Get The App

ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
US-Iran Nuclear Talks

US-Iran Nuclear Talks: અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના પરમાણુ વિવાદનો ઉકેલ લાવવા માટે આગામી 26 ફેબ્રુઆરીએ જિનીવામાં મહત્ત્વની બેઠક યોજાવાની છે. આ વાતની પુષ્ટિ ઓમાન દ્વારા કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકેની મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ-બુસૈદીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનમાં પરોક્ષ ચર્ચાઓ થઈ હતી અને ગયા સપ્તાહે જિનીવામાં પણ એક બેઠક મળી હતી.

ઈરાની પ્રમુખની પ્રતિક્રિયા અને અમેરિકન દબાણ

ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશકિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, ઈરાન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કટિબદ્ધ છે અને તાજેતરની મીટિંગમાં પ્રોત્સાહક સંકેતો મળ્યા છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ અમેરિકાની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ મધ્ય પૂર્વમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય હાજરી ઊભી કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ મીટિંગ નિષ્ફળ જશે, તો ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલા પણ થઈ શકે છે.

શું હશે સમજૂતીનો મુસદ્દો?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી 26 ફેબ્રુઆરીએ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફને મળે તેવી શક્યતા છે. અરાઘચીના જણાવ્યા મુજબ, પરમાણુ મુદ્દે રાજદ્વારી ઉકેલ આવવાની પૂરી સંભાવના છે. ઈરાન ઇચ્છે છે કે વાતચીત માત્ર પરમાણુ કાર્યક્રમ પૂરતી મર્યાદિત રહે, જ્યારે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના મિસાઇલ કાર્યક્રમ અને સશસ્ત્ર જૂથોને મળતા સમર્થનનો મુદ્દો પણ ઉઠાવવા માંગે છે. જો સમજૂતી થાય, તો ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ પરના નિયંત્રણોના બદલામાં આર્થિક પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે.

આ પણ વાંચો: PM મોદીના ઇઝરાયલ પ્રવાસ પહેલા નેતન્યાહૂનો માસ્ટર પ્લાન! ફફડી ઉઠ્યું પાકિસ્તાનનું મિત્ર તૂર્કિયે

ઈરાનમાં આંતરિક અશાંતિ: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન

એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે મંત્રણા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઈરાનના તેહરાન અને મશહદ જેવા શહેરોમાં સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શનો શરુ થયા છે. જાન્યુઆરીમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીઓની યાદમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં 'સરમુખત્યારના મોત'ના નારા સાંભળવા મળી રહ્યા છે. માનવાધિકાર સંસ્થાઓના મતે અત્યાર સુધીના વિરોધ પ્રદર્શનોમાં 7000થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે, જે આ હિંસાની ભયાનકતા દર્શાવે છે.

ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર 2 - image