World

ટ્રમ્પની ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ નાંખવાની ધમકી

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ ભારત સહિત 60 દેશો પર બંધુઆ મજૂરીથી સસ્તા ઉત્પાદનો બનાવવાનો આરોપ મૂક્યો છે. યુએસટીઆરએ ફોર્સ્ડ લેબર રોકવા ભારત પર 12.5 ટકા અને પાકિસ્તાન પર 10 ટકા ટેરિફની ભલામણ કરી છે. વોશિંગ્ટન દ્વારા આ ભલામણ ટ્રેડ એક્ટ 1974ની કલમ 301 હેઠળ કરાઈ છે, જે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં બળજબરીથી મજૂરીથી બનેલા ઉત્પાદનો રોકવામાં નિષ્ફળતા અંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ નાંખવાની ધમકી

બંધુઆ મજૂરીથી સસ્તા ઉત્પાદનો બનાવવાનો અમેરિકાનો આક્ષેપ
ફોર્સ્ડ લેબર રોકવા ભારત પર 12.5 ટકા, પાકિસ્તાન પર 10 ટકા ટેરિફની યુએસટીઆરની ભલામણ

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હાલ બંધ થઈ ગયું છે અને બંને દેશ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા સહમત થઈ ગયા છે ત્યારે ફરી એક વખત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના ૬૦ દેશો પર ટેરિફ બોમ્બ ફોડવા તૈયાર થઈ ગયા છે, જેમાં ભારત, ચીન સહિતના દેશોનો સમાવેશ થાય છે. અમેરિકાએ આ દેશો પર બળજબરીથી મજૂરી અથવા બંધુઆ મજૂરી મારફત સસ્તા ઉત્પાદનો બનાવવાનો આક્ષેપ કર્યો છે. રસપ્રદ બાબત એ છે કે ટ્રમ્પ સરકારે ભારત પર ૧૨.૫ ટકા જ્યારે પાકિસ્તાન પર ૧૦ ટકા ટેરિફની ભલામણ કરી છે.
બળજબરીથી મજૂરી દ્વારા બનેલા ઉત્પાદનોની અમેરિકામાં આયાત રોકવામાં નિષ્ફળ દેશો પર ટેરિફની લટકતી તલવાર
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે ટ્રેડ એક્ટ ઓફ ૧૯૭૪ની કલમ ૩૦૧ હેઠળ ભારત પર ૧૨.૫ ટકાનો વધારાનો ટેરિફ નાંખવાની દરખાસ્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા ફોર્સ્ડ લેબર હેઠળ ભારત, ચીન, બાંગ્લાદેશ સહિત ૬૦ દેશો પર નવો ૧૨.૫ ટકા ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુનાવણી થઈ હતી, જેમાં આ દેશોએ બળજબરીથી મજૂરી દ્વારા બનેલા સામાનોને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં પહોંચતા પહેલા રોકવા માટે પર્યાપ્ત પગલાં નહીં ઉઠાવવાનો આક્ષેપ કરાયો છે.
ભારતે અમેરિકન વેપાર મંત્રાલયના આ દાવાઓ સામે વાંધો ઉઠાવ્યો છે અને તપાસને સમાપ્ત કરવાની માગ કરી છે. આ તપાસ માર્ચ ૨૦૨૬માં શરૂ થઈ હતી, જેમાં મેન્યુફેક્ચરિંગમાં પ્રત્યક્ષરૂપે બંધુઆ મજૂરીનો ઉપયોગ થતો હોય તેવા મામલાઓની તપાસ કરાઈ હતી. એટલું જ નહીં એવા મામલાઓની પણ તપાસ કરાઈ જ્યાં દેશ બંધુઆ મજૂરીથી બનેલા સામાનોની આયાત રોકવામાં નિષ્ફળ રહ્યા છે અને આ સામાનોની અમેરિકામાં નિકાસ થાય છે.
જૂનની શરૂઆતમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ સભાએ ભારત અને ૫૯ અન્ય દેશોમાંથી આવાતા સામાન પર એક્સ્ટ્રા ડયુટી લગાવવાની દરખાસ્ત કરી હતી. તેમને તપાસમાં જણાયું હતું કે, આ દેશો બળજબરીથી મજૂરીથી બનેલા સામાનો પર આયાત પ્રતિબંધને અસરકારક રીતે લાગુ કરી શક્યા નથી. કલમ ૩૦૧ હેઠળની આ તપાસમાં અસરગ્રસ્ત દેશોમાંથી આયાત પર ૧૦થી ૧૨.૫ ટકા સુધીની એક્સ્ટ્રા ડયુટી લગાવવાની ભલામણ કરાઈ છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની આ દરખાસ્તથી ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં ફરી અવરોધ ઊભા થઈ શકે છે.