- ઇરાન સાથેના શાંતિ કરારથી અમેરિકન ખેડૂતોને ફાયદો
- પેન્ટાગોને ઇરાનના યુદ્ધના ખર્ચાને પહોંચી વળવા માટે સેનેટ પાસેથી 80 અબજ ડોલરની માંગ કરી
- શાંતિ સ્થપાતા હોર્મુઝમાં એક રાતમાં 1.9 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ પસાર થયાનો અમેરિકન પ્રમુખનો દાવો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન સાથે શાંતિ મંત્રણાથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે ઇરાનના છૂટા કરવામાં આવેલા નાણાનો ઉપયોગ અમેરિકામાં ઉગેલી મકાઈ, સોયાબીન અને ઘઉં ખરીદવા કરવામાં આવશે. તેની સાથે ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝમાંથી છેલ્લી એક રાતમાંથી ૧.૯ કરોડ બેરલ ઓઇલ પસાર થયું હતું, જે યુદ્ધ પછી સૌથી વધારે છે.
જો કે ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટયુટના રિસર્ચ ફેલો ગ્લોબરની નોંધ છે કે ટ્રમ્પ માને છે તેવું શક્ય નથી. ઇરાન અમેરિકા માટે તેના બીજા વેપાર ભાગીદારોને છોડી ન શકે. ઇરાનના અગ્રણી સપ્લાયરમાં ભારત, બ્રાઝિલ, તુર્કી, યુરોપીયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના છે. ટ્રમ્પની માંગ છે કે અમેરિકા દ્વારા ઇરાનને આ રીતે ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે તો બીજા નહીં ચલાવી લે.
ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને ખતમ કરવામાં ઇરાન દ્વારા બતાવવામાં આવનારું સન્માન ઘણી મહત્ત્વની બાબત હશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હોર્મુઝની ખાડી સંપૂર્ણ ખુલ્લી થતાં ઓઇલનો પ્રવાહ વહેશે. ટ્રમ્પની વાતનું સમર્થન કરતાં હોય તેમ ડેટા એનાલિટિક્સ ફર્મ કેપ્લરે જણાવ્યું હતું કે વીકેન્ડમાં કુલ ૭૧ જહાજ પસાર થયા હતા. તેમા શનિવારે ૩૫ જહાજ પસાર થયા હતા. યુદ્ધ પહેલા હોર્મુઝમાંથી રોજ ૧૩૦થી ૧૯૦ જહાજ પસાર થતાં હતા.હાલમાં માઇન્સ ક્લિયર કરવામાં આવી રહી હોવાથી જહાજો હાલમાં નાના રૂટ પરથી પસાર થઈ રહ્યા છે, જે ઇરાનની જોડેથી પસાર થાય છે. ટ્રમ્પના આ નિવેદનના પગલે બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ૭૩ ડોલરની નીચે ઉતરી ગયા હતા.
પેન્ટાગોને સેનેટરો પાસેથી ૮૦ અબજ ડોલર માંગ્યા છે. મહદઅંશે ઇરાન સાથે થયેલા યુદ્ધના ખર્ચને પહોંચી વળવા જ આ રકમ માંગી છે. આ ઉપરાંત પેન્ટાગોને સંરક્ષણ ખર્ચ પેટે ૧.૫ ટ્રિલિયન ડોલરની માંગ કરી છે, જે ખર્ચામાં ગયા વર્ષ કરતાં ૫૦ ટકાનો નોંધપાત્ર વધારો સૂચવે છે.
ઇરાને સ્વિટ્ઝરલેન્ડમાં મંત્રણા દરમિયાન એક સમયે પરમાણુ નિરીક્ષકો મોકલવાનો ઇન્કાર કર્યો હતો. જો કે ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન હવે તેના માટે તૈયાર છે. હાલમાં તે ઇન્કાર કરે છે તેનું કારણ તે ફક્ત અમેરિકાના વિજયને નાનો બતાવવા માંગે છે. તેમણે કહ્યું કે ઇરાન સંમત થયું ન હોત તો વાતચીત આગળ જ વધી ન હોત.
ઓમાન અને ઇરાને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝના ભવિષ્ય માટે તેઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે વિચાર કરશે. તેની સાથે તેમણે આ મહત્ત્વના માર્ગ પર તેમના સાર્વભૌમત્ત્વ પર પણ ભાર મૂક્યો.તેની સાથે મંત્રણા જારી રાખવા બંને દેશના વિદેશ મંત્રાલય સંમત થયા.
ભારતના 11 જહાજ હોર્મુઝમાંથી નીકળ્યા
નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સ્થપાતા હોર્મુઝમાંથી ૧૧ ભારતીય જહાજ આવવા નીકળી ગયા છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. આ જહાજમાં ભારત આવતા ત્રણ ક્રૂડ ઓઇલ ટેન્કર છે. દરેકમાં ૨.૮૫ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ છે. જ્યારે એક એલપીજી ટેન્કર છે.
એક વિદેશી ક્રૂડ ઓઇલ ટેન્કર છે, છ ફર્ટિલાઇઝર લઈને આવતા વિદેશી બલ્ક કેરિયર છે. અમને આશા છે કે ભારતીય ધ્વજવાળા બાકીના ધ્વજ પણ આગામી દિવસોમાં હોર્મુઝ પસાર કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હોર્મુઝમાંથી પુરવઠાનું આગમન થતાં ભારતને નોંધપાત્ર રાહત મળશે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે ૧.૪૫ અબજ લોકોની ઉર્જા સુરક્ષા દેશની ટોચની અગ્રતા છે.


