Get The App

ટ્રમ્પની દોસ્તી કે દુશ્મની : ભારતની સોલાર પેનલ પર 126 ટકા ટેરિફ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની દોસ્તી કે દુશ્મની : ભારતની સોલાર પેનલ પર 126 ટકા ટેરિફ 1 - image

- અમેરિકા સાથે સોદો કરનારા દેશો જાણે છે કે પ્રમુખ તરીકે મારી કાયદાકીય શક્તિથી તેમને વધુ નુકસાન થશે : ટ્રમ્પ

- ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી, સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડયું : ટ્રમ્પ

- ભારતની સોલાર કંપનીઓનો અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ થશે  

- અમેરિકાની સોલાર કંપનીઓ-સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધશે

વોશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ધૂંધવાયા છે. ટ્રમ્પે દુનિયાના દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખવાની જાહેરાત કર્યા પછી હવે વિવિધ કાયદા હેઠળ અલગ અલગ ટેરિફ નાંખવાની જાહેરાત કરી રહ્યા છે. આ શ્રેણીમાં ટ્રમ્પે બુધવારે ભારતમાંથી સોલાર પેનલોની આયાત પર પ્રારંભિક ૧૨૬ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમણે ઈન્ડોનેશિયા પર ૮૬થી ૧૪૩ ટકા અને લાઓસ પર ૮૧ ટકા ટેરિફ નાંખવાની દરખાસ્ત કરી છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે ધમકી પણ આપી છે કે જે દેશોએ અત્યાર સુધી અમેરિકાને લૂંટયું છે તેવા દેશો હવે તેમને અબજો ડોલર આપી રહ્યા છે અને છતાં આ દેશો ખુશ છે. અમે આ દેશો સાથે સોદા કર્યા અને બધા સોદા પૂરા થઈ ગયા છે. અમેરિકા સાથે સોદો કરનારા દેશો જાણે છે કે સુપ્રીમના ચુકાદા છતાં પ્રમુખ તરીકે મારી પાસે જે સત્તા છે તેનાથી તેમને વધુ નુકસાન થઈ શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારત સાથે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી, જેના પર આગામી મહિને હસ્તાક્ષર થવાના હતા અને એપ્રિલથી તેનો અમલ શરૂ થવાનો હતો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી હવે બંને દેશો વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો અટવાઈ ગઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતમાંથી આયાત થતી સોલાર પેનલો પર ૧૨૬ ટકા ટેરિફ નાંખીને ભારતને મોટો ફટકો આપ્યો છે. 

અમેરિકન વાણિજ્ય વિભાગે કહ્યું કે, ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી છે, જેનાથી તેઓ સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા. એ જ રીતે ઈન્ડોનેશિયા પર ૮૬થી ૧૪૩ ટકા અને લાઓસ પર ૮૧ ટકા ડયુટીની પણ ટ્રમ્પે દરખાસ્ત કરી છે.કેટલાક અમેરિકન સોલાર ઉત્પાદકોએ આ માગ કરી હતી. આ મામલામાં અંતિમ નિર્ણય ૬ જુલાઈ સુધીમાં આવશે.

મીડિયા અહેવાલ મુજબ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની સોલર કંપનીઓનો અમેરિકન બજારમાં પ્રવેશ મુશ્કેલ થઈ જશે. ૨૦૨૪માં ભારતે અમેરિકામાં ૭૯.૨૬ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬,૫૦૦ કરોડ)ના સોલર ઉત્પાદનોની નિકાસ કરી હતી, જે ૨૦૨૨ની સરખામણીમાં ૯ ટકા વધુ હતી. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં પણ વિપરિત અસર થશે. તેનાથી અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ અને સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધી શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ગણાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની વધુ એક વખત આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, જે દેશો દાયકાઓથી આપણને લૂંટી રહ્યા હતા, તે હવે આપણને અબજો ડોલર આપી રહ્યા છે, છતાં આ દેશો હવે ખુશ છે અને આપણે પણ. અમે સોદા કર્યા છે. બધા જ સોદા પૂરા થઈ ગયા છે અને તેઓ ખુશ છે. અમેરિકામાં કોઈ મોંઘવારી નથી, જબરજસ્ત વિકાસ થયો અને સૌથી મોટી વાત એ હતી કે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્રનું યોગ્ય આકલન કર્યું જ્યારે અર્થશાસ્ત્રમાં ૨૨ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રીઓ ખોટા સાબિત થયા છે.

