| (IMAGE - IANS) |
US troops Middle East deployment: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હાલમાં બેવડી દેખાઈ રહી છે. એક તરફ તેઓ ઈરાન સાથે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા અને યુદ્ધનો અંત લાવવાના સંકેતો આપી રહ્યા છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટમાં સૈન્ય જમાવડો સતત વધારી રહ્યા છે. હજારો સૈનિકો, વિમાનવાહક જહાજો અને સ્પેશિયલ ફોર્સની આ તહેનાતી દર્શાવે છે કે ટ્રમ્પ 'શાંતિ'ની વાતોની આડમાં ઈરાન પર લશ્કરી દબાણ વધારી રહ્યા છે. આ પ્રકારની 'ડબલ ગેમ' પાછળનો મુખ્ય હેતુ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર નમતું જોખવા મજબૂર કરવાનો હોઈ શકે છે, જેથી અમેરિકા પોતાની શરતો મુજબ યુદ્ધનો અંત લાવી શકે.
ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો સાથે અમેરિકાની યુદ્ધની તૈયારી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામેના યુદ્ધમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મિડલ ઈસ્ટમાં હજારો વધારાના સૈનિકો અને અત્યાધુનિક સૈન્ય સંસાધનો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન સાથેની વાતચીતમાં વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે, તો યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. આ રણનીતિના ભાગરૂપે, મંગળવારે 6,000થી વધુ નૌસૈનિકો સાથેનું વિમાનવાહક જહાજ 'USS જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ' અને ત્રણ વિનાશક ડિસ્ટ્રોયર જહાજોને મિડલ ઈસ્ટ તરફ રવાના કરવામાં આવ્યા છે.
અમેરિકાના હજારો સૈનિકોનું મિડલ ઈસ્ટમાં આગમન શરૂ
આ સાથે જ અમેરિકાની શક્તિશાળી '82nd એરબોર્ન ડિવિઝન'ના હજારો સૈનિકોનું પણ આ વિસ્તારમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જોકે આમાંના ઘણા સૈનિકો નિયમિત રોટેશનનો ભાગ છે, પરંતુ લગભગ 1,500 પેરાટ્રૂપર્સને ખાસ વ્યૂહનીતિના ભાગરૂપે ઈમરજન્સીમાં મોકલવામાં આવ્યા છે. આ પેરાટ્રૂપર્સ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુશ્મનના વિસ્તારમાં ઉતરીને મહત્ત્વના એરફિલ્ડ અને જમીની વિસ્તારો કબજે કરવામાં નિષ્ણાત માનવામાં આવે છે. આ ઉપરાંત, કેલિફોર્નિયાથી હજારો મરીન કમાન્ડો પણ આ યુદ્ધમાં જોડાવા માટે રવાના થયા છે.
પાયદળ ઉતારવાના સંકેત
સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાન સામે ગ્રાઉન્ડ ટ્રૂપ્સ(પાયદળ) ઉતારવા અંગેના પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા દુશ્મન સામે કોઈ પણ રીતે હુમલો કરવા તૈયાર છે. બીજી તરફ, લાંબા સમયથી તૈનાત રહેવાને કારણે અમેરિકન સૈન્ય સંસાધનો પર દબાણ વધી રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ 'USS જેરાલ્ડ આર. ફોર્ડ' આગ લાગવાની ઘટના બાદ હાલમાં રિપેરિંગ હેઠળ છે, જે મે મહિનાના અંત સુધીમાં પરત ફરે તેવી શક્યતા છે. અમેરિકન સૈન્ય અધિકારીઓના મતે, આ જહાજની તહેનાતી સમયગાળાના તમામ રૅકોર્ડ તોડી શકે છે.


