જોર્ડનમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર મિસાઇલ હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી : 'જો હુમલા ચાલુ રહેશે તો, ઈરાનની ધોળા દિવસે ધોલાઈ કરીશું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Warns Iran : જોર્ડનમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ હુમલાના કલાકો બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકી દળો પર હુમલા ચાલુ રહેશે તો, ઈરાનને અત્યંત આકરો લશ્કરી જવાબ આપવામાં આવશે અને તેની 'બુરી રીતે પિટાઈ' કરવામાં આવશે.
'અમેરિકા કડક જવાબ આપવા માટે તૈયાર'
અમેરિકન ટીવી ન્યૂઝ ચેનલને આપેલા એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકા પોતાના સૈન્ય મથકો અને સંપત્તિઓ પર થયેલા આ સરપ્રાઈઝ એટેકનો જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું, 'અમે તેમના પર સખત પ્રહાર કરીશું. જો ઈરાન હુમલા બંધ નહીં કરે તો, તેની ભારે કિંમત ચૂકવવી પડશે.' ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, જોર્ડનમાં રહેલા સૈનિકો પાસે આવનારી મિસાઈલોથી બચવા માટે માત્ર થોડી જ મિનિટોનો સમય હતો.
કૂટનીતિ માટે હજુ પણ દ્વાર ખુલ્લા
કડક ચેતવણી આપવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે, અમેરિકા હજુ પણ આ સંકટનો ઉકેલ કૂટનીતિક વાટાઘાટો દ્વારા લાવવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેહરાન સાથે સારી વાતચીત પણ ચાલી રહી છે, પરંતુ જો અમેરિકી નાગરિકો કે સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.
જોર્ડનમાં મિસાઈલ હુમલો અને અમેરિકાના વળતા પ્રહાર
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) દ્વારા જોર્ડનમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર કેટલીક બેલેસ્ટિક મિસાઈલો દાગવામાં આવી હતી. જોકે, અમેરિકા અને જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને બેઝ પર પડે તે પહેલાં જ હવામાં તોડી પાડી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.
બીજી તરફ, આ તણાવ વચ્ચે અમેરિકા અને સાઉદી અરેબિયાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઈરાકમાં રહેલા ઈરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણાઓ, શસ્ત્રાગારો અને લોજિસ્ટિક્સ હબ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાકે આ હુમલાઓને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવીને નિંદા કરી છે, જ્યારે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તે સમગ્ર પ્રદેશમાં મોટું યુદ્ધ છેડવા માંગતું નથી.









