Get The App

ખુશામત કરતા પાકિસ્તાનને ટ્રમ્પનો મોટો ઝટકો, ગાઝામાં સેના મોકલનારા 5 દેશોમાં સામેલ ન કર્યો

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
Pakistan excluded from Gaza Force
(IMAGE - IANS)

Pakistan excluded from Gaza Force: અમેરિકાના વોશિંગ્ટન ખાતે નવા નામકરણ પામેલા 'ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ'માં 'બોર્ડ ઓફ પીસ'ની પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના નવનિર્માણ માટે 10 અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. ઑક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ બાદ હવે ગાઝામાં શાંતિ સ્થાપવા અને સુરક્ષા જાળવવા માટે એક 'આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ'(ISF) બનાવવામાં આવી રહ્યું છે. આ સુરક્ષા દળનું નેતૃત્વ અમેરિકાના મેજર જનરલ જેસ્પર જેફર્સ કરશે.

મુસ્લિમ દેશોની ભૂમિકા અને સૈન્ય ફાળવણી

ગાઝામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે કુલ 20,000 સૈનિકોના આંતરરાષ્ટ્રીય દળની જરૂરિયાત છે, જેમાં મુસ્લિમ દેશો અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુલ દેશ ઇન્ડોનેશિયાએ સૌથી વધુ 8,000 સૈનિકો મોકલવાની જાહેરાત કરીને આ મિશનમાં મોટો ફાળો આપ્યો છે, જેના માટે ટ્રમ્પે ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોની વિશેષ પ્રશંસા કરી હતી. 

આ ઉપરાંત મોરોક્કો, અલ્બેનિયા, કઝાકિસ્તાન અને કોસોવો જેવા દેશો પણ સૈનિકો અને પોલીસ અધિકારીઓ મોકલવા સંમત થયા છે. જોકે, આ યાદીમાં પાકિસ્તાનનું નામ ન હોવું એ તેના માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન આ દળનું નેતૃત્વ કરવાની આશા રાખતું હતું. હમાસના નિશસ્ત્રીકરણના મુદ્દે પાકિસ્તાનના અસ્પષ્ટ વલણને કારણે હાલમાં તેને આ મુખ્ય પ્રક્રિયાથી અલગ રાખવામાં આવ્યું હોય તેમ જણાય છે.

પાકિસ્તાની પીએમની આબરુના ધજાગરા 

આ દરમિયાન એક ક્ષણે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનના યુદ્ધને અટકાવવાનો દાવો કર્યો હતો તે સમયે તેમણે શાહબાઝ શરીફને સૌની સામે ઊભા થવા કહ્યું હતું અને આ દરમિયાન જ તેમણે પીએમ મોદીના વખાણ કર્યા હતા. જેનાથી વિલા મોઢે પાકિસ્તાની પીએમ શાહબાઝ ચુપચાપ સાંભળતા રહ્યા અને પછી નીચું મોઢું કરી બેસી ગયા હતા. 

હમાસનું નિશસ્ત્રીકરણ અને સુરક્ષા વ્યવસ્થા

શાંતિ યોજનાના બીજા તબક્કામાં હમાસને હથિયાર નીચે મૂકવા માટે દબાણ કરવામાં આવશે. ટ્રમ્પને આશા છે કે આ કામ શાંતિપૂર્ણ રીતે થશે, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ ચેતવણી આપી છે કે જો હમાસ જાતે નિશસ્ત્ર નહીં થાય તો બળપ્રયોગ કરવામાં આવશે. ગાઝામાં નવી 'પોસ્ટ-હમાસ પોલીસ ફોર્સ' માટે ભરતી પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: 'AI કંઇ પણ કરી શકે છે પરંતુ...', દિલ્હીના ટ્રાફિક અંગે બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનકનો કટાક્ષ

આર્થિક ભંડોળની જાહેરાત

ગાઝાના પુનઃનિર્માણ માટે વિશ્વભરના દેશો અને સંગઠનો આર્થિક મદદ કરી રહ્યા છે. આ ભંડોળમાં ખાસ કરીને ખાડી દેશોનો મહત્ત્વનો ફાળો છે, જેમાં કતર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ એમિરેટ્સ(UAE) - આ ત્રણેય દેશોએ ગાઝાના ઉત્થાન માટે 1-1 અબજ ડોલરની માતબર સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર(UN) દ્વારા માનવીય સહાયના કાર્યો માટે 2 અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ખેલજગત પણ આમાં પાછળ નથી. FIFA દ્વારા ગાઝામાં ફૂટબોલને લગતા પ્રોજેક્ટ્સ અને રમતગમતના માળખાકીય વિકાસ માટે 7.5 કરોડ ડોલરની સહાય આપવાની ખાતરી આપવામાં આવી છે.

બોર્ડ ઓફ પીસ અને વિવાદ

ટ્રમ્પની આ પહેલ જેટલી ચર્ચામાં છે તેટલી જ વિવાદમાં પણ છે. આ બોર્ડમાં ટ્રમ્પ પાસે વીટો પાવર રહેશે અને તેઓ પદ છોડ્યા પછી પણ તેના પ્રમુખ રહી શકે છે. આ ઉપરાંત, બોર્ડમાં કાયમી સભ્યપદ મેળવવા માટે દેશોએ 1 અબજ ડોલર ચૂકવવા પડશે. વિવેચકો આ માળખાને 'અસ્પષ્ટ' અને ટ્રમ્પની 'મહત્વાકાંક્ષાનું મિશ્રણ' ગણાવી રહ્યા છે.

ખુશામત કરતા પાકિસ્તાનને ટ્રમ્પનો મોટો ઝટકો, ગાઝામાં સેના મોકલનારા 5 દેશોમાં સામેલ ન કર્યો 2 - image