને સપોર્ટ માટે)

- USS Gridley અને USNS Patuxent - સપોર્ટ અને ડિસ્ટ્રોયર જહાજો

આ પણ વાંચો: ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે મતભેદ! ટેલિફોનિક વાતચીતમાં ઝઘડો થયાનો દાવો

4. જાસૂસી વિમાનોનો સતત ઘેરાવો

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, 11 મેથી ક્યુબાની આસપાસના આકાશમાં અમેરિકાના 5 P-8A Poseidon સર્વેલન્સ (જાસૂસી) વિમાનો સતત ચક્કર લગાવી રહ્યા છે. સબમરીન વિરોધી અને દરિયાઈ દેખરેખ માટે જાણીતા આ વિમાનો ક્યુબાની સરહદથી માત્ર 80 કિલોમીટર દૂર છે, જે સ્પષ્ટ સંકેત છે કે ક્યુબાના નૌકાદળની ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

5. આકાશમાં અમેરિકન ડ્રોનની બાજ નજર

વિમાનોની સાથે સાથે અમેરિકાએ ક્યુબાના એરસ્પેસ નજીક 3 MQ-4C Triton હાઇ-ટેક સર્વેલન્સ ડ્રોન પણ સક્રિય કર્યા છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સલાહકાર અને નિવૃત્ત કર્નલ માર્ક કેન્સિયનના જણાવ્યા મુજબ, આ ડ્રોનની ઉડાન પેટર્ન દર્શાવે છે કે યુએસ સેના ક્યુબામાં દક્ષિણ અને ઉત્તર દિશામાંથી આવતા-જતા તમામ વ્યાપારી કે સૈન્ય જહાજોને ટ્રેક કરી રહી છે, જેથી ક્યુબાની આર્થિક કે સૈન્ય નાકાબંધી (Blockade) સરળતાથી કરી શકાય.

કાનૂની દબાણ, રાજકીય નિવેદનો અને કેરેબિયન સમુદ્રમાં વાયુસેના તેમજ નૌસેનાની આ અભૂતપૂર્વ તહેનાતી સૂચવે છે કે અમેરિકા હવે ક્યુબા મામલે કોઈ મોટો આખરી નિર્ણય લેવાના મૂડમાં છે. ગમે તે ઘડીએ આ ક્ષેત્રમાં મોટી ભૂ-રાજકીય હલચલ જોવા મળી શકે છે.