World

ટ્રમ્પને જ્ઞાન લાદ્યું : 'વિશ્વ કલ્યાણ' માટે ઈરાન પર હુમલા અટકાવી દીધા

By GS Team
2 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ઈરાન પર બીજા વિશ્વયુદ્ધ જેવા વિનાશક હુમલાની ચેતવણી આપી હતી. જોકે, કલાકોમાં જ ટ્રમ્પ ઈરાન પર હુમલા મુદ્દે ફરી ગયા. તેમણે કહ્યું કે, ખાડી દેશો અને ઈરાનની વિનંતીથી મોટા સૈન્ય હુમલા હાલ રોક્યા છે. ઈરાન હોર્મુઝની ખાડી ખોલવા અને પરમાણુ જોખમનો અંત લાવવા તૈયાર છે, પણ ઈરાને આ દાવા ફગાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને જ્ઞાન લાદ્યું : 'વિશ્વ કલ્યાણ' માટે ઈરાન પર હુમલા અટકાવી દીધા

વોશિંગ્ટન/તહેરાન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ઈરાન પર બીજા વિશ્વ યુદ્ધ જેવા વિનાશક હુમલા કરવાની ચેતવણી આપી હતી. જોકે, ટ્રમ્પ ફરી એક વખત કલાકોમાં જ ઈરાન પર હુમલા મુદ્દે ફરી ગયા. ટ્રમ્પે વિશ્વના કલ્યાણ માટે ઈરાન પર મોટા સૈન્ય હુમલા હાલ અટકાવી દીધા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, ખાડી દેશો અને ઈરાને હુમલા નહીં કરવા વિનંતી કરી હતી. ઈરાન હોર્મુઝની ખાડી તાત્કાલિક ખોલવા અને પરમાણુ જોખમનો અંત લાવવા તૈયાર થઈ ગયું છે. જોકે, ઈરાને હોર્મુઝ મુદ્દે સમજૂતી અંગે ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રાત્રે જાહેરાત કરી હતી કે રવિવારે અમેરિકા બીજા વિશ્વ યુદ્ધ પછી અત્યાર સુધીના સૌથી મોટા અને વિનાશક સૈન્ય અને તાકાત સાથે ઈરાન પર હુમલા કરવા માટે તૈયાર છે. જોકે, રવિવારે સવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ મારફત કહ્યું કે, અમેરિકા ઈરાન પર નવા હુમલા નહીં કરે.
ટ્રમ્પે કહ્યું, અમેરિકા હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતું, પરંતુ અમે ઈરાન અને અન્ય ખાડી દેશોની હુમલા રોકવાની વિનંતીને માન આપ્યું છે, કારણ કે એક સમજૂતીની રૂપરેખા પર સહમતી બની ગઈ છે. ઈરાન તાત્કાલિક હોર્મુઝની ખાડીને તુરંત, સંપૂર્ણપણે અને પૂરી રીતે ખોલવા તથા પરમાણુ જોખમોને સમાપ્ત કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે વધુમાં લખ્યું કે, ખાડી દેશોની વિનંતીના આધારે મેં દુનિયાના ભવિષ્યના લાભ અને સફળ તથા સમૃદ્ધ ઇરાનના અસ્તિત્વ માટે હુમલા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ માટે વહેલી તકે કોઈ સમજૂતી થવી જરૂરી છે. ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં પાંચ મહિનાથી ચાલતા યુદ્ધનો અંત લાવવા શાંતિ સમજૂતી માટે બધા લોકો કામ પર લાગી જાવ અને આ સમજૂતીને પૂરી કરો તેવી પણ હાકલ કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઈઝરાયેલને પણ મનાવી લીધું છે. જોકે, ઈઝરાયેલે આ મુદ્દે કોઈ ટીપ્પણી કરી નથી.
ખાડી દેશોમાં મધ્યસ્થાની ભૂમિકા સાથે સંકળાયેલા પ્રાદેશિક અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પની નવી દરખાસ્ત અમેરિકા અને ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવી શકે છે. સ્થાનિક અધિકારીઓને અગાઉની સમજૂતીમાં અવરોધરૂપ મુદ્દાઓને ઉકેલવા પર કામ કરવા જણાવાયું છે.
બીજીબાજુ ઈરાન પર વિનાશક હુમલાની અમેરિકાની યોજનાથી ગભરાયેલા સાઉદી પ્રિન્સ સલમાને ટ્રમ્પને રાતોરાત કોલ કરીને હુમલા નહીં કરવા વિનંતી કરી હોવાનું મનાય છે. અમેરિકાના હુમલાના વળતા જવાબમાં ઈરાન દ્વારા તેના ઓઈલ એકમો પર હુમલાની સાઉદીને ચિંતા સતાવી રહી છે.
દરમિયાન પશ્ચિમ એશિયામાં હુમલા રોક્યા હોવાના દાવા પર ઈરાનના સંરક્ષણ મંત્રીએ લખ્યું કે, અમને ટ્રમ્પના યુ-ટર્નનું કોઈ આશ્ચર્ય પણ નથી થયું અને અમે નિષ્ક્રિય પણ નથી થયા. સમજૂતી અંગે ટ્રમ્પના દાવા એકદમ વાહિયાત છે. હોર્મુઝ પર સંપૂર્ણપણે ઈરાનનો જ કબજો રહેશે. અમેરિકાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી હોર્મુઝની ખાડી પર અમારા પ્રતિબંધો ચાલુ જ રહેશે. કોમર્શિયલ જહાજોને આઈઆરજીસીની મંજૂરી પછી જ માત્ર નિશ્ચિત માર્ગો પરથી પસાર થવા દેવાશે.
વધુમાં અમેરિકાના વિનાશક હુમલાની ચેતવણીના જવાબમાં ઈરાને સાઉદી અરબ અને યુએઈમાં વધુ તાકાતથી ત્રાટકવાની ધમકી આપી હતી. અમેરિકાના હુમલાના જોખમોને ધ્યાનમાં રાખતા ઈરાન સતત સાવધ છે અને તેને વધુ તાકાતથી જવાબ આપશે તેમ આઈઆરજીસીએ જણાવ્યું હતું.