તહેરાન,૩ માર્ચ,૨૦૨૬,મંગળવાર
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)ના સિનિયર અધિકારીઓ ક્રુડ તેલના જહાજ માર્ગ તરીકે જાણીતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરીને ચોંકાવી દીધા હતા. સમાચાર એજન્સી રોયટર્સે રિવોલ્યૂશનરી ગોર્ડ કોર ને ટાંકીને ઇરાનના સરકારી મીડિયામાં સોમવારે પ્રસારિત કાર્યક્રમને આધારે માહિતી આપી હતી. હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાની સાથે જે પણ માલ વાહક જહાજ પસાર થવાનો પ્રયાસ કરશે તેને આગને હવાલે કરી દેવામાં આવશે.
અગાઉ શનિવારે ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા શરુ થયા ત્યારે રિવોલ્યૂશનરી ગાર્ડને ટાંકીને તસનીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની વ્યહવારિક રીતે બંધ થઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોર્મુઝ બંધ નહી હોવા છતાં તેલ ટેંકરોની આવન જાવન પ્રભાવિત થઇ છે. હોર્મુઝ જળમાર્ગ બંધ થાય તો ભારત, જાપાન અને ચીન સહિતના અનેક દેશોની અર્થ વ્યવસ્થા માટે ચિંતાનો ગંભીર વિષય હશે.
ચીન અને જાપાનમાં ૮૦ થી ૯૦ ટકા ક્રુડ તેલ પશ્ચિમ એશિયામાંથી આવે છે. ભારતમાં પણ ૧.૫ લાખ મિલિયન બેરલ ્ક્રુડ આ જળમાર્ગથી આવે છે. જો કે અમેરિકાની સેન્ટ્રલ કમાને હોર્મુઝ સામુદ્રધુનીને કોઇ અવરોધ નહી હોવાનું જણાવીને હોર્મુઝ બંધ હોવાના દાવાને ખંડન કર્યુ હતું.


