Get The App

ભારત પર વધુ ટૅરિફ ઝીંકવાનું બહાનુ શોધી રહ્યા છે ટ્રમ્પ...' અમેરિકન સાંસદનો મોટો દાવો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ભારત પર વધુ ટૅરિફ ઝીંકવાનું બહાનુ શોધી રહ્યા છે ટ્રમ્પ...' અમેરિકન સાંસદનો મોટો દાવો 1 - image

 Image X


Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ ભારત વિરુદ્ધ ભારે ટૅરિફ (આયાત શુલ્ક) લાદવા માટે બહાના શોધી રહ્યા છે. અમેરિકી સાંસદ બ્રેડ શર્મન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, ભારતને જ અલગથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને તેમણે ટ્રમ્પ સરકાર પાસે આ નીતિ બદલવાની માંગ કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટૅરિફ ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પ ટૅરિફ માટેના બહાના શોધી રહ્યા છે

શર્મને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર વધુ ટૅરિફ લાદવા માટે બહાના શોધી રહ્યા છે." તેમણે વધુમાં લખ્યું કે, "તેઓ દાવો કરી રહ્યા છે કે, આનું કારણ રશિયન તેલ છે. જ્યારે હંગેરી તેના તેલનો 90 ટકા હિસ્સો કોઈપણ ટૅરિફ વગર રશિયા પાસેથી આયાત કરે છે. રશિયાના મોટા ખરીદદાર ચીન પર પણ રશિયન તેલની ખરીદીને કારણે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી." સાંસદે ઉમેર્યું કે, "ભારત રશિયા પાસેથી માત્ર 21 ટકા ક્રૂડ ઓઇલ લે છે, તેમ છતાં આપણા મિત્ર દેશને જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિએ તાત્કાલિક આ નીતિ બદલવી જોઈએ."

જાન્યુઆરીમાં નિકાસમાં થયો ઘટાડો

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, જાન્યુઆરીમાં અમેરિકામાં ભારતની વસ્તુઓની નિકાસ 21.77 ટકા ઘટીને 6.6 અબજ અમેરિકી ડૉલર થઈ ગઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર, ઑક્ટોબર અને ડિસેમ્બરમાં પણ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે 22.61 ટકા વધી હતી. બીજી તરફ, જાન્યુઆરીમાં અમેરિકાથી આયાત 23.71 ટકા વધીને 4.5 અબજ ડૉલર થઈ છે. 

આ પણ વાંચો : સૂર્યકુમારે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયાનો સૌથી સફળ T20I કેપ્ટન

અમેરિકા સાથે થઈ ચૂકી છે ડીલ

અમેરિકાએ 27 ઑગસ્ટથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા શુલ્ક લાગુ કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરાર પર સહમતિ થઈ છે. 7 ફેબ્રુઆરીથી ભારતીય વસ્તુઓ પરનો 25 ટકા દંડાત્મક શુલ્ક હટાવી દેવામાં આવ્યો છે અને વળતો શુલ્ક 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે.

અમેરિકનો જ ભોગવી રહ્યા છે ટૅરિફનો માર

ટૅરિફ નીતિ પરના એક નવા રિપોર્ટે મોટા સવાલો ઊભા કર્યા છે. અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે, આયાત શુલ્કનો બોજ વિદેશી કંપનીઓ અને સરકારો પર પડશે, પરંતુ તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ શુલ્કનો લગભગ 90 ટકા ખર્ચ અમેરિકી ગ્રાહકો અને વેપારીઓએ જ ઉઠાવ્યો છે. ફેડરલ રિઝર્વ બૅંક ઑફ ન્યૂયોર્ક સાથે જોડાયેલા અર્થશાસ્ત્રીઓના વિશ્લેષણમાં આ તારણ બહાર આવ્યું છે.

'યુએસએ ટુડે'ના અહેવાલ મુજબ, ટેક્સ ફાઉન્ડેશનના રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે, 2025માં: દરેક અમેરિકી પરિવાર પર 1000 ડૉલરનો વધારાનો બોજ પડ્યો. 2026માં આ બોજ વધીને 1300 ડૉલર થવાનો અંદાજ છે.