World

ઇરાનના 100થી વધુ મથકો પર અમેરિકાના હુમલા

By GS Team
3 Sep 20264 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બન્યું છે. ઈરાને કુવૈત, બહેરીન, યુએઈ અને જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર 25 મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાનમાં લગ્ન સમારંભમાં અમેરિકી મિસાઈલ ત્રાટકતા 4ના મોત થયા. રશિયાએ કહ્યું, ટ્રમ્પ અમેરિકાને નાદાર કરીને જ ઝંપશે. અમેરિકાએ હોર્મુઝમાંથી 40 જહાજો સુરક્ષિત પસાર કરાવ્યાનો દાવો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનના 100થી વધુ મથકો પર અમેરિકાના હુમલા
  • યુદ્ધ ટ્રમ્પનો સનેપાત, અમેરિકાને નાદાર કરીને જ ઝંપશે : રશિયા અને યુક્રેનના પણ એકબીજા પર સતત હુમલા
  • કુવૈત, બહેરીન, યુએઈ અને જોર્ડનમાં આવેલા અમેરિકાના લશ્કરી મથકો પર ઇરાનનો ૨૫ મિસાઈલોથી વળતો એટેક
  • અમેરિકાનો દાવોઃ હુમલા વચ્ચે હોર્મુઝમાંથી લાખો બેરલ ઓઇલ સાથેના ૪૦ જહાજો પસાર કરાવ્યા
  • ઇરાનમાં લગ્ન સમારંભમાં અમેરિકાની મિસાઈલ ત્રાટકતા ચારનાં મોત
  • હોર્મુઝનું નામ બદલીને હવે ટ્રમ્પ સ્ટ્રેટ રાખી દેવું જોઈએ : ટ્રમ્પ

