- એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ સાથે બંનેને નજીકના સંબંધો હોવાના અહેવાલો
- ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી પર સવાણી ગ્રુપ નામની કંપની બનાવીને વિઝા ઉપરાંત હેલ્થકેર ફ્રોડ, મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનું કૌભાંડ આચરવાનો આરોપ
- સવાણી ગ્રુપમાં કામ આપવાના નામે વિઝા મંજૂર કરાવીને ભારતીય સહિત વિદેશી નાગરિકોનું આર્થિક શોષણ કરતા હતા
- મેડિકલ પૉલિસીના ખોટા બિલ બનાવીને કરોડોની છેતરપિંડી કરી
ન્યૂયોર્ક : ગુજરાતી મૂળના બે ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણીને અમેરિકામાં વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ વગેરેના આરોપમાં ૪૦૦ વર્ષની સજા થઈ શકે છે. કેટલાય રાજ્યોમાં આ બંને ભાઈઓએ કૌભાંડ આચર્યું હતું. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ સાથે ઘરોબો હોય એમ તેમની સાથેના ફોટો સોશિયલ મીડિયામાં શેર પણ કર્યા હતા. એ પોસ્ટ પણ ચર્ચાસ્પદ બની હતી. ૨૦૨૩થી આ આરોપો લાગ્યા હતા અને કોર્ટમાં કેસ ચાલતો હતો. અમેરિકાના એટર્ની ઓફિસમાંથી કહેવાયું હતું કે તેમને આકરી સજા થઈ શકે છે.
ભાસ્કર સવાણીની વય ૬૦ વર્ષ છે અને અરૂણ સવાણી ૫૮ વર્ષના છે. બંને પર એચ-૧વિઝા છેતરપિંડી, હેલ્થકેર છેતરપિંડી, મની લોન્ડરિંગ અને કરચોરી સહિત અનેક પ્રકારના કૌભાંડનો આરોપ સાબિત થયો છે. પીડિતોના કહેવા પ્રમાણે આ ભાઈઓએ સવાણી ગ્રુપ નામની કંપની બનાવી હતી. આ કંપનીના નેટવર્ક હેઠળ કરોડો ડોલરની છેતરપિંડી કરી હતી.
ભાસ્કર સવાણી વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તબીબી સંબંધિત છેતરપિંડી આચરવાનો તેના પર આરોપ સાબિત થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બંને ભાઈઓએ તેમની કંપનીઓ અને તેમની અન્ય સંસ્થાઓના માધ્યમથી છેતરપિંડી કરી હતી. યુએસ એટર્ની ઓફિસના કહેવા પ્રમાણે આ ગુનાઈત પ્રવૃત્તિ લાબાં સમયથી ચાલતી હતી અને તનો વ્યાપ ઘણાં રાજ્યોમાં હતો.
રસપ્રદ વાત એ છે કે તપાસ ચાલતી હોવા છતાં અને પછી ૨૦૨૩માં આરોપ મૂકવામાં આવ્યા હોવા છતાં, ભાઈઓએ એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલને મળવા વિશે સોશિયલ મીડિયા પર જાહેરમાં પોસ્ટ કરી હતી અને તેમની નિમણૂકની ઉજવણી કરી હતી.
ભાસ્કર સવાણીને કાયદાકીય રીતે ૪૨૦ વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે જ્યારે અરુણ સવાણીને કાયદાકીય રીતે મહત્તમ ૪૧૫ વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ બંનેના સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેને ૪૦ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. બંને ભાઈઓને આવતા જુલાઈ મહિનામાં સજા સંભળાવવામાં આવશે.


