ઇરાનના અણુમથક પિક્સએક્સ પર્વત પર હુમલાની ટ્રમ્પની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મધ્યપૂર્વમાં યુદ્ધની જ્વાળાનો વ્યાપ વિસ્તર્યો : ઇરાન પર બહેરીન અને કુવૈતનો પહેલી જ વખત સીધો હુમલો
- ઇરાનના જળવિસ્તારમાં એલપીજી ટેન્કર પર એટેક 28 ભારતીય ખલાસીઓનો અદભુત બચાવ થયો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે ઇરાનનો પિકએક્સ માઉન્ટેન ખતમ કરી દઇશું. પિકએક્સ માઉન્ટેન ઇરાનનું રહસ્યમયી પરમાણુ કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે. તે નતાંઝ પરમાણુ કેન્દ્રની આસપાસ છે. આ સગવડ ખડકની અંદર ૮૦થી ૧૦૦ મીટર અંદર બની છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેને સંપૂર્ણપણે નષ્ટ કરવું લગભગ અશક્ય છે.
આમ છતાં અમેરિકા પાસે તે વિકલ્પ તો છે જ કે તે આ કેન્દ્રને કામ કરવા લાયક ન રહેવા દે. આ ફક્ત લશ્કરી જ નહીં વ્યૂહાત્મક રણનીતિ પણ છે. ઇરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ તેને રોકવા માટે બધા જ પ્રકારના રસ્તા અપનાવી રહ્યા છે.
પિકએક્સ માઉન્ટેન જેનું ફારસી નામ કુહ-એ-કોલાંગ ગજ લા છે. ઇરાનના ઇસ્ફહાન પ્રાંતમાં જાગ્રોસ પહાડીઓમાં સ્થિત છે. આ નતાંઝ યુરેનિયમ સંવર્ધન સંકુલમાં ફક્ત ૧.૫થી બે કિ.મી. દક્ષિણમાં છે. આ પહાડની ઊંચાઈ લગભગ ૧,૬૦૦ મીટર છે. તેની અંદર સુરંગોવાળું એક મોટું કોમ્પ્લેક્સ બનાવાયું છે. ઇઝરાયેલની જાસૂસી સંસ્થાના અહેવાલ મુજબ હજારો સેન્ટ્રીફ્યુજ અને કેટલાક સંવર્ધિત યુરેનિયમ અહીં શિફ્ટ કરવામાં આવ્યું છે.
૨૦૨૦માં નતાંજમાં થયેલા વિસ્ફોટ પછી ઇરાને આ સ્થળે બાંધકામ શરૂ કર્યુ હતું. ઇરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એડવાન્સ્ડ સેન્ટ્રીફ્યુજ બનાવવા અને તેને એકત્રિત કરવાની સગવડ બનશે,પરંતુ પશ્ચિમી જાસૂસી સંસ્થાઓ માને છે કે આ સ્થળ પરમાણુ કાર્યક્રમ માટે સૌથી સલામત સ્થળ હોઈ શકે છે. અહીં યુરેનિયમનો સંગ્રહ કરી શકાય છે અથવા તો ગુપ્ત રીતે તેને સંવર્ધિત કરી શકાય છે. ૨૦૨૬ સુધીના સેટેલાઇટ ઇમેજ સુધી ખબર પડે છે કે નિર્માણ જારી છે. સુરંગના પ્રવેશદ્વારોને કોંક્રીટના મજબૂત ઢાકણાથી ઢાંકવામાં આવ્યા છે. સુરક્ષા દીવાલ બનાવવામાં આવી છે. એન્ટિ એરક્રાફ્ટ સિસ્ટમ ગોઠવાયેલી છે. ટ્રમ્પ કેટલીય વખત ઉલ્લેખ કરી ચૂક્યા છે કે અમેરિકા આ સ્થળ પર વહેલામાં વહેલી તકે મોટો હુમલો કરશે. આ માચે અમેરિકા તેના બી-વન બોમ્બરનો મોટાપાયે ઉપયોગ કરી શકે છે.