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગેરકાયદે ઠરેલા રેસિપ્રોકલ ટેરિફ પછી દુનિયાના દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. હવે તેમણે કહ્યું કે, સુપ્રીમના ચુકાદા છતાં બધા જ દેશો અને કંપનીઓ અગાઉ કરાયેલા સોદાને જાળવી રાખવા માગે છે. કારણ કે તેઓ જાણે છે કે પ્રમુખ તરીકે મારી પાસે નવો સોદો કરવાની જે કાયદાકીય શક્તિ છે તે તેમના માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

અમેરિકાના નિર્ણય મુદ્દે ભારત દખલ ના કરે તેવી શક્યતા

ટ્રમ્પના ટેરિફથી અદાણી-વારીની સોલાર નિકાસને મોટો ફટકો

- ભારતની સોલાર પેનલની નિકાસ 2022માં 8.4 કરોડ ડોલરથી 2024માં વધીને 79.3 કરોડ થઈ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી સોલાર પેનલ પર ૧૨૬ ટકા જેટલો જંગી ટેરિફ નાંખતા અદાણી ગૂ્રપની મુંદ્રા સોલાર એનર્જી લિ. અને મુંદ્રા સોલાર પ્રા. લિ. અને વારી એનર્જીસ સહિત ભારતીય નિકાસકારોને મોટો ફટકો પડશે. જોકે, ભારત સાથે વેપાર કરાર હેઠળ સંબંધો સુધારવાની વાતો કરતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અચાનક જ અન્ય કોઈ ઉત્પાદનો નહીં અને સોલાર પેનલ પર જ જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કેમ કરી તે ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજીબાજુ સરકારી સૂત્રો મુજબ અમેરિકન સરકારના આ નિર્ણય મુદ્દે ભારતીય સોલાર નિકાસકારો તરફથી ભારત સરકાર કોઈ દખલ નહીં કરે તેવી શક્યતા છે. ભારતીય સોલાર પેનલ અને સેલ ઉત્પાદકોને મોદી સરકાર તરફથી જંગી સબસિડી મળતી હોવાનો દાવો કરીને ટ્રમ્પ સરકારે મંગળવારે સોલાર પેનલ અને સેલના ઉત્પાદનોની અમેરિકામાં આયાત પર કાઉન્ટરવેલિંગ ડયુટી (સીવીડી) નાંખવાની જાહેરાત કરી હતી. સત્તાવાર આંકડા મુજબ ભારતીય સોલાર સેલ્સ અને મોડયુલ્સની અમેરિકામાં નિકાસ ૨૦૨૨માં ૨૩.૨ કરોડ વોટથી વધીને ૨૦૨૪માં ૨.૨૯ અબજ વોટ થઈ હતી. એટલે કે અમેરિકામાં નિકાસ ૮.૪ કરોડ ડોલરથી વધીને ૭૯.૩ કરોડ ડોલર થઈ હતી. જોકે, ટ્રમ્પના ટેરિફના કારણે હવે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની આયાત મોંઘી થઈ શકે છે.  અદાણી જૂથની મુંદ્રા સોલાર એનર્જી લિ. અને મુંદ્રા સોલાર પ્રા.લિ. અમેરિકામાં સોલાર પેનલની નિકાસ કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. આ સિવાય વારી એનર્જીસ અને પ્રીમિયર એનર્જીસ પણ સોલારની નિકાસ કરતી ભારતની મહત્વની કંપનીઓ છે.

અમેરિકન કોંગ્રેસને ટ્રમ્પનું 1.48 કલાકનું સંબોધન

અમેરિકામાં ઈન્કમ ટેક્સની જગ્યા ટેરિફે લીધી, વિદેશીઓ નાણાં ચૂકવે છે !

