World

અમેરિકામાં પ્રમુખપદે તાજપોશી થતાં જ ટ્રમ્પનો તરખાટ

By GS Team
22 Jan 20255 mins read
This article was originally published on 22 Jan 2025
અમેરિકામાં પ્રમુખપદે તાજપોશી થતાં જ ટ્રમ્પનો તરખાટ

- બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો ખુશ નહીં રહી શકે : ટ્રમ્પની ધમકી

- જન્મના આધારે નાગરિકત્વનો કાયદો રદ, લાખો ભારતીયોને અસરની શક્યતા ગેરકાયદે ઘૂસેલા 18,000થી વધુ ભારતીયોની હકાલપટ્ટીની આશંકા

- અમેરિકામાં બર્થ ટુરિઝમ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ઘૂસણખોરી રોકવા માટે નવો કાયદો અત્યંત જરૂરી : ટ્રમ્પ

- પ્રમુખ ટ્રમ્પે 70ના દાયકાનો પ્રખ્યાત ડાન્સ કરતા તલવારથી કેક કાપી

વોશિંગ્ટન ડીસી : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે ૮૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂ કરી દેતાં અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂ કરી દીધું હતું. ટ્રમ્પે આપેલા આદેશોમાં સૌથી મહત્વપૂર્ણ અમેરિકામાં જન્મના આધારે આપમેળે નાગરિકત્વનો અંત લાવી દીધો છે, જેને પગલે વિદેશીઓ વિશેષરૂપે લાખો ભારતીયો પર આ નિર્ણયની ગંભીર અસર થશે જ્યારે ૧૮,૦૦૦થી વધુ ભારતીયોની અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની આશંકા છે. વધુમાં ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સ દેશોને અમેરિકા વિરોધી નીતિના અમલ સામે ધમકી આપી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવાની સાથે વિવાદાસ્પદ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન નાગરિકોને ચૂંટણી સમયે આપેલા વચનો મુજબ ટ્રમ્પે જન્મના આધારે આપમેળે અમેરિકાનું નાગરિકત્વ મળવાના આદેશને બદલી નાંખ્યો છે. આ માટે તેમણે પ્રમુખ તરીકે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કરી નાંખ્યા છે.

ટ્રમ્પના આ આદેશથી લાખો ભારતીયો પર અસર થવાનું સર્જાયું છે. આ આદેશથી વિશેષરૂપે એચ-૧બી વિઝા અથવા ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં છે. આ સાથે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને વર્ષોથી રહેતા ભારતીયો પર પણ અસર પડી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, દક્ષિણ સરહદે બધા જ ગેરકાયદે પ્રવેશ પર તાત્કાલિક અસરથી રોકવામાં આવે છે અને આ સરહદેથી પકડલાયેલા લાખો લોકોને તેમના વતન પરત ધકેલી દેવાની તૈયારી શરૂ કરાશે. બર્થ રાઈટ સિટિઝનશિપ કાયદો રદ કરવાના આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવાયું છે કે ફેડરલ સરકાર અમેરિકાની ધરતી પર જેના માતા-પિતા ગેરકાયદે રીતે દેશમાં ઘૂસ્યા હોય અથવા કાયદાકીય રીતે આવ્યા હોય પરંતુ અસ્થાયી રૂપે રહેતા હોય તેવા માતા-પિતાના સંતાનોને અમેરિકાનું નાગરિકત્વ આપમેળે નહીં આપે.

અમેરિકામાં જન્મેલા બાળકોને ત્યાં સુધી નાગરિક્તા નહીં મળે જ્યાં સુધી તેના માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક, ગ્રીનકાર્ડ ધારક અથવા અમેરિકન સૈન્યનો સભ્ય ના હોય. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકામાં બર્થ ટુરિઝમ અને ગેરકાયદે પ્રવાસીઓની ઘૂસણખોરી રોકવા માટે જન્મના આધારે નાગરિક્તાનો કાયદો દૂર થવો જરૂરી છે.

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને ત્યાં રહેતા અંદાજે ૪૮ લાખથી વધુ ભારતીય અમેરિકન પરિવારોએ જન્મના આધારે નાગરિક્તા કાયદાનો લાભ ઉઠાવ્યો છે. જોકે, ટ્રમ્પના નવા કાયદાથી અમેરિકામાં પરિવારોનું પુનર્મિલન મુશ્કેલ થશે તેમજ અમેરિકાની નાગરિક્તા માટે ત્યાં બાળકને જન્મ આપવો જેવી પ્રવૃત્તિઓ ઘટશે.

