- ઇરાનના નાગરિકોને સમર્થન આપો : ક્રાઉન પ્રિન્સની વિશ્વને વિનંતી
- ગ્લોબલ ડે ઓફ એક્શન રેલીમાં સામેલ થવા ટોરોન્ટોમાં ૩.૫ લાખથી વધુ લોકો એકઠા થયા હતા
- પ્રદર્શનકારીઓએ લાલ ટોપી પહેરીને મેક ઇરાન ગ્રેટ અગેનના સુત્રોચ્ચાર કરીને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટીખળ કરી
૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ પૂર્વે ઇરાનમાં લીલો, સફેદ અને લાલ રંગનો સિંહવાળો ઝંડો બહુ જ પ્રખ્યાત હતો, આ ઝંડાની સાથે જર્મનીના મ્યુનિકમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. જ્યારે કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં પણ ૩.૫ લાખથી વધુ લોકો એકઠા થયા હતા, તેઓ ગ્લોબલ ડે ઓફ એક્શન રેલીના ભાગરૂપે સામેલ થયા હતા. જર્મનીના મ્યુનિકની રેલીમાં પ્રદર્શનકારીઓ લાલ ટોપી પર મેક ઇરાન ગ્રેટ અગેન સુત્રો સાથે જોવા મળ્યા હતા, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન મેક અમેરિકા ગ્રેટ અગેનના જવાબમાં ટ્રમ્પના જ અંદાજમાં આ પ્રદર્શન કર્યું હતું. કેટલાક લોકો આ રેલીમાં ઇરાનના પ્રિન્સ પહલવીને કિંગ ગણાવતા પોસ્ટરો સાથે આવ્યા હતા. લોકોએ પહલવી ફોર ઇરાન અને ડોમેક્રેસી ફોર ઇરાનના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
સાયપ્રસમાં નિકોસિયામાં ૫૦૦થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને રાષ્ટ્રપતિના પેલેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇરાનમાં ત્રણ મહિનાથી લોકો ઇસ્લામિક શાસન સામે આંદોલન ચલાવી રહ્યા છે. જેને કચડી નાખવા માટે સત્તાધીશો દ્વારા હિંસક બળપ્રયોગ થઇ રહ્યો છે. અમેરિકાની હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે ગયા મહિને જ ઇરાનમાં આંદોલન કરી રહેલા સાત હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે જેમાં ૨૧૪ સુરક્ષાકર્મીઓ જ્યારે અન્ય નાગરિકો છે. જ્યારે ઇરાન સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકો માર્યા ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે જિનેવામાં ઇરાન અને અમેરિકાની વચ્ચે પરમાણુ મુદ્દે આગામી સપ્તાહે ફરી બેઠક યોજાવા જઇ રહી છે. પ્રથમ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો કરારો માટે સંમત નહીં થાય તો ઇરાનને ભારે પડશે.


