World

તુલસી ગબાર્ડના ભાઈની ધરપકડ: લાલચ આપીને સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ ગુપ્તચર નિયામક તુલસી ગબાર્ડના ભાઈ બટાર્ટી ગબાર્ડ પર હોનોલુલુમાં બાળકોને લાલચ આપી હોટલ રૂમમાં બોલાવવાના આરોપ લાગ્યા છે. 12 જુલાઈએ વાઇકિકી હોટલના સ્વિમિંગ પૂલ પાસે 55 વર્ષીય બટાર્ટીએ 9 વર્ષના બાળક સહિત અનેક બાળકોને પૈસા અને ચ્યુઇંગમની લાલચ આપી હતી. પોલીસે સેકન્ડ-ડિગ્રી કસ્ટોડિયલ ઇન્ટરફેરન્સનો ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તુલસી ગબાર્ડના ભાઈની ધરપકડ: લાલચ આપીને સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ

Tulsi Gabbard Brother Arrested : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક (National Intelligence Director) તુલસી ગબાર્ડના મોટા ભાઈ બટાર્ટી ગબાર્ડ પર બાળકોને હોટલના રૂમમાં બોલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે બાળકોને પૈસા અને ચ્યુઇંગમની લાલચ આપી હતી. આ મામલામાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોનોલુલુ પોલીસે તેમની સામે બાળકોને હોટલના રૂમમાં બોલાવવાના કથિત પ્રયાસના મામલામાં સેકન્ડ-ડિગ્રી કસ્ટોડિયલ ઇન્ટરફેરન્સ (Second-Degree Custodial Interference)નો ગુનો દાખલ કર્યો છે.

સ્વિમિંગ પૂલ પાસે બાળકોને લાલચ આપી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 12 જુલાઈના રોજ બપોરે આશરે 2 વાગ્યે હવાઈના વાઇકિકી સ્થિત એક હોટલના સ્વિમિંગ પૂલ વિસ્તારમાં બની હતી. આરોપ છે કે, 55 વર્ષીય બટાર્ટી ગબાર્ડે ત્યાં હાજર ઘણા બાળકો સાથે વાતચીત શરૂ કરી હતી. તેમણે બાળકોના નામ પૂછ્યા, તેમને પોતાની નોટબુકમાં લખ્યા અને પછી કથિત રીતે ચ્યુઇંગમ અને પૈસા આપવાની લાલચ આપીને પોતાના હોટલના રૂમમાં આવવા કહ્યું.

એવું જાણવા મળ્યું છે કે બાળકો, જેમાં એક 9 વર્ષનો છોકરો પણ સામેલ હતો, તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ બટાર્ટી ગબાર્ડ ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં એક 42 વર્ષીય મહિલાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી, ત્યારબાદ તપાસ શરૂ થઈ. પોલીસે આને 'સ્ટ્રેન્જર ડેન્જર' એટલે કે, અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળકોને ફોસલાવવા સંબંધિત મામલો ગણાવ્યો છે.

ચોરીના અલગ કેસમાં પણ ધરપકડ થઈ હતી

આ દરમિયાન સ્થાનિક ટીવી ચેનલ KITVના અહેવાલ મુજબ, બટાર્ટી ગબાર્ડની 16 જુલાઈના રોજ એક અલગ ચોરીના મામલામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં ચોરીના આરોપોનો ઇનકાર કર્યો અને પોતાને નિર્દોષ ગણાવ્યા. આ મામલામાં તેમને જામીન મળી ગયા છે, અને આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે. જો કે, બાળકોને કથિત રીતે ફોસલાવવાના મામલામાં હજી સુધી કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરી નથી. હોનોલુલુ પોલીસે પુષ્ટિ કરી છે કે, હાલમાં બટાર્ટી ગબાર્ડ પોલીસ કસ્ટડીમાં નથી.

તુલસી ગબાર્ડના પિતાએ શું કહ્યું?

આ મામલે પ્રતિક્રિયા આપતા તુલસી ગબાર્ડના પિતા અને હવાઈ રાજ્યના સેનેટર માઈક ગબાર્ડે આરોપો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, તેમનો પુત્ર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર લઈ રહ્યો છે. માઈક ગબાર્ડે કહ્યું, 'અમે તેને પ્રેમ કરીએ છીએ. અમે તેને હોસ્પિટલના ડોક્ટરોની સલાહ માનવા કહ્યું છે, અને તેણે તેમ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ, અને અન્યોને પણ આ જ અપીલ કરીએ છીએ.'