Get The App

UNમાં પાકિસ્તાનનો ખેલ ખતમ! પહેલીવાર કિર્ગિસ્તાનની એન્ટ્રી, જર્મનીને લાગ્યો મોટો ઝટકો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
UNમાં પાકિસ્તાનનો ખેલ ખતમ! પહેલીવાર કિર્ગિસ્તાનની એન્ટ્રી, જર્મનીને લાગ્યો મોટો ઝટકો 1 - image
(IMAGE - IANS)

UN Security Council Election 2027: સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદમાં એક બહુ મોટો અને મહત્ત્વનો બદલાવ જોવા મળ્યો છે. 3 જૂન, 2026ના રોજ યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ખૂબ જ રસાકસી ભરેલી ચૂંટણીમાં કિર્ગિસ્તાનનો શાનદાર વિજય થયો છે. એશિયા-પેસિફિક ગ્રુપની બેઠક માટે કિર્ગિસ્તાન હવે ભારતની સરહદે આવેલા પાડોશી દેશ પાકિસ્તાનની જગ્યા લેશે. પાકિસ્તાનનો 2 વર્ષનો આ કાર્યકાળ 2026ના અંતમાં સમાપ્ત થઈ રહ્યો છે, જેની સાથે જ યુએનની આ શક્તિશાળી સમિતિમાંથી તેની એક્ઝિટ થઈ ગઈ છે.

કિર્ગિસ્તાને રચ્યો નવો ઇતિહાસ

કિર્ગિસ્તાનનો આ નવો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2027થી શરૂ થઈને 31 ડિસેમ્બર, 2028 સુધી એટલે કે પૂરા 2 વર્ષ માટે ચાલશે. વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયા બાદ, ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કિર્ગિસ્તાનને વિશ્વની સૌથી પાવરફુલ સુરક્ષા પરિષદની ટેબલ પર બેસવાની ઐતિહાસિક તક મળી છે.

પાંચ રાઉન્ડની કડક ટક્કર અને 5 નવા સભ્યો

એશિયા-પેસિફિક સીટ મેળવવા માટે કિર્ગિસ્તાન અને ફિલિપાઇન્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો. પૂરા 4 રાઉન્ડના મતદાન બાદ, કિર્ગિસ્તાને 142 મતોની ભારે બહુમતી સાથે જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને માત્ર 49 મત મળ્યા હતા.

કિર્ગિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો તેમજ ઝિમ્બાબ્વે પણ વર્ષ 2027-2028ના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદના નવા બિન-સ્થાયી સભ્યો તરીકે ચૂંટાયા છે.

કયા 5 દેશોની થઈ રજા?

હાલમાં પાકિસ્તાન સુરક્ષા પરિષદનું બિન-સ્થાયી સભ્ય છે, પણ 2026ના અંતે તેનો કાર્યકાળ પૂરો થતાં જ તેણે પોતાની ખુરશી ખાલી કરવી પડશે. આ ચૂંટણી બાદ પાકિસ્તાન ઉપરાંત ડેનમાર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયા પણ વર્ષ 2026ના અંતમાં પોતાનો સમયગાળો પૂરો કરી રહ્યા છે. આ તમામ 5 દેશોના સ્થાને હવે નવા ચૂંટાયેલા દેશો જવાબદારી સંભાળશે.

શક્તિશાળી જર્મનીને લાગ્યો મોટો ઝટકો

આ ચૂંટણીમાં પશ્ચિમ યુરોપીયન અને અન્ય દેશોના જૂથ (WEOG) તરફથી ઓસ્ટ્રિયા (131 મત) અને પોર્ટુગલે (134 મત) મેળવીને મોટી જીત નોંધાવી છે. બીજી તરફ, આ સીટ માટે સૌથી મજબૂત દાવેદાર ગણાતા જર્મનીને મોટો ફટકો પડ્યો છે. જર્મનીને માત્ર 104 મત મળતાં આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: 2 લાખથી વધુ લોકોએ H-1B વિઝા મેળવવા એક લાખ ડૉલર ચૂકવ્યા, 2.86 લાખ લોકોએ કરી અરજી

શું છે યુએન સુરક્ષા પરિષદ (UNSC)નું ગણિત?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એ UNનું સૌથી પ્રભાવશાળી અંગ છે, જેની મુખ્ય જવાબદારી દુનિયામાં શાંતિ જાળવવાની, સુરક્ષા આપવાની અને યુદ્ધો રોકવાની છે. આ પરિષદમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાંથી 5 સ્થાયી સભ્યો (વીટો પાવર ધરાવતા દેશો - અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) છે. જ્યારે બાકીના 10 બિન-સ્થાયી સભ્યો હોય છે, જેમને યુએન સામાન્ય સભા દ્વારા માત્ર 2 વર્ષના મર્યાદિત સમય માટે જ ચૂંટવામાં આવે છે. વૈશ્વિક સંતુલન જાળવવા માટે દર વર્ષે 5 નવા બિન-સ્થાયી સભ્યોની ચૂંટણી થાય છે.

ભારતનું સ્વાગત અને 2028-29 માટે દાવેદારી

ભારતે આ ચૂંટણીના પરિણામોને ઉષ્માભેર વધાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત હરીશ પર્વથાનેનીએ કિર્ગિસ્તાન સહિત તમામ વિજેતા દેશોને અભિનંદન પાઠવ્યા છે અને ભારતના પુરા સહયોગની ખાતરી આપી છે. ભારત પોતે પણ વર્ષ 2021-22માં સુરક્ષા પરિષદનું બિન-સ્થાયી સભ્ય રહી ચૂક્યું છે અને આગામી વર્ષ 2028-29ના કાર્યકાળ માટે ભારતે પોતાની ઉમેદવારી પહેલેથી જ જાહેર કરી દીધી છે.