પ્રમુખપદના ચૂંટણી પ્રચારમાં અપાયેલા વચનો પૂરા કરવા ટ્રમ્પે સોમવારે વિક્રમની રેકોર્ડમાં  એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે તેમના પહેલાં કાર્યકાળની જેમ બીજા કાર્યકાળમાં પણ આંતરરાષ્ટ્રીય બાબતોમાં 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવી છે. આ સાથે ટ્રમ્પે બ્રિક્સ દેશોને પણ ધમકી આપતા કહ્યું છે કે તેઓ અમેરિકા વિરોધી નીતિઓ અમલમાં લાવવાનો પ્રયત્ન કરશે તો તેમણે પરિણામ ભોગવવા પડશે અને તેઓ ખુશ નહીં રહી શકે. ગયા વર્ષના અંતમાં પણ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકારવા માનવ અધિકાર જૂથોએ તૈયારી શરૂ કરી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા દિવસે જ જન્મના આધારે નાગરિક્તાનો કાયદો રદ કર્યો છે ત્યારે અનેક માનવ અધિકાર જૂથોએ આ આદેશને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી છે. માનવ અધિકાર જૂથોનું કહેવું છે કે અમેરિકન બંધારણના ૧૪મા સંશોધનને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર મારફત બદલી શકાય નહીં. તેથી ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકારાશે. ત્યાર પછી કોર્ટ નક્કી કરશે કે ટ્રમ્પનો આદેશ અમેરિકન બંધારણની દૃષ્ટિએ કાયદેસર છે કે નહીં. અમેરિકન બંધારણનું ૧૪મું સંશોધન જન્મના આધારે નાગરિક્તાનો અધિકાર આપે છે. એટલે કે જે પણ બાળકનો જન્મ અમેરિકામાં થયો હોય તેના માતા-પિતા અમેરિકાના નાગરિક હોય કે ના હોય તેને આપમેળે અમેરિકાનું નાગરિકત્વ મળી જાય છે.

આ કાયદો ૧૮૬૮માં લાગુ થયો હતો અને તેનો આશય અગાઉના ગુલામો અને તેમના પરિવારોને સમાનતાનો અધિકાર આપવાનો હતો.

અમેરિકાની પડોશી દેશો પર ઊંચા ટેરિફ લાદવાની જાહેરાતની અસર

ટ્રમ્પથી 'તારાજી' : રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ : અમેરિકાના નવા વરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડોશી દેશો પર ઊંચા ટેરિફ લાદવાની જાહેરાત તેમજ અમેરિકા ફસ્ટની નીતિ અપનાવવાની હાકલ કરતા ભારત સહિત અન્ય દેશોના અર્થતંત્રને ફટકો પડવા સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી હાથ ધરાયેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા પડતા આજે સેન્સેકસમાં ૧૨૩૫ પોઈન્ટ અને નિફટીમાં ૩૨૦ પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. બજારના કડાકાના પગલે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭ લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું હતું.

આજે કામકાજનો પ્રારંભ પોઝીટીવ ઝોનમાં થયા બાદ અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પથી વિવિધ દેશો પર ટેરીફ લાદવાની ચીમકી અને અમેરિકા ફસ્ટની નીતિ અખત્યાર કરવાની જાહેરાત કર્યાના અહેવાલોથી બજારનું મોરલ ખરડાયું હતું. અને બજાર નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું.

આ ઉપરાંત કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મોટા ભાગની સ્થાનિક કંપનીઓના પરિણામ અપેક્ષાથી નબળા જાહેર થયા છે. તેની પણ બજારના સેન્ટીમેન્ટ પર અસર થવા પામી હતી. ચોમેરથી આવેલ વેચવાના દબાણમાં આજે રિલાયન્સ, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆી બેંક સહિત અન્ય હેવી વેઈટેજ ધરાવતા શેરો ઝડપથી તુટતા બજારની મંદીની ચાલને વેગ સાંપડયો હતો.

ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલના ભારે દબાણે બીએસઈ સેન્સેક્સ ઈન્ટ્રાડે ૬૦૦૦ પોઈન્ટની ઉથલપાથલ બાદ કામકાજના અંતે ૧૨૩૫.૦૮ પોઈન્ટ તુટીને ૭૫૮૩૮.૩૬ની સાત માસની નીચી સપાટીએ ઉતરી આવી બંધ રહ્યો હતો. એનએસઈનો નિફ્ટીએ પણ આજે ઈન્ટ્રાડે ૨૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી જે કામકાજના અંતે ૩૨૦.૧૦ પોઈન્ટ તુટી ૨૩૦૨૪.૬૫ના તળિયે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં આજે ૧૬૦૦ પોઈન્ટની ઉથલપાથલ થઈ હતી.

સેન્સેક્સમાં કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂ. ૭.૫૨ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૨૪.૦૭ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૫૯૨૦ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૩૫૦૦ કરોડની ખરીદી કરી હતી.