આ દરમિયાન શુક્રવારે ઇરાનના જળવિસ્તારમાં એક એલપીજી ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો. તેમા ૨૮ ભારતીય ખલાસી સવાર હતા. સદનસીબે બધા ભારતીય ખલાસી જીવિત છે. ઇરાનમાં ભારતીય રાજદૂતાવાસે પણ આ વાતને સમર્થન આપ્યું છે. મોઝામ્બિકના ઝંડાવાળા એલપીજી ટેન્કર દિશા પર આજે સવારે ઇરાની જળવિસ્તારમાં હુમલો થયો હતો. જહાજમાં સવાર બધા ૨૮ ભારતીય ક્રૂ મેમ્બર સલામત છે.
પશ્ચિમ એશિયાનું યુદ્ધ હજી વધુ વ્યાપક બને તેમ છે. પહેલી જ વાર કુવૈત અને બહેરિન સીધી રીતે યુદ્ધમાં કૂદી પડયાં છે અને ઈરાનનાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન લાંબા સમયથી આ દેશો પર હુમલા કરી રહ્યું હોઈ તેના જવાબમાં આ હુમલા કરવામાં આવી રહ્યાં છે.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં પહેલી જ વાર તેવું બન્યું છે કે ગલ્ફના કોઈ દેશે ઈરાન પર સીધા હુમલા શરૂ કર્યા હોય. આ દેશોએ સઉદી અરબની મદદથી ઈરાને બાંધેલાં મિસાઇલ સ્ટોરેજ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં છે. સઉદી અરબ જાસૂસી માહિતી આપવા સાથે ડીફેન્સીવ એર કવર તે અમેરિકી સૈન્ય મથકોને આપી રહ્યું છે. હોર્મુઝમાં કમસેકમ ૪૦૦ જહાજો અને છ હજાર ખલાસીઓ ફસાયેલા હોવાનો યુએન માનવ અધિકાર એજન્સીએ
પહેલાં તો ગલ્ફ કન્ટ્રીઝ આત્મરક્ષાનો જ પ્રયાસ કરતા હતા. ઈરાન તરફથી છોડવામાં આવતાં મિસાઇલ્સ અને ડ્રોન નષ્ટ કરતા હતા. યુદ્ધ વધવાની આશંકાથી સીધે સીધો યુદ્ધમાં ભાગ લેતા ન હતા. પરંતુ ઇરાનના સતત હુમલાઓ થતાં ખાડી દેશોએ પણ યુદ્ધ માટે કમર કસી છે. જોકે ઓમાન અને કતર જેવા દેશોએ હજી હુમલા શરૂ નથી કર્યા. રીપોર્ટ પ્રમાણે ઈરાન વિરૂદ્ધનાં અભિયાનમાં સઉદી અરબ પણ સામેલ હતું. બહેરિન અને કુવૈતે તો મોર્ચો ખોલી નાખ્યો છે. તે દેશો ઉપર ઈરાને જોરદાર હુમલા કર્યા હતા. ઈરાન ખાડી દેશોમાં રહેલાં અમેરિકન બેઝ અને તેના સૈન્ય ઉપકરણોને નિશાન બનાવી રહ્યું છે. બહેરિન, કુવૈત અને જોર્ડનમાં ઈરાને સૌથી વધુ હુમલા કર્યા છે. ઉપરાંત યુ.એ.ઇ.નાં કેટલાંએ શહેરોમાં તબાહી મચાવી રહ્યું છે તે દેશોમાં વારંવાર સાયરન વાગે છે.
ઈરાન કહે છે કે કુવૈતમાં તેણે અમેરિકી મથકો, જેવા કે કેમ્પ ઉડેરી, કેમ્પ દોહા અને કેમ્પ આરીફજાન પર હુમલા કર્યા છે, તે સર્વવિદિત છે કે અમેરિકાએ હોર્મુઝ પર નાકાબંધી કરી છે તેની ઉપર નિયંત્રણ માટે અમેરિકા, ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે.
