Get The App

શાંતિ મંત્રણામાં અશાંતી : વાટાઘાટો જ ના થઇ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
શાંતિ મંત્રણામાં અશાંતી : વાટાઘાટો જ ના થઇ 1 - image

- અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં ઇરાની જહાજનો કબજો લેતા ઇરાન ભડક્યું

- નાકાબંધી મુદ્દે અંતે જિનપિંગની એન્ટ્રી : ચીનના પ્રમુખે સાઉદી ક્રાઉન પ્રીન્સ સલમાન સાથે ચર્ચા કરી, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવ્યો

- અમેરિકાના અનેક જહાજ પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈરાનના જહાજ પર હુમલાનો બદલો લેવાની આઈઆરજીસીની ચેતવણી

ઈસ્લામાબાદ/તેહરાન/બેઈજિંગ : ચીનથી આવતા ઈરાનના તોસ્કા નામના જહાજને અમેરિકાએ ઓમાનની ખાડી પાસે પકડી લીધું હતું. યુદ્ધ દરમિયાન પહેલી વખત એવું બન્યું છે કે ઈરાનના જહાજને અમેરિકાએ પકડયું હોય, તેનાથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકા-ઈરાન વચ્ચે થનારી બીજા તબક્કાની વાટાઘાટો પડી ભાંગી છે. ઈરાને વળતી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમેરિકાને આનો જવાબ મળશે. ચીનથી જતાં જહાજને પકડયું તે બાબતે ચીનના પ્રમુખ જિનપિંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જિનપિંગે પહેલી વખત હોર્મુઝની ખાડી ખોલવા બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા પ્રમાણે હોર્મુઝની ખાડીના રસ્તે થતો વેપાર પૂર્વવત થવો જોઈએ. જિનપિંગે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોનમાં વાત કરી હતી.

અમેરિકા-ઈરાન વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ છે અને બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પાકિસ્તાનમાં થયેલી પહેલા તબક્કાની વાટાઘાટો પડી ભાંગી હતી એ પછી બીજા તબક્કાની વાટાઘાટો માટે પાકિસ્તાને પ્રયાસો આદર્યા હતા, પરંતુ આ બંને દેશો વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો કરાવવામાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડયો છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઈસ્લામાબાદમાં આવવા તૈયાર હતું અને અધિકારીઓનો એક કાફલો તો પાકિસ્તાનમાં આવી ચૂક્યો હતો, પરંતુ ઈરાને અમેરિકા પર ભરોસો કરવાનો ઈનકાર કરી દીધો હતો અને વાટાઘાટો માટે ઈસ્લામાબાદ આવવાની અનિચ્છા જાહેર કરી હતી. શાંતિદૂત બનવા નીકળેલા પાકિસ્તાનની હાલત સેન્ડવિચ બનવા જેવી થઈ ગઈ હતી. કારણ કે પાકિસ્તાન ઈરાનને પ્રતિનિધિ મંડળ મોકલવા મનાવી શક્યું ન હતું. બીજી તરફ ટ્રમ્પ સતત પાકિસ્તાન પર વાટાઘાટો કરવા દબાણ કરતા રહ્યા હતા. પાકિસ્તાનના આર્મી વડા આસિમ મુનિરે ટ્રમ્પ સાથે વાત કરીને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં અમેરિકાએ ઘેરાબંધી કરી હોવાથી વાટાઘાટો શક્ય બનતી નથી. ઈરાન એને મોટો અવરોધ માને છે. જવાબમાં ટ્રમ્પને ઉદ્ધતાઈથી કહ્યું હતું કે તમારી સલાહની જરૂર પડશે ત્યારે હું વિચારીશ. ઈરાનનું જહાજ અમેરિકાએ કબજે લીધું એ વાટાઘાટો પડી ભાંગવા માટે સૌથી મહત્ત્વની ઘટના હતી. ઈરાનનું તોસ્કા નામનું જહાજ કબજે કર્યાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ કહ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું, અમારી નાકાબંધીને તોડવાની કોશિશ કરતાં ઈરાનના જહાજને ઓમાનની ખાડીમાં પકડી લેવામાં આવ્યું. અમેરિકન નેવીએ પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જહાજને કબજે કરે છે એ બતાવાયું છે. ઈરાનની નેવી પણ તે વખતે આસપાસ હતી. ઈરાનની નેવીએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે અમે અમેરિકન નેવીને એમવી તોસ્કા પર ફાઈરિંગ કરતાં જોઈ, પરંતુ અમે એક ગોળી ન ચલાવી. આ લડાઈ ખૂની ન થઈ જાય અને જહાજમાં હાજર સ્ટાફનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે અમે અમેરિકાને તે વખતે જવાબ આપ્યો નહીં.

