Get The App

ભારતે બનાવેલું યુપીઆઈ દુનિયામાં બીજું કોઈ બનાવી શકે નહીં : મૈક્રોં

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ભારતે બનાવેલું યુપીઆઈ દુનિયામાં બીજું કોઈ બનાવી શકે નહીં : મૈક્રોં 1 - image

- ફ્રાન્સના પ્રમુખે ભારતની ડિજિટલ સિદ્ધિઓને અનુકરણીય ગણાવી

- એઆઈનું ભવિષ્ય ઈનોવેશન, જવાબદારી, ટેક્નોલોજી અને માનવતાના સંયોજનથી બનશે, ભારત-ફ્રાન્સ મહત્વની ભૂમિકા

- ભારતે માત્ર 10 વર્ષમાં 1.4 અબજ લોકોને ડિજિટલ ઈકોનોમી સાથે જોડીને દુનિયાને ખોટી પાડી : મૈક્રોં

નવી દિલ્હી : એઆઈનું ભવિષ્ય ઈનોવેશન, જવાબદારી, ટેક્નોલોજી અને માનવતાના સંયોજનથી બનશે, જેમાં ભારત અને ફ્રાન્સ મહત્વની ભૂમિકા ભજવશે તેમ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ ગુરુવારે એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં જણાવ્યું હતું. મૈક્રોંએ ભારતની ડિજિટલ સિસ્ટમની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતે એવી ડિજિટલ સિસ્ટમ બનાવી છે, જે દુનિયામાં અન્ય કોઈ દેશે બનાવી નથી. ભારતના ૧૪૦ કરોડ લોકો માટે જિટિલ ઓળખ બનાવાઈ છે. ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ પ્રત્યેક મહિને અંદાજે ૨૦ અબજની લેવડ-દેવડ કરે છે.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ 'નમસ્તે' શબ્દ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે ભારતની ડિજિટલ સિસ્ટમની પ્રશંસા કરતા મુંબઈના એકવેન્ડરનો ઉલ્લેખ કરી ભારતના ડિજિટલ પરિવર્તન અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ એક દાયકા પહેલા બેન્ક એકાઉન્ટ ખોલાવી શકતી નહોતી, તે હવે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ માત્ર એક ટેક્નોલોજીની વાર્તા નથી, પરંતુ આ એક સિવિલાઈઝેશનની વાર્તા છે.

તેમણે કહ્યું કે, ભારતે એવી ડિજિટલ સિસ્ટમ બનાવી છે, જે દુનિયામાં કોઈ દેશે બનાવી નથી. એટલું જ નહીં ભારતે ૫૦ કરોડ  લોકોને ડિજિટલ હેલ્થ આઈડી પણ આપ્યા છે. આ બધાને મેળવીને એક વ્યવસ્થા બની છે. આ એક ખુલ્લી અને જોડાયેલી ડિજિટલ સિસ્ટમ છે અને આ સંમેલનનો મુખ્ય વિષય છે.

ફ્રાન્સના પ્રમુખે ગયા વર્ષે યોજાયેલી પેરિસ એઆઈ એક્શન સમિટનો ઉલ્લેખ કરતા કહ્યું, ફ્રાન્સ અને ભારતે સંયુક્તરૂપે પેરિસમાં એઆઈ એક્શન સમિટ યોજી હતી, જેમાં અમે એવી ટેક્નોલોજી માટે એક વૈશ્વિક માર્ગદર્શક સિદ્ધાંત નિર્ધારિત કર્યા હતા, જે આપણા સમાજો અને અર્થતંત્રોને બદલી નાંખશે. અમારું માનવું છે કે એઆઈ માનવતાને ઝડપથી ઈનોવેટ કરવા, સ્વાસ્થ્ય સેવા, ઊર્જા, પરિવહન, કૃષિ અને જાહેર સેવાઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં સક્ષમ બનાવશે, જે માનવતાના હિતમાં હશે.

મૈક્રોંએ બાળકો-સગીરોની સુરક્ષા માટે 'ઈચ્છુકોના નવા ગઠબંધન'ની ભલામણ કરી હતી. તેમણે યુરોપને ઈનોવેશન માટે સુરક્ષિત સ્થળ ગણાવ્યું, જ્યાં બાળકોની ઓનલાઈન સુરક્ષા માત્ર નિયમન નહીં સભ્યતાનો ભાગ છે. યુએઈ સાથે રોકાણને બુદ્ધિમાન એકતા ગણાવતા તેમણે કહ્યું કે, જોડાણથી જ આગળ વધી શકાય છે.

અંતે મૈક્રોંએ કહ્યું કે, મેં મુંબઈના સ્ટ્રીટ વેન્ડરની ઘટનાથી શરૂઆત કરી હતી. ૧૦ વર્ષ પહેલા દુનિયાએ ભારતને કહ્યું હતું ૧.૪ અબજ લોકોને ડિજિટલ ઈકોનોમીમાં જોડી શકાય નહીં. ભારતે દુનિયાને ખોટી સાબિત કરી દીધી. આજે કેટલાક લોકો કહે છે કે એઆઈ એવી રમત છે, જે માત્ર મોટા લોકો જ રમી શકે છે. ભારત, ફ્રાન્સ, યુરોપ અને અમારા પાર્ટનર્સ જે અમારી રીતમાં વિશ્વાસ કરે છે તેઓ કંપનીઓ, સરકારો અને રોકાણકારો સાથે મળીને અલગ રીત અપનાવી શકે છે. એઆઈનું ભવિષ્ય એવા લોકો બનાવશે, જે ઈનોવેશન અને જવાબદારી તથા ટેક્નોલોજીને માનવતા સાથે જોડશે.