સાઉદીની અરામ્કો પર હુથીઓનો મિસાઇલ હુમલો
- મધ્ય એશિયાની કટોકટી વધુ વકરી
- હુથીઓનો રેડ સીમાં સાઉદીના ટેન્કરો માટે કરફ્યુથી તંગદિલીમાં વધારો
રિયાધ : સાઉદી અરબસ્તાનમાં ફરી ટેન્શન વધી ગયું છે. યમનમાંથી છોડાયેલાં મિસાઇલ્સ અને ડ્રોને જીઝાન પ્રાંતના એક ઔદ્યોગિક શહેર અને દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોને નિશાન બનાવ્યાં હતાં. પરિણામે કેટલાએ વિસ્તારમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. આ સાથે યનબૂ પ્રાંતમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.ં
સઉદી અરબ અને યમન વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચતી દેખાય છે. સઉદી અરબે કરેલા હુમલાના જવાબમાં યમનના હૂતીઓએ કરેલા હુમલાથી સઉદીના ૩ મોટા પ્રાંતો પ્રભાવિત થયા હતા. જીઝેન, યનબૂ અને દમામ અસરગ્રસ્ત થયા હતા. સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે દુનિયાની સૌથી મોટી તેલ કંપની મનાતી અરામકો યમનના (હૂતીઓના) મુખ્ય નિશાન પર આવી ગઈ હતી. આથી ગ્લોબલ ઓઇલ માર્કેટને ભારે ઝટકો લાગ્યો છે.
આ હુમલા પછી કેટલાયે વિસ્તારોમાં બ્લેકાઉટ જાહેર કરાયો છે. સઉદી સિવિલ ડીફેન્સે યનબૂ પ્રાંત માટે નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ ઉપર ઈમરજન્સી એલર્ટ જાહેર કરી છે.
આ હુમલા એવે સમયે થયા છે કે જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે સંપૂર્ણ મધ્ય-પૂર્વ તંગ બની રહ્યું છે. શુક્રવારે મોડી રાત્રે સઉદી અરબે યમનના હૂતી નિયંત્રિત શહેર હાદેઈદા ઉપર હુમલા કર્યા હતા. હૂતી વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી હતી કે સાઉદીને આ હુમલો મોંઘો પડશે. હૂતી સંલગ્ન અલ-મસીરા ટીવી જણાવે છે કે હાદેઈદામાં દૂરસંચાર પ્રાધિકરણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. કામરાન દ્વિપ ઉપર પણ હુમલા કરાયા હતા જેથી એક મહિલા ઘાયલ થઈ હતી.
બીજી તરફ રાતા સમુદ્રમાં પણ તંગદિલી વધી રહી છે. બુધવારે હૂતીઓએ દાવો કર્યો હતો કે તેમણે રાતા સમુદ્રમાં સઉદી ઓઇલ ટેન્કર ઉપર ડ્રોન અને મિસાઇલ્સથી હુમલા કર્યા હતા, તેથી ઓછામાં ઓછું એક જહાજ તો ક્ષતિગ્રસ્ત થયું હતું. હૂતીઓનું કહેવું છે કે, આ કાર્યવાહી ૨૦મી જુલાઈએ અને જાહેર કરેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરવા માટે કરવામાં આવ્યો હતો. આ નાકાબંધી અમારા હવાઈ મથક પર કરાયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક મહિનાથી હૂતી, સઉદી તેલ સંસ્થાઓ અને શીપીંગ રૂટસને નિશાન બનાવી રહ્યા છે. એક તરફ હોર્મુઝ લગભગ બંધ થઈ છે તો બીજી તરફ રાતા સમુદ્રમાંથી પણ તેલની નિકાસ થવામાં અવરોધ ઉભો થયો છે તેથી ફરી પાછી વિશ્વ બજારમાં ક્રૂડની કિંમત વધતી જશે.