- મારા કાર્યકાળમાં મોંઘવારી અને સરહદ પારથી ઘૂસણખોરીમાં વિક્રમી ઘટાડો આવ્યો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં પહેલી વખત મંગળવારે અમેરિકન કોંગ્રેસમાં વાર્ષિક 'સ્ટેટ ઓફ ધ યુનિયન' સંબોધન કર્યું હતું. અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે ત્યારે ટ્રમ્પે કોંગ્રેસને તેમના સંબોધનમાં ટેરિફને ઈન્કમ ટેક્સનો વિકલ્પ ગણાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, અમેરિકાનું અર્થતંત્ર પહેલાં ક્યારેય આટલી ઝડપથી વૃદ્ધિ પામ્યું નહોતું. ટ્રમ્પે કોંગ્રેસમાં ૧.૪૮ કલાક સુધી ભાષણ આપીને કોંગ્રેસમાં સૌથી લાંબુ ભાષણ આપવાનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત અમેરિકન કોંગ્રેસને સંબોધન કરતા કહ્યું કે, તેમના કાર્યકાળમાં અર્થતંત્ર જબરજસ્ત મજબૂત થયું છે. પહેલા અમેરિકાના અર્થતંત્રને ડેડ કહેવાતું હતું, પરંતુ હવે આપણે સૌથી આગળ છીએ. ટ્રમ્પે ઉમેર્યું કે, તેમણે 'ડ્રિલ, બેબી, ડ્રિલ'નું વચન પૂરું કરતા દેશમાં ક્રૂડ ઓઈલ અને ગેસ ડ્રિલિંગને પ્રોત્સાહન આપ્યું છે. અન્ય દેશો પર ટેરિફ નાંખવાની પ્રમુખ ટ્રમ્પને કોઈ સત્તા નહીં હોવાનું કહેતા સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે ત્યારે ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસમાં ટેરિફને ઈન્કમ ટેક્સનો વિકલ્પ ગણાવ્યો હતો. પ્રમુખ ટ્રમ્પે કહ્યુ ંકે, મારું માનવું છે કે વિદેશીઓ દ્વારા ચૂકવાઈ રહેલા ટેરિફ આપણા દેશમાં ઈન્કમ ટેક્સની આધુનિક સિસ્ટમને ઘણે અંશે સ્થાપિત કરી દેશે, જેનાથી મારા દેશવાસીઓ પરથી મોટો નાણાકીય બોજો ઘટી જશે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમના કાર્યકાળમાં મોંઘવારી પર નિયંત્રણ કરી લેવાયું છે. બાઈડેનના કાર્યકાળમાં મોંઘવારીમાં સૌથી ભયાનક વધારો થયો હતો. તેમના શાસનમાં મોંઘવારી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. વધુમાં ચૂંટણી પછી અમેરિકન શૅર બજારે ૫૩ વખત સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અને તેમની સરકારે પહેલા વર્ષમાં ૧૮ લાખ કરોડ ડોલરથી વધુનું રોકાણ આકર્ષ્યું છે.

ટ્રમ્પે સંબોધનમાં કહ્યું કે, અમેરિકન સરહદો હવે સુરક્ષિત છે અને દુશ્મન ડરેલા છે. આપણી સેના અને પોલીસ પહેલા કરતાં ઘણી વધુ મજબૂત છે અને વૈશ્વિક મંચ પર અમેરિકાને ફરીથી સન્માન મળવા લાગ્યું છે. ટ્રમ્પે ઈમિગ્રેશનનો મુદ્દો ઉઠાવતા દાવો કર્યો કે છેલ્લા એક વર્ષમાં અમેરિકા-મેક્સિકો સરહદ પર જીવલેણ ફેન્ટાનિલની દાણચોરીમાં વિક્રમી ૫૬ ટકાનો ઘટાડો થયો છે. ગેરકાયદે ઈમિગ્રેશન અને ડ્રગ્સની દાણચોરી પર અંકુશ લગાવવાના પ્રયત્નોના પરિણામ મળ્યા છે. તેમણે કહ્યું કે, ચાર વર્ષ સુધી બેરોકટોક સરહદ પાર કર્યા પછી હવે અમેરિકા પાસે દેશના ઈતિહાસની સૌથી મજબૂત અને સુરક્ષિત સરહદ છે. ગયા વર્ષના અંત સુધીમાં મેક્સિકો સાથેની સરહદ પર ગેરકાયદે ઘૂસણખોરી વિક્રમી નીચા સ્તરે પહોંચી ગઈ છે.