'તમે બેઈમાન છો કાં બેવકૂફ...' ટ્રમ્પની પત્રકાર જોડે તુ..તુ..મેં..મેં..., ઈન્ટરવ્યૂ અધવચ્ચે પડતો મૂક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (Image - IANS) |
Trump calling media dishonest: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કેલિફોર્નિયા ચૂંટણીમાં ગેરરીતિના પોતાના આરોપો પર પુરાવા માંગવામાં આવતા ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતા. એન્કર સાથે તીખી ચર્ચા બાદ તેઓ મીડિયાને 'અપ્રમાણિક' કહીને, માઇક્રોફોન હટાવી ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. ઇન્ટરવ્યૂના અંતે તેમણે એન્કરને કહ્યું, 'ચલો હવે અહીં જ પૂરું કરીએ. કારણ કે હવે બહુ થયું. શુક્રિયા, ડાર્લિંગ.'
ઇન્ટરવ્યૂમાં ભારે હોબાળો
આ સમગ્ર ઘટના પ્રખ્યાત શોના ઇન્ટરવ્યૂ દરમિયાન બની હતી. શરૂઆતમાં ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો અને ટ્રમ્પના પ્રસ્તાવિત $1.8 અબજના શસ્ત્રીકરણ-વિરોધી અભિયાન જેવા ગંભીર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ રહી હતી. પરંતુ, જ્યારે એન્કર ક્રિસ્ટન વેલ્કરે વર્ષ 2020ની પ્રમુખ પદની ચૂંટણીમાં છેતરપિંડી અને કેલિફોર્નિયા પ્રાઇમરી ચૂંટણી 2026ના વિવાદ અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે માહોલ ગરમાયો હતો. એન્કરે જ્યારે ટ્રમ્પને પોતાના આરોપોના પુરાવા આપવા કહ્યું, ત્યારે તેઓ પૂર્વ પ્રમુખ જો બાઇડન અને મીડિયા પર જોરદાર વરસ્યા હતા.
પુરાવા માંગતા જ ટ્રમ્પ ભડક્યા
જ્યારે એન્કરે ધ્યાન દોર્યું કે ટ્રમ્પના આરોપોને સાબિત કરે તેવા કોઈ પુરાવા નથી, ત્યારે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું, 'માત્ર પુરાવા જ પુરાવા છે. ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. એ એક ગંદી ચૂંટણી હતી અને અત્યારે કેલિફોર્નિયામાં પણ એવું જ થઈ રહ્યું છે.' ટ્રમ્પનો દાવો છે કે કેલિફોર્નિયામાં ગવર્નર અને લોસ એન્જલસના મેયર સહિતની ઘણી બેઠકો પર મતદાન સમાપ્ત થયાના દિવસો પછી પણ મતોની ધીમી ગણતરી ચાલી રહી છે, જે મોટી ગેરરીતિ તરફ ઈશારો કરે છે.
ચૂંટણી પ્રક્રિયા અને મીડિયા પર ગંભીર આક્ષેપો
સામે પક્ષે એન્કરે દલીલ કરી હતી કે કેલિફોર્નિયામાં ચૂંટણીના દિવસે ટપાલ (મેઇલ-ઇન બેલેટ) દ્વારા મોકલેલા મતો મોડા પહોંચે તો પણ તેની ગણતરી કરવાની મંજૂરી છે, જેના કારણે પ્રક્રિયામાં સમય લાગે છે. જોકે, ટ્રમ્પે આ સ્પષ્ટતા ફગાવી દેતા કહ્યું કે, 'તમે જાણો છો તેઓ આવું કેમ કરી રહ્યા છે? કારણ કે તેઓ ચૂંટણીમાં ગેરરીતિ કરી રહ્યા છે.' જ્યારે એન્કરે ફરી પુરાવા વિશે પૂછ્યું, ત્યારે ટ્રમ્પે માત્ર એટલું જ કહ્યું, 'મારે બસ જોવું અને સાંભળવું છે, હું લોકોની વાતો સાંભળું છું અને જોઈએ આગળ શું થાય છે.'
'તમે અપ્રમાણિક છે કાં બેવકૂફ'
ઇન્ટરવ્યૂ દરમિયાન તણાવ એટલો વધી ગયો કે ટ્રમ્પે એન્કરને જ પૂછી લીધું કે શું તમે કેલિફોર્નિયાની ચૂંટણી પ્રક્રિયાને યોગ્ય માનો છો? એન્કરે જ્યારે કહ્યું કે ચૂંટણી અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે મતગણતરી ધીમી છે, ત્યારે ટ્રમ્પ મીડિયા પર ભડક્યા હતા. તેમણે કહ્યું, 'ના, તેઓ અપ્રમાણિક છે. તેઓ એટલા જ અપ્રમાણિક છે જેટલા તમે છો. તમારું પ્રેસ પણ અપ્રમાણિક છે.' એન્કરે પોતાનો બચાવ કરતા કહ્યું કે, 'હું અપ્રમાણિક નથી, ત્યારે ટ્રમ્પે વચ્ચે જ અટકાવીને કહ્યું, 'ખરેખર? તો પછી તમે સીધા તેમની જાળમાં ફસાયા છો. કાં તો તમે અપ્રમાણિક છો અથવા બેવકૂફ.'
એન્કરની વિનંતી ફગાવી ટ્રમ્પ વોકઆઉટ કરી ગયા
આ તીખી બહેસબાજી પછી ટ્રમ્પે ગુસ્સામાં પોતાનું માઇક્રોફોન હટાવી દીધું અને ઇન્ટરવ્યૂ બંધ કરી દીધું. એન્કરે તેમને રોકાવા અને વાતચીત ચાલુ રાખવા માટે ઘણી આજીજી કરી, તેમજ જણાવ્યું કે તે ખાસ આ ઇન્ટરવ્યૂ માટે જ વિસ્કોન્સિન આવી છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું કે તેઓ સવાલોના જવાબ આપવામાં પહેલેથી જ ઘણો સમય આપી ચૂક્યા છે. આટલું કહીને ટ્રમ્પ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા હતા.









