‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-America War: વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતાં તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા 'હથિયાર' વિશે ખુલાસો કરશે, જેનાથી અમારા દુશ્મનો ફફડી ઉઠશે.
અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે
ઈરાનની નૌકાદળે અમેરિકા અને ઈઝરાયલને એક નવા હથિયારથી ધમકી આપી છે. આ સાથે જ મજાક ઉડાવતાં કહ્યું કે, અમારા નવા હથિયારથી દુશ્મનોને હાર્ટ એટેક આવી જશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
એક અહેવાલ પ્રમાણે ઈરાનના નેવી કમાન્ડર રિયર એડમિરલ શાહરામ ઈરાનીએ કહ્યું કે, 'ઇસ્લામિક ગણતંત્ર ટૂંક સમયમાં દુશ્મનોને નવા હથિયારથી જવાબ આપશે. આ હથિયાર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, દુશ્મનો આનાથી ખૂબ જ ડરે છે. આ હથિયાર તેમના ખૂબ જ નજીક છે અને મને આશા છે કે તેમને હાર્ટ એટેક નહીં આવે.'
મજાક પણ ઉડાવી
કમાન્ડરે કહ્યું કે, દુશ્મનોએ ખોટું વિચાર્યું હતું કે ઈરાન સામે તેમની નવી ઉશ્કેરણીવાળી કાર્યવાહીથી ખૂબ જ ટૂંકા સમયમાં તેમના ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી લેશે. તેમની આ જ વિચારસરણી હવે લશ્કરી એકેડેમીમાં મજાક બની ગઈ છે. જોકે તેમણે અમેરિકા અને ઈઝરાયલ સામે ઈરાનનું નવું હથિયાર શું હશે તે અંગે માહિતી નથી આપી.
નૌસેના કમાન્ડરના જણાવ્યા પ્રમાણે 28 ફેબ્રુઆરીથી સંઘર્ષ તેજ થયા બાદ ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકા અને ઈઝરાયલના ઠેકાણાઓ પર ઓછામાં ઓછા 100 જવાબી હુમલા કર્યા છે. તેમનો દાવો છે કે આ હુમલા પશ્ચિમ એશિયાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સંવેદનશીલ ઠેકાણાઓ પર કરવામાં આવ્યા છે.
અમેરિકાને સીધી ચેતવણી
તેમણે ચેતવણી આપતાં જણાવ્યું કે, 'જો અમેરિકા પોતાની જિદ ચાલુ રાખશે અને ઈરાનની શરતોને ફગાવી દેશે, તો દુશ્મનને ટૂંક સમયમાં એક અલગ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. શહરામ ઈરાનીએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંઘર્ષ દરમિયાન તેણે પોતાની સૈન્ય હાજરી વધારી છે, જેમાં વધારાના યુદ્ધજહાજો અને મિસાઇલ પ્લેટફોર્મ તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતી નેવલ એટેક નિષ્ફળ રહ્યા અને તેઓ હજુ પણ ફસાયેલા છે.
અમેરિકા માગી રહ્યું હાઇપરસોનિક મિસાઇલ
એક અહેવાલ પ્રમાણે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ સંભવિત હુમલા માટે હાઇપરસોનિક મિસાઇલ 'ડાર્ક ઈગલ'ની માગ કરી છે. આ માગનું મુખ્ય કારણ ઈરાની લોન્ચ સિસ્ટમને ફરીથી તહેનાત કરવાની છે, જે પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલોની પહોંચથી દૂર છે. આ પ્રિસિઝન મિસાઇલ 300 માઇલથી વધુ અંતરના લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. એજન્સીના જણાવ્યા મુજબ, આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો નિર્ણય લેવામાં આવે તો તે અમેરિકી હાઇપરસોનિક મિસાઇલોની પ્રથમ સૈન્ય તહેનાતી હશે.









