નવી દિલ્હી,૩૦ માર્ચ,૨૦૨૬,સોમવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને યુધ્ધ વિરામ માટે સમજૂતી કરવા માટે દબાણ વધારી રહયા છે. ૧૦ દિવસની મહેતલ આપી છે પરંતુ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે મિસાઇલ અને ડ્રોનથી એક બીજા પર હુમલા યથાવત રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે વાતચિત ચાલી રહી હોવાનો દાવો કરે છે જેનો ઇરાન સતત ઇન્કાર કરી રહયું છે. ઇરાન અને અમેરિકા વચ્ચે અવિશ્વાસની ખાઇ વધતી જવાથી શાંતિમંત્રણાના સ્થાને યુદ્દ સતત લંબાયું છે અને હજુ પણ લંબાતું રહે તેવા સંકેતો મળી રહયા છે. ટ્રમ્પે ફરી એક વાર ઇરાનને ધમકી આપી છે કે જો ઇરાન જલદીથી કોઇ સમજૂતી નહી કરે તો તેના ખાર્ગ દ્વીપનું નામો નિશાન મિટાવી દેશે.
આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે ઇરાનના વીજળી માળખા અને તેલના કૂવાઓ પર હુમલો સહન કરવાની તૈયારી રાખવી પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર લખ્યું હતું કે આમ તો વાતચિતમાં ઘણી પ્રગતિ થઇ છે સમજૂતીની શકયતા પણ વધારે છે પરંતુ કોઇ પણ કારણોસર સમજૂતી નહી થાય તો વેપાર માટે હોર્મુઝ જળ માર્ગ ઇરાને તાત્કાલિક ખોલવો પડશે. નહીંતર અમે ઇરાનમાં શરુ કરેલા શાનદાર પ્રવાસનો અંત તમામ વીજળી ઉત્પાદન સંયંત્રો, તેલના કુવાઓ અને ખાર્ગદ્વીપને નેસ્તનાબૂદ કરી નાખીશું. નોંધનીય છે કે ૨૮ ફેબુ્રઆરીથી ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ઇરાન પર પરમાણુ સંશોધન પર નિયંત્રણ લાવવા યુધ્ધની શરુઆત થઇ હતી. ઇરાનના સુપ્રિમ લિડર અને ધર્મગુરુ આયાતોલ્લાહ અલી ખોમેનેઇની હત્યા થયા પછી યુધ્ધ વકર્યુ હતું.

ઇરાનમાં સત્તાપલટો થવાના સ્થાને ઇસ્લામિક રિપબ્લિક ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ સાઉદી અરબ, કુવેત, બહેરિન સહિતના ખાડી દેશો અને ઇઝરાયેલ પ્રત્યુતર આપવાનું શરુ કર્યુ હતું જે હજુ પણ યથાવત છે. અમેરિકી પ્રેસિડેન્ટે ઇરાનના ઉર્જા ક્ષેત્રો અને ખારદ્વીપ પર હુમલો નહી કરવા માટે શરુઆતમાં ૪ દિવસ અને ત્યાર પછી ૧૦ દિવસની મુદત આપી છે. જો કે ત્યાર પછી પણ ગલ્ફમાં ઇરાન અને ઇઝરાયેલનું આક્રમણ પ્રતિ આક્રમણનો સિલસિલો અટકયો નથી. ટ્રમ્પની ધમકીના પગલે ઇરાન વાતચિત કરશે કે પરિસ્થિતિ બગડશે તેના પર વિશ્વની શાંતિનો આધાર હોવાનું નિષ્ણાતો માની રહયા છે.


