World

ઈરાન પર 13 દિવસના બોમ્બમારા બાદ ટ્રમ્પના અચાનક 'બ્રેક'ના આદેશ, શું હથિયારો ખૂટ્યાં?

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર 13 દિવસથી ચાલતા લશ્કરી હુમલાઓ અચાનક રોકી દીધા છે. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં સલાહકારો સાથેની બેઠક બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો. મિસાઇલોના ઘટતા જથ્થા અંગે સેનાની ચેતવણી બાદ ટ્રમ્પે ઈરાન સાથે કરાર કરવાની વાત કરી, પણ ભવિષ્યના હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર 13 દિવસના બોમ્બમારા બાદ ટ્રમ્પના અચાનક 'બ્રેક'ના આદેશ, શું હથિયારો ખૂટ્યાં?

Donald Trump and Iran USA War News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સતત 13 દિવસ સુધી ચાલેલા લશ્કરી હુમલાઓ બાદ અચાનક તમામ નવા હુમલાઓ રોકી દેવાનો સેનાને આદેશ આપ્યો છે. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અને 'એક્સિઓસ'ના અહેવાલો અનુસાર, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટોચના સલાહકારો અને કેબિનેટ સભ્યો સાથે યોજાયેલી મહત્વની બેઠક બાદ ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો હતો. રોજના ક્રમ મુજબ શુક્રવારે પણ લશ્કરે હુમલાનું નવું પ્લાનિંગ રજૂ કર્યું હતું, પરંતુ ટ્રમ્પે તેને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

મિસાઈલો ખાલી થવાની લશ્કરી અધિકારીઓની ગંભીર ચેતવણી

ટ્રમ્પના આ નિર્ણય પાછળ અમેરિકન સેનાની મહત્વની ચેતવણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેન અને અન્ય લશ્કરી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો ઈરાન સામે આ જ રીતે મોટો મોરચો ચાલુ રાખવામાં આવશે, તો મધ્ય-પૂર્વ (Middle-East) માં તૈનાત અમેરિકન સેના પાસે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને એર ડિફેન્સ શસ્ત્રોનો જથ્થો ખતરનાક સ્તરે ઘટી જશે. આનાથી ત્યાં તૈનાત અમેરિકન સૈનિકો અને મિત્ર દેશોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

"કરાર કરવો એ જ સમજદારી": ટ્રમ્પનું વલણ બદલાયું

લશ્કરી કાર્યવાહી અટકાવ્યા બાદ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "અમેરિકા પાસે ઈરાન પર ફરીથી ગમે ત્યારે ત્રાટકવાનો અને તેની તમામ સંપત્તિઓ નષ્ટ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે, પરંતુ મારી નજરમાં લશ્કરી તાકાત બતાવવા કરતાં ઈરાન સાથે સમજદારીપૂર્વકનો કરાર કરવો એ વધુ યોગ્ય વ્યૂહરચના છે." તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા અત્યારે ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને ઈરાન પણ આ સંવાદને લઈને ગંભીર બની રહ્યું છે.

ઈઝરાયલ હાઈ એલર્ટ પર, ભવિષ્યના હુમલાનો વિકલ્પ ખુલ્લો

અમેરિકાના આ અચાનક નિર્ણય પહેલાં ઈઝરાયલ અત્યંત હાઈ એલર્ટ પર હતું, કારણ કે તેમને ભય હતો કે જો અમેરિકા વધુ એક હુમલો કરશે તો ઈરાન વળતો પ્રહાર ઈઝરાયલ પર કરી શકે છે. હાલ પૂરતો આ નિર્ણય અસ્થાયી છે કે લાંબા ગાળાનો તે સ્પષ્ટ નથી, પરંતુ અમેરિકન સેનાએ ટૂંક સમયમાં ફરી હુમલા શરૂ કરવાની યોજનાઓ તૈયાર રાખી છે. વ્હાઇટ હાઉસે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.