વોશિંગ્ટન : કહેવત છે પાડાને વાંકે પખાલીને ડામ. બસ આવું જ અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં થઈ રહ્યુ છે. અમેરિકા અને ઇરાન લડી રહ્યા છે, પરંતુ તેમા ખો મધ્યપૂર્વના ખાડી દેશોના નીકળી રહ્યો છે. કુવૈત, બહેરીન, જોર્ડન, યુએઈ સુધી આ યુદ્ધની આગ પહોંચી છે. ઇરાનના મિસાઇલ હુમલાનો ભોગ આ દેશો બની રહ્યા છે. જ્યારે ઇરાનનો દાવો છે કે તે તેણે અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરી રહ્યું છે. એકબાજુએ અમેરિકન મોંઘવારીમાં ચક્કરમાં પીસાઈ રહ્યા છે અને અમેરિકાનું દેવુ જીડીપીના ૧૨૦ ટકાએ પહોંચી ગયુ છે તેના વચ્ચે પણ ટ્રમ્પને ઇરાન યુદ્ધનો ઉપડેલો સનેપાત અમેરિકન અર્થતંત્રને નાદારી નોંધાવવા તરફ દોરી જાય તો નવાઈ નહીં લાગે.
અમેરિકાએ ઇરાનના બે ટેન્કર પર પણ હુમલા કર્યા છે. આ સીધી ચેતવણી છે કે જો તમે અમારા કે અમારા મિત્રોના પસાર થનારા ટેન્કર પર હુમલો કરશો તો અમે પણ તમારા ટેન્કરને નહીં છોડીએ. અમેરિકાએ ટેન્કર પર હુમલા ઉપરાંત ઇરાનના ૧૦૦થી વધુ લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા. ઇરાને પણ વળતો પ્રહાર કરતાં કુવૈત, બહેરીન, યુએઈ અને જોર્ડનમાં ૨૫થી વધુ મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો.
ઇરાની સરકારી મીડિયાએ ક્વશમ આઇલેન્ડ, બંદર અબ્બાસ, ચાબહાર, જાસ્ક, રિસ્ક, અસલુયેહ, કોનારક અને લાવનમાં વિસ્ફોટના સમાચાર કાઢ્યા. જિરોફત શહેરમાં એક સિવિલિયન એરપોર્ટ પર પણ હુમલો થયુ હોવાનું જણાવાયું. સૌથી દુઃખદ સમાચાર સિરિકથી આવ્યા, જ્યાં અમેરિકન મિસાઇલ સીધુ લગ્ન સમારંભમાં જ ત્રાટક્યુ. તેમા બાળક સહિત ચારના મોત થયા હતા અને ૫૦ ઇજા પામ્યા હતા. આ ઘટના હોર્માજાગાન પ્રાંતના સિરિક કાઉન્ટીમાં આવેલા કુહેસ્તસ્ક શહેરની છે. ઇરાની સરકારે આ બનાવનો વિડીયો પણ શેર કર્યો છે. વિડીયોમાં લગ્નના મંડપ અને આસપાસ વિખેરાયેલો કાટમાળ અને ભારે તબાહી સ્પષ્ટ દેખાય છે. બીજી બાજુએ લોકોની ચીસો સંભળાય છે.
અમેરિકાએ ઇરાનની અંદર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીએસ)ના ઠેકાણા પર સતત બીજા દિવસે હુમલો કર્યો. તેના જવાબમાં ઇરાને જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ પર આવેલા અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કર્યા. તેણે અમેરિકન સ્થળોને બેલિસ્ટિક મિસાઇલથી ટાર્ગેટ બનાવ્યા. તેની સાથે બહેરીનના શેખ ઇસા એરબેઝ પર પણ મોટા પાયા પર ડ્રોન હુમલા થયા. કુવૈતે પર પણ પોતાને ત્યાં ડ્રોન હુમલા થયાની વાતને સમર્થન આપ્યું.
અમેરિકન અધિકારીઓનો દાવો છે કે આ કાર્યવાહીથી ઇરાનની હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરવાની ક્ષમતા નબળી પડી છે. કોમર્સિયલ જહાજો માટે ભય કમસેકમ મહિના માટે ટળી ગયો છે. તનાવ છતાં લગભગ ૪૦ જહાજોએ લાખો બેરલ સાથે હોર્મુઝમાંથી સલામત અમેરિકન પહેરા હેઠળ બહાર નીકળવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું.
જોર્ડનના એર ડિફેન્સના જણાવ્યા મુજબ તેમની એર ડિફેન્સ સિસ્ટમે તેમના હવાી ક્ષેત્રમાં ઘૂસેલા કુલ ૧૩માંથી ૧૫ મિસાઇલ તોડી પાડયા. ત્રણ મિસાઇલ વેરાન સ્થળે પડયા. તેના કારણે કોઈ જાનમાલનું નુકસાન ન થયું. આઇઆરજીસીએ આ હુમલાને અફસોસજનક ગણાવ્યા છે. સંગઠનનો દાવો છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકનો માર્યા ગયા છે. એક અમેરિકન અધિકારીએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે સેન્ટ્લ કમાન્ડ એટલે કે કોઈના પણ મૃત્યુના સમાચાર નથી. ઇરાનના મીડિયાનું એમ પણ કહેવું છે કે બહેરિનના એરબેઝ પરના હુમલામાં રડાર સિસ્ટમ અને તે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં અમેરિકન સૈનિક હાજર હતા જોર્ડનના મફરક શહેરમાં સાઇરન સાંભળવામાં આવી અને ત્યાં રોકેટને હવામાં રોકવાના સમાચાર મળ્યા. અમેરિકાએ મંગળવારે હોર્મુઝની ખાડીની પાસે આઇઆરજીસીના ઠેકાણા પર હુમલા કર્યા. સેન્ટકોમે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ભારતીય સમય મુજબ સાંજે શરૂ થઈ. તે ઇરાન તરફથી કોમર્સિયલ જહાજો અને ત્યાં હાજર અમેરિકન સૈનિકો પર થયેલા હુમલાના પ્રયત્નોના જવાબમાં કરવામાં આવી.
ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ઇરાનના હોર્મુઝમાં સી માઇન્સ બીછાવવાના નિષ્ફળ પ્રયત્નો અને જોર્ડનમાં અમેરિકન બેઝ પર મિસાઇલ હુમલાનો આ જવાબ છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમારા પર હુમલો કરવામાં આવ્ય તો અમે વધુ આક્રમક અને મોટાપાયા પરનો જવાબ હશે. જો કે આ અત્યાર સુધીનો મોટો હુમલો નહી હોય, આ હુમલો હજી બાકી છે. આ ઉપરાંત યેમેનમાં સાઉદીની આગેવાની હેઠળના દળોએ આઇએસના પ્રવક્તાને ઠાર કર્યો હતો.

ઇઝરાયેલે ગાઝામાં કરેલા હુમલામાં ૪નાં મોત
ગાઝા : ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેના સ્પેશ્યલ ફોર્સીસે ગાઝામાં પાડેલા દરોડામાં હમાસના વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી છે. આ ઓપરેશનમાં કમસેકમ ચારના મોત થયા હતા. તેમા બે બાળકોનો સમાવેશ થાય છે. સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની લશ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે ઓપરેશન હમાસના આંતરિક સુરક્ષા વડા માટે કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ જણાવ્યું હતું કે હમાસના વરિષ્ઠ લીડરોમાં એકની ધરપકડ કરવામાં આવી છે. તે ગાઝામાં હમાસનું શાસન ફરીથી સ્થાપવાના પ્રયત્નોમાં જોડાયેલો હતો.