World

'વહેલી તકે અમેરિકા પાછા નહીં ફરે તો...', ટ્રમ્પ સરકારના એક આદેશથી વિદ્યાર્થીઓમાં ફફડાટ

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર નવી વિઝા નીતિનું જોખમ તોળાઈ રહ્યું છે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ 15 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ કરશે, જે મુજબ F-1 વિઝાધારકો અને એક્સચેન્જ મુલાકાતીઓને મહત્તમ 4 વર્ષ માટે પ્રવેશ મળશે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને 15 સપ્ટેમ્બર પહેલા પાછા ફરવા તાકીદ કરી છે, અન્યથા તેમને નવા નિયમોનો સામનો કરવો પડશે. આ નીતિથી લાંબા ગાળાના અભ્યાસક્રમો કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વહેલી તકે અમેરિકા પાછા નહીં ફરે તો...', ટ્રમ્પ સરકારના એક આદેશથી વિદ્યાર્થીઓમાં ફફડાટ

વતન ગયેલા વિદ્યાર્થી-એક્સચેન્જ વિઝાધારકો પર જોખમ
નવા નિયમ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ચાર વર્ષથી ઓછા સમયના કોર્સમાં જ પ્રવેશ મેળવી શકશે

USA Students news : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ શૈક્ષણિક વેકેશનના હાલના સમયમાં પોતાના વતન ગયા હોય તેમને વર્તમાન ઈમિગ્રેશન માળખાનો લાભ લેવા 15 સપ્ટેમ્બર પહેલા પાછા ફરવાની તેમની યુનિવર્સિટીઓએ તાકીદ કરી છે. તેમને જણાવાયું છે કે તેઓ આ સમયમાં અમેરિકા પાછા નહીં ફરે તો તેમણે નવી વિઝા નીતિના નિયમોનો સામનો કરવાનો રહેશે. અમેરિકાનો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ લાંબો સમયથી અમલમાં રહેલા ડયુરેશન ઓફ સ્ટે સીસ્ટમના સ્થાને નવો ઈમિગ્રેશન નિયમ 15 સપ્ટેમ્બરથી લાગુ કરશે.

અમેરિકામાં 15સપ્ટેમ્બરથી અમલમાં આવનારા નિયમ હેઠળ એફ-1 વિદ્યાર્થી વિઝા ધારકો, જે-1 એક્સચેન્જ મુલાકાતીઓ અને અમુક અન્ય વિઝા કક્ષાને સામાન્યપણે મહત્તમ ચાર વર્ષ માટે પ્રવેશ આપવામાં આવશે. નવા નિયમ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ચાર વર્ષથી વધુ ન હોય તેવા ચોક્કસ સમય મર્યાદા માટે જ એડમિશન મેળવી શકશે.

અભ્યાસ પૂરો થયા પછી ગ્રેસ મુદ્દત 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવશે જ્યારે વિસ્તરણ માગી રહેલા વિદ્યાર્થીઓએ અમેરિકી નાગરિક અને ઈમિગ્રેશન સેવા પાસેથી ફોર્મ આઈ-539 હેઠળ મંજૂરી મેળવવી પડશે. કોલંબિયા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ગૂંચવણ ટાળવા વર્ગો શરૂ થાય તે પહેલા જ પાછા ફરવાની તાકીદ કરી છે.

વર્તમાન ડી-એસ સીસ્ટમ હેઠળ 15 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં પહેલેથી રહેલા વિદ્યાર્થીઓ તેમનો પ્રોગ્રામ ચાલુ હોય ત્યાં સુધી અથવા વૈકલ્પિક પ્રેક્ટિકલ તાલીમ પૂરી થાય ત્યાં સુધી રહી શકશે. જો કે આ સંરક્ષણ એકંદર ચાર વર્ષની મર્યાદાને આધીન રહેશે અને 14નવેમ્બર, 2030 પછી લંબાવી નહિ શકાય.

આ વિઝા નીતિએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં વ્યાપક ચિંતા ફેલાવી છે, ખાસ કરીને લાંબા ગાળાના અભ્યાસક્રમો કરતા ભારતીય વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાયા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ચાર વર્ષની મર્યાદા અનેક ડીગ્રી પ્રોગ્રામ સાથે સુસંગત નથી, ખાસ કરીને પીએચડી, મેડિકલ અને રિસર્ચ ફેલોશીપ ચાર વર્ષથી વધુની હોય છે.

ધી ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ડાયોસ્પોરા સ્ટડીઝે દલીલ કરી છે કે આ નિયમ સંશોધનને વિક્ષેપિત કરી શકે છે, સ્નાતકમાં વિલંબ કરી શકે છે, ફેકલ્ટીની નીમણૂંક નબળી પડી શકે છે અને પ્રતિભાશાળી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સંશોધકોને અન્ય દેશો તરફ ધકેલીને અમેરિકાની વૈશ્વિક સ્પર્ધાત્મકતા ઘટાડી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.