ટ્વીટ કરવાથી હોર્મુઝ પર અમેરિકાનો કબજો નહીં થઈ જાય, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને બાંયો ચડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Strait US Iran Conflict : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને લઈને મધ્ય પૂર્વમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને હરાવ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનું ક્ષેત્ર જાહેર કરવાના દાવા સામે ઈરાને ખૂબ જ આક્રમક પ્રતિક્રિયા આપી છે. ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાજેમ ગરીબાબાદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હોર્મુઝને ન તો કોઈ ટ્વીટ દ્વારા કબજામાં લઈ શકાય છે અને ન તો કોઈ સૈન્ય આદેશ કે ચૂંટણી ભાષણ દ્વારા. તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે ઈરાન ધમકીઓથી ડરનાર નથી અને આ જળમાર્ગ હંમેશાં ઈરાનનો જ રહેશે.
'હોર્મુઝને ખોલવાનો કે બંધ રાખવાનો નિર્ણય માત્ર ઈરાનના હાથમાં'
ઈરાની ઉપ વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાએ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કારણ કે આ સંઘર્ષમાં અમેરિકાને પહેલેથી જ વ્યૂહાત્મક અને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. તેમના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટને બંધ રાખવા કે ખોલવાનો નિર્ણય માત્ર અને માત્ર ઈરાનના નિયંત્રણ હેઠળ છે. જ્યાં સુધી અમેરિકા ઈરાનની શરતો સ્વીકારતું નથી અને પોતાની હારની વાસ્તવિકતા સ્વીકારતું નથી, ત્યાં સુધી આ જળમાર્ગ પરનો અવરોધ ચાલુ રહેશે. આ નિવેદને વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે કારણ કે હોર્મુઝ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકી એક છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો અને વૈશ્વિક અસર
અગાઉ ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં એક રેલીને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો હતો કે અમેરિકાનું આ જળમાર્ગ પર સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને પોતાના તાબા હેઠળ જાળવી રાખશે. ટ્રમ્પે અમેરિકી નાકાબંધીને 'સ્ટીલની દીવાલ' ગણાવી હતી. જો કે, ઈરાને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. આ વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે અનેક વાણિજ્યિક જહાજોએ પોતાના રૂટ બદલી નાખ્યા છે.