આ ઘટના બાદ ચીને પણ એનો વિરોધ કર્યો હતો. ચીનના પ્રમુખ જિનપિંગે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોનમાં વાત કરીને હોર્મુઝની ખાડીને વેપારી જહાજો માટે ખોલવાની વાત ભારપૂર્વક જણાવી હતી. હોર્મુઝની ખાડી ખોલવા બાબતે જિનપિંગનું પહેલી વખત નિવેદન આવ્યું હતું. જિનપિંગે કહ્યું હતું કે હોર્મુઝની ખાડી બંધ રહેવાથી આખી દુનિયામાં ઉર્જા કટોકટી સર્જાઈ ગઈ છે. જરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો દુનિયાએ કરવો પડે તેમ છે. અસંખ્ય દેશોનો વેપાર હોર્મુઝના રસ્તે થતો હોવાથી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપારના કાયદાનું પાલન કરીને આ ખાડી ખોલી દેવી જોઈએ. તેના પર ઘેરાબંધી કરવાનું કાયદાની વિરૂદ્ધ છે. જિનપિંગે સાઉદીના ક્રાઉન પ્રિન્સને કહ્યું હતું કે ચીન તુરંત સીઝફાયર અને વાટાઘાટોના સમર્થનમાં છે. પ્રાદેશિક શાંતિ માટે દેશોએ પહેલ કરવી જોઈએ. ઈરાન-અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગતા ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ભડકો થયો છે. સોમવારે બજારો ખૂલતાની સાથે જ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ૩૦ ટકા જેવો વધારો જોવા મળ્યો હતો.

ઈરાને અમેરિકા સાથે અત્યારે કોઈ પણ પ્રકારની વાટાઘાટો માટે ઈનકાર કરી દીધો હતો. ઈરાનને પાકિસ્તાનની મધ્યસ્થીમાં ખાસ ભરોસો નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કોઈ મજબૂત મધ્યસ્થી વગર આ રોકી શકાય તેમ નથી. અમે અમારા પર થયેલા ખતરનાક હુમલા ભૂલી શક્યા નથી. અમે અમેરિકાને જહાજ રોકવાનો જવાબ આપીશું. આ એક પ્રકારની ગુંડાગીરી છે અને અમે તે ચલાવી લઈશું નહીં. બદલો લઈને જ ઝંપીશું. બીજી તરફ ઈરાનના હેલ્થ મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે અમેરિકાના હુમલામાં ૩૮૩ બાળકો, ૪૯૬ મહિલાઓ સહિત કુલ ૩૩૭૫ નાગરિકોના મોત થયા છે. ઈરાન આ મોતનો બદલો લેશે.

