Iran Warns US : ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ દ્વારા અમેરિકાને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ખામેનેઈએ સરકારી ટીવી પરથી મેસેજ આપ્યો છે કે, હવે ખાડી વિસ્તારની સુરક્ષા ઈરાન પોતે જ કરશે. આ દરિયાઈ માર્ગમાં હવે દુશ્મનોની મનમાની કે દખલગીરી નહીં ચાલે, જો આવું કરશે તો તેને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.
‘...તો સીધા સમુદ્રના ઊંડાણમાં દફન કરી નાખીશું’
અમેરિકા પર આકરા પ્રહાર કરતાં મોજતબા ખામેનેઈએ ચેતવણી આપી છે કે, ‘ફારસની ખાડીમાં હરકત કરનારા બહારના લોકો માટે અહીં કોઈ જગ્યા નથી અને જે બાજ નહીં આવે અને ખાડીમાં આવશો તો સીધા સમુદ્રના ઊંડાણમાં દફન કરી દેવાશે’.
ખાડીમાં અમેરિકાની હાજરીથી અસુરક્ષા : ખામેનેઈ
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ(Iran Supreme Leader Mojtaba Khamenei)એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અખાત અને હોર્મુઝ માટે હવે એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે, જેનાથી આ વિસ્તારમાં શાંતિ આવશે અને આસપાસના દેશોને આર્થિક ફાયદો પણ થશે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે ફારસની ખાડીમાં અમેરિકાની હાજરી જ અસુરક્ષાનું સૌથી મોટું કારણ છે. તેમણે અમેરિકા પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘અમેરિકાના ઠેકાણા જ્યારે પોતાની સુરક્ષા કરી શકતા નથી, તો તેઓ બીજાને શું સુરક્ષા આપશે’.
દુનિયાભરમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઠપ
ખામેનેઈએ એવા સમયે ધમકી આપી છે, જ્યારે ઈરાને શરત મૂકી છે કે જ્યાં સુધી નાકાબંધી ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી તે સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો ખોલશે નહીં. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાથી જ આ રસ્તો બંધ હોવાના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઠપ થઈ ગયો છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની માઠી અસર પડી છે. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો નાકાબંધી હટાવવાનો આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
ઈરાને સમજદાર બનવું જોઈએ : ટ્રમ્પની ધમકી
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મશીનગન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ‘હું હવે મિસ્ટર નાઇસ રહ્યો નથી’. ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈરાનને પરમાણુ હથિયાર રાખવા દેશે નહીં. આ સાથે જ તેમણે ઈરાનને સલાહ આપતાં પોસ્ટમાં લખ્યું કે, ‘તેમને નોન-ન્યુક્લિયર સમજૂતી કરતાં આવડતું નથી. તેમણે જલ્દી સમજદાર બનવું જોઈએ’.
ઈરાનનો શક્તિ બતાવવાનો પ્રયાસ
ઈરાન હવે અખાતના અન્ય દેશો સાથે તાલમેલ વધારીને પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાનના નેવી કમાન્ડરે પણ નવા હથિયારોનો ઉલ્લેખ કરીને દુશ્મન દેશોને ચેતવણી આપી છે. તેના આધારે ખામેનેઈએ ફરી કહ્યું છે કે, ‘જે લોકો હજારો કિલોમીટર દૂરથી આવીને ખાડીમાં દખલ આપે છે, તેમને હવે માત્ર સમુદ્રની ઊંડાઈમાં દફનાવવાના જ બાકી છે’.
આ પણ વાંચો : ‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા


