Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે 1 - image


Donald Trump Threat Iran : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું. 

ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે. 

આમ ઇરાનને પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફથી ઘેરવાની, ઘેરી ચાલ અમેરિકન પ્રમુખ ચાલી રહ્યા છે. બીજી તરફ મુલ્લાં સરકાર સામે ઇરાનમાં વ્યાપક રમખાણો થયાં હોવા છતાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેની પણ જરાયે નમતું આપવા તૈયાર નથી.

બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સાથેની મંત્રણા પછી અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનને હુમલો કરવાની ધમકી આપી દીધી છે અને કહી દીધું છે કે જો ઇરાન તેની વાત અંગે સહમત ન થાય તો જૂનમાં કરાયા હતા તેવા હુમલા ફરી કરવામાં આવશે. સાથે સાથે ટ્રમ્પે પરમાણુ સમજૂતી સંબંધે ઇરાન સાથે મંત્રણા કરવાની પણ તૈયારી દર્શાવી છે. પરંતુ ઇરાનને વાંધો તે છે કે મંત્રણા પહેલાં તો માત્ર યુરેનિયમ સંવર્ધન પૂરતી જ કરવાની હતી તેમાં હવે અમેરિકાએ મિસાઈલ સંખ્યા, તેમજ તેની પ્રહારમર્યાદા અને પ્રહાર શક્તિ પણ મર્યાદિત રાખવાના મુદ્દા ઉઠાવ્યા છે. તેથી મંત્રણા નિરર્થક બની રહેશે. 

આમ છતાં ટ્રમ્પ તેની શરતોમાંથી પાછા હટયા નથી માગતા, તો ઇરાન પણ નમતું જોખવા નથી માગતું. ટૂંકમાં તેલ પર તરતાં પશ્ચિમ, તથા મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તણાવની છે. ઉલ્લેખનીય છે કે ખાડી દેશો અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપી ચૂક્યા છે કે તે યુદ્ધનો વિકલ્પ પસંદ ન કરે, નહીં તો આખું મધ્યપૂર્વ ભડકે બળે તેવી સ્થિતિ આવી શકે છે. છતાં આ વખતે ટ્રમ્પ જરા પણ તેમનું સાંભળવાની ફિરાકમાં લાગતા નથી.