ખાડી દેશોએ સુરક્ષા માટે કરોડો ડોલર ખર્ચ્યા

અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ થાડ સરિયામ નાકામ

નવી દિલ્હી : ટર્મિનલ હાઈ એલ્ટિટયૂટ એરિયા ડિફેન્સ એટલે કે થાડ નામની અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મિડલ ઈસ્ટમાં તૈનાત છે. લોકહીડ માર્ટિને બનાવેલી આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો અમેરિકાને ખૂબ પ્રચાર કર્યો હતો તેના કારણે ઘણાં ખાડી દેશોએ આ સિસ્ટમ ખરીદી છે. અમેરિકાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડથી બનાવેલી આ ડિફેન્સ સિસ્ટમ વેચવા માટે ૨૦૨૫માં પણ સાઉદી સાથે કરાર કર્યો હતો. જોકે, આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સરિયામ નિષ્ફળ નીવડી છે. ઈરાને ૪૦૦થી વધારે બેલિસ્ટિક મિસાઈલ અને ૧૦૦૦ જેટલા ડ્રોન્સથી હુમલો કર્યો હતો, પરંતુ થાડ આ હુમલાને અટકાવી શકી નહીં. બહેરિન, કુવૈત, કતર, સાઉદી, ઓમાન, યુએઈ વગેરે કેટલાય સ્થળોએ ઈરાને હુમલા કર્યા એમાંથી ઘણા લશ્કરી મથકો પર થાડ તૈનાત છે. સાઉદીમાં પ્રિન્સ સુલતાન એરબેઝ પર થાડ તૈનાત હતી. ઈરાનના હુમલામાં એ થાડ સિસ્ટમ જ કાટમાળમાં ફેરવાઈ ગઈ. યુએઈમાં અલ રૂવેસ પાસે પણ થાડ તૈનાત હતી તો એની હાલત લગભગ એવી જ થઈ ગઈ. અમેરિકા સાથે છેલ્લાં એક-બે વર્ષમાં જે દેશોએ થાડ ખરીદવા કરારો કર્યા તેમની હાલત પણ કફોડી થઈ ગઈ છે. આ સિસ્ટમ ખરીદવી કે સોદો રદ્ કરવો તે મુદ્દે ભારે મુંઝવણ છે.

રિવોલ્યૂશનરી ગાર્ડના વડાના હાથમાં વાટાઘાટોનો પાવર

અમેરિકન થિંક ટેંક ઈન્સ્ટિટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોરના એક અહેવાલમાં દાવો થયો કે યુદ્ધ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પનો પ્રભાવ બેહદ વધ્યો છે. તેના વડા મેજર જનરલ અહેમદ વાહિદી ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનીને ઉભરી આવ્યા છે. લશ્કરી રીતે જ નહીં, પરંતુ ઈરાનની કૂટનીતિમાં પણ તેનો રોલ મહત્ત્વનો બન્યો છે. વાટાઘાટોનો સંપૂર્ણ અંકુશ આ લશ્કરી અધિકારીના દોરી સંચારથી જ ચાલી રહ્યો છે.

અમેરિકન નેવીના નાકે દમ લાવનારું ઈરાનનું મારકણું મોસ્કિટો નૌકાદળ 

નવી દિલ્હી : ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્સનું મોસ્કિટો નૌકાદળ અમેરિકાને ભારે પડયું છે. ઈરાને હોર્મુઝની ખાડીમાં નાનકડી પણ ઝડપી અને ઘાતક મારક ક્ષમતા ધરાવતી નૌકાઓ તૈનાત કરી છે. આ નૌકામાંથી મિસાઈલ અને ડ્રોન હુમલા થઈ શકે છે. આ નૌકાઓની મદદથી જ ઈરાને આખો રસ્તો રોકી રાખ્યો છે. ઈરાને આ નૌકાઓને મોસ્કિટો ફ્લીટ નામ આપ્યું છે. અમેરિકન મીડિયાએ પણ આ મોસ્કિટો ફ્લીટની ક્ષમતાની નોંધ લીધી હતી. અમેરિકા-ઈઝરાયલના ઘણાં યુદ્ધજહાજોને આ નાનકડી નૌકાઓએ ભારે નુકસાન પહોંચાડયું છે. દાવો તો એવોય થાય છે કે મોસ્કિટો ફ્લીટની મદદથી અમેરિકા-ઈઝરાયલના ઘણાં યુદ્ધજહાજોને ગલ્ફની ખાડીમાં જળસમાધિ આપી દેવાઈ છે. આ નૌકાઓ પાસે ઈરાન હિટ એન્ડ રનની રણનીતિથી કામ કરાવે છે. એ અમેરિકા-ઈઝરાયલ અને તેના સાથી દેશોના લશ્કરી મથકો, નૌકાદળો પર ત્રાટકે છે અને મિસાઈલો-ડ્રોન હુમલા કરીને ઝડપથી પાછી વળી જાય છે. આ મોસ્કિટો ફ્લીટ એ ઈરાનનું શેડો નૌકાદળ છે. ઈરાન પાસે રેગ્યુલર નૌકાદળ પણ છે, પરંતુ તેને યુદ્ધમાં ભારે નુકસાન પહોંચ્યું હોવાથી હવે મોરચો રિવોલ્યૂશનરી ગાર્ડની આ નૌકાઓએ સંભાળ્યો છે.