Get The App

યુએઈ ઓપેક જૂથ છોડશે, ભારતને લાભની સંભાવના

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
યુએઈ ઓપેક જૂથ છોડશે, ભારતને લાભની સંભાવના 1 - image

- હોર્મુઝની ખાડી પર નાકાબંધી વચ્ચે ઓપેક જૂથમાં ભંગાણ

- ઓપેકમાં સાઉદી સાથે આર્થિક અને નીતિને લગતા સંઘર્ષ વચ્ચે યુએઈએ 2027 સુધીમાં ઓઈલ ઉત્પાદન દૈનિક 50 લાખ બેરલ જેટલું વધારવા સંગઠન છોડયું

દુબઈ : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ ૧ મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જોકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામ-સામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, યુએઈ ૧૯૬૭થી ઓપેક અને ઓપેક પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે. ઓપેક અને ઓપેક પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજીબાજુ યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું.  યુએઈ હાલમાં દૈનિક ૨.૯ મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક ૪.૮૫ મિલિયન બૈરલની છે તથા યુએઈનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે.  આ સિવાય ઓપેક માત્ર ડોલરમાં જ ઓઈલના સોદા કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર થઈ શકે છે. યુએઈએ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.

યુએઈના ઓપેકમાં નિકળવાથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. ભારત લગભગ ૮૫ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે. યુએઈ ઓપેકની ક્વોટા સિસ્ટમમાંથી બહાર થઈને ઓઈલ ઉત્પાદન વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે. તેનાથી ભારતને પણ આયાતી ઓઈલ સસ્તુ મળી શકે છે.

દુનિયામાં ઓઈલ ઉત્પાદન પર ઓપેક જૂથનું નિયંત્રણ

ઓપેક જૂથમાંથી યુએઈની વિદાય પ્રમુખ ટ્રમ્પની મોટી જીત

વોશિંગ્ટન : ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઈલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઈલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઈલના ભાવ સાથે જોડયું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઈલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.

પ્રાદેશિક પ્રભુત્વ માટે સાઉદી અને યુએઈ વચ્ચે સૈન્ય સંઘર્ષ

દુબઈ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું.  આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.